સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયન મીડિયા માટે કોહલી હવે `કિંગ’ નથીઃ કયા ભારતીય ખેલાડીને બૅટિંગનો શહેનશાહ માને છે, જાણો છો?

પર્થઃ આગામી શુક્રવાર, બાવીસમી નવેમ્બરે ઑસ્ટ્રેલિયામાં ભારતની પાંચ મૅચની સંઘર્ષભરી ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે એ પહેલાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ દ્વારા માઇન્ડ-ગેમ ઘણા અઠવાડિયા અગાઉ જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે કિંગ કોહલી ઑસ્ટ્રેલિયા પહોંચી ગયો છે એટલે ઑસ્ટ્રેલિયન મીડિયાએ તેની એકાગ્રતા તોડવા તેમ જ તેના કરોડો ચાહકોને નાખુશ કરવાના બદઇરાદાથી `રમત’ રમવાની શરૂ કરી દીધી છે. ઑસ્ટ્રેલિયાના અખબારો માટે કોહલી હવે ‘કિંગ’ નથી. તેઓ હવે ટીમ ઇન્ડિયાના ઊગતા સિતારા યશસ્વી જયસ્વાલને નવો કિંગ માને છે.

બાવીસ વર્ષના યશસ્વીએ કરીઅરની ધમાકેદાર શરૂઆત કરી અને શુભમન ગિલ તથા રિષભ પંત જેવા બીજા યુવા ખેલાડીઓ સાથે ભારતીય ક્રિકેટને તે નવા ઊંચા સ્તર સુધી લઈ જશે એવું અહીં ઘણા માને છે. યશસ્વી કરીઅરની શરૂઆત બાદ 14 મહિનામાં 14 ટેસ્ટ રમ્યો છે અને એમાં તેણે જે ત્રણ સદી ફટકારી છે એમાં બે ડબલ સેન્ચુરી છે. જુલાઈ 2023માં પોતાની પહેલી જ ટેસ્ટના પહેલા જ દાવમાં યશસ્વીએ સેન્ચુરી (વેસ્ટ ઇન્ડિઝ સામે 171 રન) ફટકારી હતી. તેણે આ વર્ષના ફેબ્રુઆરીમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં બૅક-ટુ-બૅક ડબલ સેન્ચુરી (વિશાખાપટનમમાં 209 રન અને રાજકોટમાં અણનમ 214) નોંધાવી હતી અને આખી સિરીઝમાં 700- પ્લસ રન બનાવ્યા હતા. યશસ્વીએ 14 ટેસ્ટમાં 56.28ની સરેરાશે કુલ 1,407 રન બનાવ્યા છે.

આમ તો કોઈ પણ બે બૅટર વચ્ચે સરખામણી થવી જ ન જોઈએ, કારણકે કયા બૅટરે કઈ પરિસ્થિતિમાં, કઈ પિચ પર, કઈ હરીફ ટીમ સામે, કયા બોલરની બોલિંગનો સામનો કર્યો એની તુલના અન્ય બૅટર સાથે અસંગત કહેવાય.

યશસ્વી શાંત સ્વભાવનો અને ધીરગંભીર તેમ જ ઠરેલ મગજવાળો છે. કોહલી કરીઅરની શરૂઆતથી જ આક્રમક સ્વભાવવાળો છે. 2012માં કરીઅરની શરૂઆતમાં જ તેણે સિડનીમાં એક મૅચ દરમ્યાન પોતાને ઉશ્કેરનાર પ્રેક્ષકો તરફ વચલી આંગળી બતાવીને તેમને શાંત પાડી દીધા હતા.

જોકે કોહલીએ 13 વર્ષની ટેસ્ટ-કારકિર્દીમાં અનેક વિક્રમો રચ્યા છે, અસંખ્ય બોલર્સની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી છે અને ભારતીય બૅટર્સમાં સચિન તેન્ડુલકર પછી તેનું નામ લેવાય છે.

આ પણ વાંચો : બે ટ્રિપલ સેન્ચુરી, ભાગીદારીનો વિક્રમ અને ચોક્કા-છગ્ગાની રમઝટઃ રણજી મૅચમાં રનનો ઢગલો

જોકે તાજેતરમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે કોહલી ઉપરાંત યશસ્વી પણ ભારતને એકેય મૅચ જિતાડવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ હવે ઑસ્ટ્રેલિયાની ધરતી પર બન્નેની આકરી કસોટી થશે.

ઑસ્ટ્રેલિયાની એક જાણીતી સ્પોર્ટસ ચૅનલ અને જાણીતું અખબાર માને છે કે કિંગ તરીકેના કાંટાળા તાજ માટે કોહલી પછી હવે યશસ્વી સૌથી મજબૂત દાવેદાર છે.

ઑસ્ટ્રેલિયન મીડિયાના મતે યશસ્વી જયસ્વાલે 18 મહિનાની કારકિર્દીમાં નવી પેઢીના ખેલાડીઓમાં ભારતના સૌથી રોમાંચક બૅટર તરીકેની પ્રતિભા સ્થાપિત કરી છે.

ઑસ્ટ્રેલિયાના દૈનિકો શુભમન ગિલના પર્ફોર્મન્સથી પણ પ્રભાવિત છે અને તેના ભાવિ વિશે પણ આશાવાદી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker