Assembly Election:…તો દિવાળી પછી બીજું વેકેશન વિદ્યાર્થીઓને મળી શકે…
મુંબઈ: નવેમ્બર મહિનાના પ્રારંભમાં દિવાળી વેકેશનની મોજ માણનારા વિદ્યાર્થીઓ માટે આગામી સપ્તાહમાં વધુ રજાઓની મોજ માણવાની શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી દિવસોમાં સ્કૂલ-કોલેજમાં વધુ રજાઓ મળે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાહત થઈ શકે છે.
રાજ્યમાં વીસમી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly Election)નું મતદાન છે ત્યારે ૧૮મીથી વીસમી નવેમ્બર સુધી સળંગ ત્રણ દિવસ સ્કૂલોમાં રજા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે આ પ્રસ્તાવ પર પ્રશાસન દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના આંદોલન સામે ઝૂક્યું UPPSC, એક જ દિવસમાં યોજાશે પીસીએસ પ્રારંભિક પરીક્ષા
રાજ્યની વિધાનસભાની ચૂંટણી સરળતાથી પાર પડે તે માટે શિક્ષકોને ચૂંટણીની ફરજ માટે તહેનાત કરવામાં આવ્યા છે અને જે જગ્યાએ સ્કૂલના વર્ગો લેવાનું શક્ય ન હોય ત્યાં પ્રિન્સિપાલે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય પોતે લેવો, એવી સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.
એજ્યુકેશન કમિશનર કાર્યાલયે સ્કૂલમાં રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને માન્યતા આપતા સ્કૂલોમાં રજા આપવી કે નહીં તેનો અધિકાર પ્રિન્સિપાલોને આપ્યો છે. સ્કૂલોમાં શુક્રવારે ગુરુનાનક જયંતિની રજા છે, ત્યાર બાદ શનિ-રવિ અને જો પ્રિન્સિપાલ તરફથી ૧૮થી ૨૦ તારીખે પણ રજા જાહેર કરવામાં આવશે તો સળંગ છ દિવસનું મિનિ વેકેશન મળશે.