આમચી મુંબઈ

નાંદેડની હૉસ્પિટલને ક્લીન ચિટ

મુંબઈ: નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મોતની ઘટનાની તપાસ માટે નિમાયેલી ત્રણ સભ્યોની સમિતિએ હૉસ્પિટલને ક્લીનચિટ આપી દીધી છે. નાંદેડ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિજીત રાઉતે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે. અભિજીત રાઉતે જણાવ્યું હતું કે મૃતકોમાં પોષણની સમસ્યાવાળા નવજાત શિશુઓ અને ૭૫થી ૮૦ વર્ષની વયના દર્દીઓનો સમાવેશ થાય છે, જેઓ સારવાર માટે પ્રતિસાદ આપતા ન હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે એમ પણ કહ્યું કે તપાસ સમિતિએ હૉસ્પિટલ વહીવટીતંત્રની દેખરેખથી સંતોષ વ્યક્ત કર્યો છે. હૉસ્પિટલમાં ૨૪ લોકોનાં મોતનાં સમાચાર બીજી ઓક્ટોબરના રોજ સામે આવ્યા હતા. આ પછી મુખ્ય પ્રધાને તપાસ સમિતિની જાહેરાત કરી હતી. જેઓ
મૃત્યુ પામ્યા હતા તેઓ ગંભીર રીતે બીમાર હતા
કમિટીએ રિપોર્ટમાં જણાવાયુંં છે કે મૃત્યુ પામેલા દર્દીઓ ગંભીર રીતે બીમાર હતા. જો કે ડૉકટરોની સમિતિના અહેવાલમાં નવજાત શિશુઓ માટે વોર્મર્સની અછતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નાંદેડની હૉસ્પિટલમાં ૭૫ નવજાત શિશુઓ માટે માત્ર બે નર્સ ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતને ‘અક્ષમ’ ગણાવ્યા અને પૂછ્યું કે શા માટે તે બંનેને બરતરફ ન કરવા જોઈએ. તેમણે સરકારી હૉસ્પિટલોમાં દવાઓની અછત અંગે સીબીઆઈ તપાસની પણ માગ કરી હતી. તપાસ સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે.

આગ પીડિતોને ફરી ઘર વસાવવા ₹ ૫૦,૦૦૦ની સહાય
મુંબઈ: ગોરેગાંવની જય ભવાની એસઆરએ બિલ્ડિંગમાં આગની ઘટનાનો ભોગ બનેલા પરિવારો શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. મુખ્ય પ્રધાને આગથી અસરગ્રસ્ત લોકોને તેમના ઘર વસાવવા માટે પરિવારદીઠ રૂ. ૫૦,૦૦૦નું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે. ઉપરાંત મુખ્ય પ્રધાને પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલને તાત્કાલિક બિલ્ડિંગના પાણીના પુરવઠાને ઠીક કરવા અને એસઆરએ ઇમારતોની બહાર કટોકટીના માર્ગો પૂરા પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

કેટલાક વિસ્તારોમાં લોખંડની સીડીઓ લગાવવા માટે પોલિસી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. સાંસદ ગજાનન કીર્તિકરની આગેવાનીમાં આગથી પ્રભાવિત લોકો મુખ્ય પ્રધાન શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે મળ્યા હતા. મુખ્ય પ્રધાને સંબંધિત અધિકારીઓને બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ અને ફાયર ઑડિટ તાત્કાલિક કરાવવા અને બિલ્ડિંગના પેઇન્ટિંગ અને રિપેરિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ નિર્દેશ આપ્યો હતો, જેથી બિલ્ડિંગમાં પાણીની સપ્લાય વહેલી તકે શરૂ કરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button