ઑસ્ટ્રેલિયામાં હેડ-કોચ ગંભીર અને સિનિયર ખેલાડીઓએ ટીમના યુવાનિયાઓને કહ્યું…
પર્થઃ ઑસ્ટ્રેલિયામાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા પર્થમાં પહોંચી ગયેલી ટીમ ઇન્ડિયામાં જે યુવાન ખેલાડીઓ છે તેમને હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ ટીમના સિનિયર ખેલાડીઓએ કહ્યું છે કે જે ખેલાડી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ રમે તેનામાં ક્રિકેટર તરીકે મોટું પરિવર્તન આવી જાય છે અને તે ઑસ્ટ્રેલિયાથી વધુ સારો ક્રિકેટર બનીને પાછો જાય છે.' ભારતીય ટીમમાં આઠ ખેલાડી એવા છે જેઓ ક્યારેય ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ-મૅચ નથી રમ્યા. એમાં યશસ્વી જયસ્વાલ, વિકેટકીપર ધ્રુવ જુરેલ, અભિમન્યુ ઈશ્વરન, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, આકાશ દીપ અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ છે. ભારત-ઑસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ બાવીસમી નવેમ્બરે શરૂ થશે. એ પ્રારંભિક ટેસ્ટ પર્થમાં રમાશે. બાકીની ચાર ટેસ્ટ અલગ સ્થળે રમાવાની છે. ટીમના યુવા ખેલાડીઓ સાથે વિરાટ કોહલી, રવિચન્દ્રન અશ્વિન તેમ જ જસપ્રીત બુમરાહે ઑસ્ટ્રેલિયામાંના પોતાના અનુભવો શૅર કર્યા હતા. કોહલી અને અશ્વિનની આ પાંચમી ઑસ્ટ્રેલિયન ટૂર (2011, 2014, 2018, 2020 અને હવે 2024) છે. બુમરાહ ત્રીજી વાર (2018, 2020 અને હવે 2024) ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-શ્રેણી રમવા આવ્યો છે.
આ પણ વાંચો :બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી! પીટીઆઇના અહેવાલ મુજબ ટીમના બૅટિંગ-કોચ અભિષેક નાયરે ગુરુવારે બીસીસીઆઇની ચૅનલ માટેના વીડિયો-ઇન્ટરવ્યૂમાં કહ્યું,
બુમરાહ, વિરાટ અને અશ્વિને યુવા ખેલાડીઓને કહ્યું કે તેઓ યુવાન વયે ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત રમવા આવ્યા હતા ત્યારે તેમને ટીમના એ સમયના ઘણા સિનિયર ખેલાડીઓ પાસેથી માર્ગદર્શન મળ્યું હતું. તેમણે યુવાનિયાઓને એવું પણ કહ્યું કે ઑસ્ટ્રેલિયામાંથી કોઈ પણ ખેલાડી વધુ સારો ક્રિકેટર બનીને પાછો જતો હોય છે.’
નાયરે મુલાકાતમાં એવું પણ જણાવ્યું કે `ટીમના યુવા પ્લેયરો સિરીઝમાં રમવા ઉત્સુક છે તેમ જ પ્રવાસના અંત સુધીમાં અહીં પોતાની અનોખી છાપ પાડીને પાછા જવા આતુર છે. ઑસ્ટ્રેલિયામાં રમવા આવવું અને અહીંના સંઘર્ષોથી પર આવીને સારું પર્ફોર્મ કરવું એ કોઈ પણ ખેલાડી માટે સૌથી મુશ્કેલ પડકાર હોય છે.’