7 ઓવરની મેચમાં પાકિસ્તાનના 9 ખેલાડી આઉટ, ઑસ્ટ્રેલિયા સામે મળી ભૂંડી હાર
Aus vs Pak 1st T20: ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટી20 બ્રિસબેનમાં રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગનો ફેંસલો કર્યો હતો. ખરાબ હવામાનના કારણે મેચ 20 ઓવરમાંથી ઘટાડીને 7 ઓવરની કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં મેક્સવેલના 19 બોલમાં 43 રનની ઈનિંગથી 7 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 93 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 7 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી. મેક્સવેલને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મેક્સવેલે કરી આતશબાજી
ઑસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તેણે 19 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 7 બોલમાં 21 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.
ટાર્ગેટનો પીછો કરવામાં પાકિસ્તાને ગુમાવી 9 વિકેટ
ઑસ્ટ્રેલિયાના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાન 7 ઓવરમાં માત્ર 64 રન જ બનાવી શક્યું હતું અને 9 વિકેટ ગુમાવી હતી. રિઝવાન શૂન્ય પર આઉટ થયો હતો. તે ખાતું ખોલી શક્યો નહોતો. બાબર આઝમ 3 રન બનાવી આઉટ થયો હતો. ઉસ્માન ખાન 4 રન બનાવી આઉટ થયો હતો. ફરહાન 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આગા સલમાન માત્ર 4 રન બનાવી શક્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 29 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો :ઑસ્ટ્રેલિયન મીડિયા માટે કોહલી હવે `કિંગ’ નથીઃ કયા ભારતીય ખેલાડીને બૅટિંગનો શહેનશાહ માને છે, જાણો છો?
હાર બાદ શું કહ્યું પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને?
મેચ પછી રિઝવાને પોતાના ખેલાડીઓને બચાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું ઑસ્ટ્રેલિયાની જીતનો શ્રેય મેક્સવેલને જાય છે. તમે આવી રમત વિશે કંઈ કહી શકતા નથી. અમે મેચ દરમિયાન અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.
સમગ્ર પાકિસ્તાનની ટીમ ઑસ્ટ્રેલિયાના બોલરોની સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. ઑસ્ટ્રેલિયા માટે નાથન એલિસે 2 ઓવરમા 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેવિયર બાર્ટલેટે 2 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઝમ્પાએ એક ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.