ક્યાં છે મોંઘવારી! માત્ર 42 દિવસમાં જ થયું 42 લાખથી વધુ વાહનોનું વેચાણ
નવી દિલ્હી: દેશમાં તહેવારની સિઝન ઓટોમોબાઈલ સેક્ટરને આ વખતે જોરદાર ફળી છે, કારણ કે દેશમાં આ વર્ષે 42 દિવસના તહેવારોના સમયગાળા દરમિયાન વાહનો (રિટેલ)નું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 42,88,248 યુનિટ થયું છે. પેટ્રોલ-ડીઝલથી લઈને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવા છતાં વાહનાનો વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એનું સૌને આશ્ચર્ય છે. ઓટોમોબાઈલ સેક્ટરના અગ્રણી ડીલર્સ સંગઠનએ જણાવ્યું હતું કે આ વર્ષની તુલનામાં ગયા વર્ષે 38.37 લાખ વાહનનું વેચાણ થયું હતું.
નવરાત્રીથી જોવા મળી વૃદ્ધિ
ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર એસોસિયેશન (FADA)એ જણાવ્યું હતું કે નવરાત્રિની શરૂઆતથી અમને નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જે અમારા અનુમાનિત લક્ષ્યની ઘણી નજીક પહોંચી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન 42.88 લાખ વાહનોનો નોંધણી થઈ છે, જે ગયા વર્ષના 38.37 લાખ વાહનોની સરખામણીમાં 11.76 ટકા વધુ છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડ કાર અકસ્માતમાં છ યુવાનનાં મોત અંગે હવે પોલીસે આપ્યું નિવેદન
પેસેન્જર વાહનોનું વેચાણ વધ્યું
આ વર્ષે તહેવારોના સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ સાત ટકા વધીને 6,03,009 યુનિટ થયું હતું, જે ગયા વર્ષે 5,63,059 યુનિટ હતું. વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે માંગમાં વધારો અને બજારમાં ઉપલબ્ધ અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટને કારણે મંદી પછી પેસેન્જર વાહનોના વેચાણમાં થોડી મંદી બાદ તેજી જોવા મળી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 42 દિવસના સમયગાળામાં ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન 14 ટકા વધીને 33,11,325 યુનિટ થયું છે.
ગ્રામીણ ક્ષેત્રે ડિમાન્ડમાં વધારો
ટુ-વ્હીલરની માંગ મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ રહેતી હોય છે. આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા વધીને 1,28,738 યુનિટ થયું છે. બીજી તરફ થ્રી-વ્હીલરનું વેચાણ સાત ટકા વધીને 1,59,960 યુનિટ થયું છે. જોકે, ટ્રેક્ટરનું વેચાણ વાર્ષિક ધોરણે બે ટકા ઘટીને 85,216 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના આ જ સમયગાળામાં 86,640 યુનિટ હતું. સમગ્ર દેશમાં 1,430 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO)માંથી 1,368 ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.