ઉત્તરાખંડ કાર અકસ્માતમાં છ યુવાનનાં મોત અંગે હવે પોલીસે આપ્યું નિવેદન
દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂનમાં મંગળવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં છ વિદ્યાર્થીના મોત થયા (Dehradun car accident) હતાં. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાને બે દિવસથી વધુનો સમય વિતી ચુક્યો હોવા છતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં નહોતી આવી. આ કેસમાં આજે પોલીસ પ્રશાસન દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.
દેહરાદૂનમાં કાર અકસ્માતમાં છ યુવાનના મોત થયા હતા, જેમાં પૂરપાટ ઝડપની ઈનોવાને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો અને કારમાં મુસાફરી કરી રહેલા 6 વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં 3 યુવતી અને 3 યુવક હતા. આ અકસ્માતમાં ઘાયલ સિદ્ધેશ અગ્રવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક છે.
સોશિયલ મીડિયાનાં દાવાઓ ખોટા
આપણ વાંચો: ઉત્તરાખંડના અલ્મોડામાં ભીષણ માર્ગ અકસ્માત, બસ ખાઇમાં પડી, 22ના મોત, અનેક ઘાયલ
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમ કે કાર ઓવર સ્પીડમાં હોવાથી અકસ્માત થયો હતો. વિદ્યાર્થીઓ દારૂ પીને કાર ચલાવી રહ્યા હતા. કાર સાથે રેસિંગ કરી રહ્યા હતા. હવે દહેરાદૂન એસએસપી અજય સિંહે આ તમામ દાવાઓ અંગે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની વાતો વહેતી થઈ રહી છે, જેમાં કોઇ સત્ય નથી. ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અથવા બીએમડબલ્યુ સાથે રેસ લગાવવાની વાતો કરી હતી, પરંતુ તદ્દન ખોટી છે.
મૃતકની ઓળખ કરાઈ
મૃતકોની ઓળખ કરવામાં આવી છે. ગુનીત (19), કુણાલ કુકરેજા (23), ઋષભ જૈન (24), નવ્યા ગોયલ (23), અતુલ અગ્રવાલ (24) અને કામાક્ષી (20) તરીકે કરવામાં આવી છે. તમામ મૃતકની ઉંમર 19થી 24 વર્ષની છે, જ્યારે ઘાયલ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું છે. હાલમાં કારની બ્રેકની નીચેથી પાણીની બોટલ મળી છે, જેના આધારે તપાસ ચાલુ છે. બોટલને કારણે બ્રેક ફેઈલ થઈ શકે છે, પરંતુ હાલમાં તપાસ ચાલી રહી છે.
સીસીટીવી પરથી થશે સ્પષ્ટતા
વધુમાં તેમણે કહ્યું હતું કે BMW સાથે રેસ કરવાનો દાવો પણ ખોટો છે, CCTV ચેક કર્યા બાદ એ સ્પષ્ટ થાય છે. આ અંગે વધુ વિગતો હાલ સિદ્ધેશ ભાનમાં આવશે તે બાદ જ ખબર પડશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ દારૂ પીને ડ્રાઇવિંગ કરતાં હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્ટી કરી રહ્યા હતા તે ખરું પરંતુ તે પૂર્ણ થયા બાદ કેટલાક ઘરે પણ ગયા હતા. પરંતુ તે કહેવું ખોટું હશે કે છોકરાઓ ઓવર સ્પીડમાં હતા.