ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો વેચાઇ ગઇ: ઓનલાઇન બુકિંગમાં ભારે વેઇટિંગથી અનેક મેચરસિયાઓ નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં વર્લ્ડ કપ ૨૦૨૩માં ૧૪ ઓક્ટોબરે રમાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે બીસીસીઆઇ દ્વારા ૧૪ હજાર ટિકિટનું ઓનલાઇન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ઓનલાઇન ટિકિટ જાણીતી એપ પર આ મેચનું ૯૦ મિનિટ સુધીનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. લોકો ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે જેને કારણે ૯૦ મિનિટ સુધીનું વેઇટિંગ બતાવી રહ્યું છે.
જોકે તમામ ટિકિટો વેચાઇ જતાં મેચરસિયાઓનો સ્ટેડિયમમાં મેચ જોવાના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતુ. મેચના ટિકિટ સિવાય સ્ટે સહિતની વ્યવસ્થા કરી ચૂકેલ ક્રિકેટપ્રેમીઓ યેન કેન પ્રકારેણ ૧૪મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત પાકિસ્તાનની મેચની ટિકિટ મેળવવા ઝાવા મારતા જોવા મળ્યા હતા.
બીસીસીઆઇએ ૧૪ હજાર ટિકિટ વેચવાની જાહેરાત કરી હતી. મેચનો ક્રેઝ જોતા ૧૪ હજાર ટિકિટ ઓનલાઇન વેચાણમાં મુકવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઇએ ટ્વિટ કરીને જાણ કરી હતી કે ૮ ઓક્ટોબર ૨૦૨૩માં બપોરના ૧૨ વાગ્યાથી ઓનલાઇન ટિકિટ એપ બુક માય શો પર ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવશે. જોકે, ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થાય ત્યારથી જ વેબસાઇટની સ્ક્રિન પર ૯૦ મિનિટ વેઇટિંગ બતાવતું હતું જેને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માંગતા ફેન્સ નિરાશ થયા હતા. ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે.
અમદાવાદમાં ૧ લાખ ૩૨ હજારની દર્શક ક્ષમતા ધરાવતા વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચ રમાવાની છે. ૧૪ ઓક્ટોબરના મહામુકાબલાને જોવા માટે ફેન્સ લાખો રૂપિયા પણ ખર્ચવા માટે તૈયાર છે. જોકે, બીસીસીઆઇએ ટિકિટ વેંચાણ અર્થે તો મુકી છે પણ ટિકિટનું ઓનલાઇન વેંચાણ માટે લાંબુ વેઇટિંગ જોવા મળતા સોશિયલ મીડિયા પર ફેન્સ બળાપો ઠાલવી રહ્યાં છે.