કચ્છસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ સર્કલના વીજ કોન્ટ્રાકટરો હડતાળ પર ઉતર્યા, ૨૨ હજાર કામદારોને અસર

કચ્છઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ સર્કલના વીજ કોન્ટ્રાકટરો પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. પડતર માંગ માટે લાંબા સમયથી કરવામાં આવી રહેલી મૌખિક-લેખિત રજૂઆતોનો આજદિન સુધી નિવેડો ન આવતાં વીજ કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતર્યા છે. આ બાબતે કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલ માતાએ જણાવ્યું કે, એમ.જી.વી.સી.એલ. દ્વારા જે ભાવ અપાય છે, તે મુજબ આપવાની માંગ સાથે ૧૧મી નવેમ્બરની સાંજના છ વાગ્યાથી સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ સર્કલમાં હડતાળ પાડી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ફેઈલ લાઈનનું કામ, વ્હીકલ હીયરિંગ, ફેઈલ ટી.સી.નું રિપ્લેસમેન્ટ, ફેબ્રિકેશન લોડિંગ – અન લોડિંગ સહિતની કામગીરીને બંધ કરી દેવામાં આવતાં ૧૨ સર્કલમાં દોડતાં ૬૦૦થી વધુ વાહનોના પૈડાં થંભી જવાની સાથે તેમાં કામ કરતા ૨૨ હજાર જેટલા કામદારો હાલ બેરોજગાર બન્યા છે.

પડતર પ્રશ્નો અંગે મુખ્યપ્રધાન, ઊર્જાપ્રધાન અને વીજતંત્રના અધિકારીઓને પત્ર પાઠવ્યો હોવા છતાંય હકારાત્મક અભિગમ દર્શાવવાને બદલે વીજતંત્ર દ્વારા હડતાળિયા કોન્ટ્રાક્ટરોને નોટિસ ઠપકારવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું ગોપાલ માતાએ જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટરોની આ હડતાળના પગલે વીજતંત્રની દૈનિક કામગીરીને અસર પડી રહી છે. ભુજ અને અંજાર વિસ્તારમાં ખોટવાયેલા અંદાજે ૧૦૦ જેટલા ટ્રાન્સ્ફોર્મરનું સમારકામ ન થતાં અનેક વીજ જોડાણો બંધ પડયાં છે. ગ્રામ્ય વિસ્તારમાં હાલત વધુ કફોડી બની છે.

ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં પણ ફોલ્ટની કામગીરીને વિપરીત અસર પડી રહી છે. એક તરફ શિયાળુ પાકનાં વાવેતરની તૈયારી ચાલી રહી છે, તેવામાં વીજપુરવઠો ખોરવાતાં ખરતીપુત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિ અંગે અંજાર સર્કલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ઈજનેરનો સંપર્ક કરવામાં આવતાં તેમણે હડતાળને કારણે થોડી અસર પડી હોવાના અહેવાલને સમર્થન આપી ક્યાંય પણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાઈ હશે, તો તેને પહોંચી વળવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ટુકડી તૈયાર હોવાની ધરપત આપી હતી. તેમજ નારાજ કોન્ટ્રાકટરો સાથે વાટાઘાટો શરૂ કરી હોવાનું ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button