Assembly Election: ચૂંટણીના દિવસે મધરાત સુધી દોડાવાશે મેટ્રો અને બેસ્ટની બસ
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીને લઈ જાહેર પરિવહન ક્ષેત્રે મેટ્રો અને બેસ્ટની બસસેવા મોડી રાત સુધી દોડાવવામાં આવશે. મતદાનના દિવસે ચૂંટણી કર્મચારીઓને સમયસર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સરળ સંચાલન માટે મુંબઈમાં મેટ્રો અને બેસ્ટ બસ સેવાઓ સહિત જાહેર પરિવહન સેવાઓ મધરાત સુધી દોડાવવામાં આવશે.
રિટર્નિંગ ઓફિસરે ચૂંટણી કર્મચારીઓની સુવિધા માટે મતદાનના દિવસે જાહેર પરિવહનનો સમય વધારવાની વિનંતી કરતા મુંબઈ મહાનગર પાલિકાએ એમએમઆરસીએલ, રિલાયન્સ મેટ્રો અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને તેમની જાહેર પરિવહન સેવાઓનો સમય મતદાનના દિવસે એટલે કે ૨૦ નવેમ્બરના લંબાવવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડેલી એક યાદીમાં જણાવ્યું છે કે જાહેર પરિવહન સેવા ૨૦ નવેમ્બરના સવારે ૪:૦૦ વાગ્યાથી મોડી રાતના ૧:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો :યોગીના નારા અંગે ભાજપના વધુ એક નેતાએ વ્યક્ત કરી નારાજગીઃ જાણો શું કહ્યું?
આ નિર્ણય આવશ્યક ફરજો માટે મતદાન મથકો પર વહેલા રિપોર્ટ કરવાની જરૂર હોય એવા ચૂંટણી કર્મચારીઓને સમયસર પહોંચવામાં સુગમતા રહે તે માટે લેવામાં આવ્યો છે. વધારાના કામગીરીના કલાકોથી મતદારો અને સામાન્ય મુસાફરોને પણ ફાયદો થશે, આખા દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં અવિરત મુસાફરી સુનિશ્ચિત થશે, જેનાથી મતદાનમાં પણ વધારો થશે.
નાગરિકો અને ચૂંટણી કર્મચારીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે અને જાહેર પરિવહન સેવાઓનો લાભ લે. વધુમાં, દિવ્યાંગ અને 85+ નાગરિકો એસી બસોના લો-ફ્લોર ડેકનો લાભ લઈ શકે છે, એમ ચૂંટણી પંચે જણાવ્યું છે. ચૂંટણી પંચે નાગરિકોને માહિતગાર રહેવા અને મતદાનના દિવસની મુસાફરીના સમયપત્રક સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે તપાસ કરવા વિનંતી કરી છે.
દરમિયાન ચૂંટણી પંચે વ્યાપારી સંસ્થાઓ અને વેપારીઓ સહિત તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે ફરજિયાત જાહેર રજાનો નિર્દેશ આપ્યો છે. જેથી નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. જો પેઇડ રજા મંજૂર કરવામાં નહીં આવે, તો ભારતના ચૂંટણી પંચ દ્વારા સંબંધિત વિભાગો દ્વારા કડક પગલાં લેવામાં આવશે. જો કે, અસાધારણ સંજોગોમાં જ્યાં આખા દિવસની રજા આપવી શક્ય ન હોય ત્યાં કર્મચારીઓને ઓછામાં ઓછા ચાર કલાકની છૂટછાટ આપવી.