ટાયસન-જેક પૉલની મુક્કાબાજી પહેલાં ભારતના આ બૉક્સરની છે ઇવેન્ટ, જાણો ક્યારે અને કોની સામે
આર્લિંગ્ટન (ટેક્સસ): અહીં હાલમાં સંપૂર્ણપણે બૉક્સિંગનો માહોલ છે, કારણકે પીઢ મુક્કાબાજ માઇક ટાયસન અને જેક પૉલ વચ્ચેના બહુચર્ચિત બાઉટનો સમય નજીક આવી ગયો છે. ભારતમાં ટાયસન અને જેક પૉલના અસંખ્ય ચાહકો હશે, પરંતુ ભારતીય મુક્કાબાજ નીરજ ગોયતના પણ ચાહકોની સંખ્યા ઓછી નથી અને એ જ નીરજ ગોયત હવે ગણતરીના કલાકોમાં ટેક્સસની બૉક્સિંગની રિંગમાં જોવા મળશે.
શનિવાર, 16મી નવેમ્બરે સવારે ટાયસન-જેક પૉલ વચ્ચેની મુક્કાબાજી (ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે એના ત્રણ કલાક પહેલાં એટલે કે સવારે 6.30 વાગ્યે (અન્ડરકાર્ડ ઇવેન્ટ તરીકે) નીરજ ગોયત અને બ્રાઝિલના વિન્ડરસન નુન્સ વચ્ચે ટક્કર થશે.
નીરજ-વિન્ડરસન વચ્ચે શનિવાર, 16મી નવેમ્બરે સવારે 6.30 વાગ્યે છ રાઉન્ડનો સુપર મિડલવેઇટ મુકાબલો શરૂ થશે.
33 વર્ષનો નીરજ જાણીતો ભારતીય બૉક્સર છે તેમ જ મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં પણ નિપુણ છે. વર્લ્ડ બૉક્સિંગ કાઉન્સિલ (ડબ્લ્યૂબીસી)ના વર્લ્ડ રૅન્કિંગમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ફાઇટર છે. ખરેખર તો તેને માઇક ટાયસનના શનિવારના હરીફ જેક પૉલ સામે લડવું હતું, પણ એને બદલે તેણે હવે જેકના ટાયસન સાથેના મુકાબલાની પ્રમોશનલ ઇવેન્ટ માટે કરાર કર્યા છે.
આ પણ વાંચો : ફાઇટિંગ પહેલાં સાથે સ્મોકિંગ: ટાયસન અને જેક પૉલની ‘દુશ્મની’ પહેલાં ‘દોસ્તી’
નીરજનો હરીફ વિન્ડરસન બ્રાઝિલનો જાણીતો મુક્કાબાજ તેમ જ યુટ્યૂબ ઇન્ફ્લૂયન્સર અને કૉમેડિયન છે.
નીરજે 2006માં 15 વર્ષની ઉંમરે ભારતીય લશ્કરની એક ઇન્સ્ટિટ્યૂટમાં મુક્કાબાજીની તાલીમ શરૂ કરી હતી. તે ત્યાર પછી નાની-મોટી સ્પર્ધાઓમાં મેડલ જીતતો ગયો હતો. 2014માં તે યુથ નૅશનલ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ત્રણ વખત ડબ્લ્યૂબીસી એશિયા ટાઇટલ જીતી ચૂકેલા હરિયાણાના નીરજ ગોયતના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફૉલોઅર્સ છે.
2014માં નીરજ ચીનમાં ચીની બૉક્સર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન શુ કૅનને હરાવનાર પ્રથમ બૉક્સર બન્યો હતો.