સ્પેશિયલ ફિચર્સ

‘પાસે’નું નહીં, ‘સાથે’નું મહત્ત્વ: કોઈ દેખે યા ન દેખે, અલ્લાહ દેખ રહા હૈ…

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

એક દિવસ એક માણસને રાજદરબારમાંથી તેડું આવ્યું. દરબારી તેડું એટલે કંઈ અનિષ્ટ થવાના એંધાણ. તે થરથરી ગયો. તેડામાંથી છટકવાના ઉપાયો શોધવા લાગ્યો. -વ્યાકુળ મને તે એક મિત્રને સહાયાર્થે મળવા ગયો. આ મિત્રની મિત્રાચારીમાં તેણે લગભગ જીવન ખર્ચી નાખ્યું હતું. – મિત્રને દરબારી તેડા વિષે વાત કરી. * મિત્ર કહે હું મારા કામમાં અતિ વ્યસ્ત છું. તારી સાથે આવવા સમય ફાળવી શકું તેમ નથી. પરંતુ હમણા મે નવાં વસ્ત્રો સિવડાવ્યા છે, તે તને અર્પણ કરું છું. રાજા સમક્ષ ઉપસ્થિત થા ત્યારે પહેરજે…! – નિરાશ થઈ તે બીજા મિત્ર ભણી વળ્યો. વાત દોહરાવી. * બીજો મિત્ર કહે મારી સહાનુભૂતિ તારી સાથે છે, પરંતુ મારા વ્યવસાયમાં ગળાડૂબ છું. મારા પર ઘણી જવાબદારીઓ છે. હું તારી સાથે નહીં આવું, પરંતુ મિત્રને નાતે દરબાર પર્યંત મૂકી પાછો વળી જઈશ. – નાસીપાસ થઈ તે ત્રીજા મિત્ર ભણી વળ્યો. – આ ભાઈ જોડે ખાસ સંબંધ નહીં હતો. તેને મિત્ર નહીં પર પરિચિત કહી શકાય. ક્યારેક વાર તહેવારે મળવાનું થતું. સહાય યાચતા સંકોચ થતો હતો, પરંતુ ડૂબતો જણ તણખલા પકડે તેમ આ ભાઈ ત્રીજા મિત્રને મળવા જઈ ચડ્યા. – આ મિત્રે તેને સાંત્વન અને હિંમત આપ્યા. પાણી પાયું. આ મિત્રે આ ભાઈ સાથે નિરંતર રહેવાની પ્રતિબદ્ધતા બતાવી અને કંઈ આપત્તિજનક હોય તો તેનું નિરાકરણ કરવામાં સહાયનું વચન આપ્યું.

વ્હાલા વાચક બિરાદરો! – આ દૃષ્ટાંતિક કથા છે: * દરબારી તેડું યમદૂત હતું. તેના આગમનથી સર્વ કોઈ શિથિલ થઈ જાય. જીવ-જંતુ, માણસથી મહાકાય જલ-જમીન, પશુઓ જીવાદોરી લંબાવવા વલખા મારે. – તેનો પહેલો મિત્ર ધન હતો અને વસ્ત્ર કફન હતું. – યેન-કેન પ્રકારે એકઠું કરેલું ધન માત્ર એક કપડાનો ટુકડો સાથે લઈ જવા આપે છે. તેને પ્રાપ્ત કરવા જીવન ઘસી નાખીએ છીએ. તેને પ્રાપ્ત કરવું અને પરિગ્રહ કરવો જીવનનો ધ્યેય બની જાય છે. બિન જરૂરિયાતો પોષવા તેને ઘણી જ જરૂર પડે છે. ભૌતિકવાદે ભોગ લીધો છે. બીજો મિત્ર સંતાન હતું. સંતાન કબ્ર સુધી પહોંચાડી દે છે અને પાછો વળી જાય છે. તે સાથે ન આવી શકે. અહીં એક વાર્તા છે: – એક વટેમાર્ગુને ચાલતા – ચાલતા સંધ્યા થઈ ગઈ. તે થાકથી લોથપોથ થઈ ગયો હતો. એક કબ્રસ્તાનમાં છાપરું જોતા ત્યાં રાત વિતાવવાનો નિર્ણય કર્યો. વાળુ-પાણી પતાવીને ગાઢ નિદ્રાધીન થઈ ગયો. – તેણે એક શ્ર્વાન જોયું. – કબ્રસ્તાનની બધી જ કબરો એકાએક ખુલ્લી ગઈ અને તેમાંથી મૃત્યકો કફન પહેરીને ભાગ્યા. – થોડા સમય પછી બધા પાછા આવ્યા. – કેટલાકના મુખારવિંદ હર્ષિત હતા. – તેમની ચાલમાં જીવ હતો. – કફન પરથી સુગંધ પ્રસરી રહી હતી અને તેના પર પુષ્પો લાગેલાં હતાં. – કેટલાંકના વદન પર નિરાશા અંકિત હતી.

તેઓ ઢસડાતા ચાલતા હતા. – કફન પ્રદૂષિત હતા. – વટેમાર્ગુ આનું કારણ પૂછતા પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે- – આજે શુક્રવાર (જુમ્મા)ની રાત્રે બધા મૃત્યકો પોતાનાં સ્વજનો, સંબંધીઓને ઘરે જાય છે. જે મૃત્યકોના સ્વજનો તેને ફાતેહા (આ અંગેની કુરાનમાં આપેલ આયત્ (શ્ર્લોક, કથન, વાક્ય) અર્થાત ફાતેહો અર્પે છે અને મૃત્યકના નામે દાનધર્મ કરે છે તે ખુશ થઈ પાછો ફરે છે અને જે મૃત્યકોનાં સ્વજનો તેમને યાદ કરતા નથી તે નિરાશ થઈને પાછા ફરે છે. * સંતતિ જીવ્યે જાણે અને મૃત્યુ પછી ખેવના કરે વરદાન સમાન. – આ ભાઈનો ત્રીજો મિત્ર સુકર્મો – નેકી હતો. – ભલાઈ નિરંતર સાથે જ રહે છે. – કોઈનો કયાશ કાઢવા તેની ‘પાસે શું છે’ તે જોવાય છે: કેટલું મોટું ઘર છે, કેટલાં વાહનો છે, વગેરે વગેરે. – પણ નિર્ણાયક દિને ‘પાસે’ શું હતું તે નહીં પણ ‘સાથે’ શું છે પૂછવામાં આવશે. – બેશક: સાથે સુકર્મો જ આવશે. * પ્રતિદિન નેકી-ભલાઈ, ભલમનસાઈ, પ્રમાણિકતા, સજજનતા, સત્યની પોટલીમાં કંઈક ઉમેરતા રહેવું. બોધ: કોઈ દેખે યા ન દેખે, અલ્લાહ દેખ રહા હૈ…! એક કબ્રસ્તાનના જડેલા પાટિયામાંથી… મંઝિલ તો તેરી યહી થી જિંદગી ગુજાર દી યહા આતે આતે કયા મિલા તુજે તેરી દુનિયાસે? અપનોને હી દફના દિયા જાતે જાતે…! -આબિદ લાખાણી * * * * રૂહ કબ્ઝ કરતી વખતે મલેકુલ મૌતમાં કરૂણા ભાવનું પૈદા થવું એક દિવસ હઝરત મુહંમ્મદ સાહેબની મુલાકાત માટે મલેકુમ મૌત હઝરત ઈઝરાઈલ આવ્યા. આપ હુઝૂરે અનવરે તેમને પૂછયું: * ‘અય બિરાદર! હજારો વર્ષ થયા તમે ઈન્સાનોની રૂહ કબ્ઝ કરો છો. શું આ ઈન્સાનોની રૂહ કબ્ઝ કરતી વખતે કોઈના પર આપને રહમ-દયા આવી? – મૌતના ફરિસ્તા હઝરત ઈઝરાઈલે જવાબ આપ્યો: * હા, અત્યાર સુધી મને ફકત બે વ્યક્તિઓની રૂહને કબ્ઝ કરતી વખતે રહમ આવી. ૧) એક દિવસ દરિયામાં તોફાન આવ્યું. દરિયાના બિહામણાં મોજાંઓએ એક કશ્તીને તોડી નાખી. કશ્તીમાં સવાર બધા જ લોકો ડૂબી ગયા. સિવાય એક સગર્ભા સ્ત્રી કે જે કશ્તીના એક તખ્ત પર સવાર હતી. દરિયાના મોજાઓએ તે સ્ત્રીને દરિયાના કિનારા પર લાવી દીધી.

તે સમયે સ્ત્રીને એક છોકરો પેદા થયો. મને હુકમ આપવામાં આવ્યો કે સ્ત્રીની રૂહ (આત્મા) કબ્ઝ કરી લઉં. તે સમયે મને તે બાળક પર ઘણી રહેમ આવી. ૨) બીજી વ્યક્તિ જેની રૂહ કબ્ઝ કરતી વખતે મને રહમ આવી તે શદ્ાદ બિન આદ છે, જેણે એક ખૂબસૂરત અને અજોડ જન્નત (સ્વર્ગ) બનાવવા માટે વરસો કાઢી નાખ્યા. જન્નતને બનાવવા માટે પોતાની બધી જ શક્તિ અને માલોદૌલત ખર્ચ કરી, કેટલા ટન સોનું, લાખોની તાદાદમાં જવાહેરાત તેના પાયા (સ્થંભ) દિવારો અને છતોની સજાવટમાં ખર્ચ કર્યા (હવાલો: મજમઉલ બયાન ભાગ-૧, પાના ૪૮૬-૪૮૭). * શદ્ાદની જન્નત જયારે બની ચૂકી ત્યારે શદ્ાદ જન્નતને જોવા માટે ગયો. જયારે તે ઘોડાથી ઊતરી રહ્યો હતો ત્યારે તેનો જમણો પગ જમીન પર અને ડાબો પગ હજુ રહાક – પેગડામાં જ હતો અને અલ્લાહનો હુકમ આવ્યો કે તેની રૂહ કબ્ઝ કરી લઉ. * આ બદનસીબ હજુ ઘોડાની ઝીન અને જમીનની વચ્ચે જ હતો અને મરી ગયો. આ સમયે મને તેના પર ઘણી દયા આવી કે આ માણસની પૂરી ઉંમર એવી ઉમ્મદ – આશામાં ગુઝરી – વિતી કે તે જન્નતને જુએ જે જન્નતને ઘણી તમન્નાઓ – ઈચ્છા – મહત્ત્વાકાંક્ષાઓ સાથે બનાવી હતી. પણ એની આંખો તે જન્નતને જુએ તે પહેલાં જ મોતની લપેટમાં આવી ગયો. – સમય વિતતો ગયો અને એક દિવસ ફરી હઝરત જીબ્રઈલ પયગંબર મુહંમ્મદ સાહેબની સેવામાં ઉપસ્થિત થાય છે અન કહે છે: અય મુહંમ્મદ (સલ. )! અલ્લાહે આપ પર સલામ મોકલ્યા છે અને કહે છે કે, મારી ઈજજત અને જલાલ (શાન – ભવ્યતા)ની કસમ કે તે બાળક શદ્ાદ બિન આદ હતો કે જેને મે દરિયાની ઊંચી ઊંચી લહેરોથી બચાવ્યો, તેની મા વગર તરબિયત (તાલીમ – શિક્ષણ, દેખભાળ) કરી અને મે તેને બાદશાહ બનાવ્યો, તેમ છતાં એણે મારી નેઅમતોનો ઈનકાર કર્યો, નાશુક્રી કરી, સ્વાર્થપણાં અને ઘમંડ – અભિમાનથી કામ લીધું અને અમારા મુકાબલામાં બગાવત (વિદ્રોહ)નો પચ્ચમ લઈને ઊભો થયો. વિદ્રોહી બની ગયો. છેવટે અમારા સખત અઝાબ – વિપત્તિએ તેને ઘેરી લીધો જેથી દુનિયાવાળાઓ જાણી લે કે અમે કાફિરો (નાસ્તિક, નિર્દયો)ને મોહલત (સમય) તો આપીએ છીએ – મુદ્દત તો આપીએ છીએ પણ તેમને છોડતા નથી…! ’ – અલ્લાહે તેની પવિત્ર કિતાબ કુરાનમાં જેવી રીતે ફરમાવ્યું, ‘અમે તેમને મોહલત (સમય) માત્ર એટલા માટે આપીએ છીએ કે તેઓ ગુનાહનાં કાર્યોમાં વધારો કરે, અને છેવટે તેમના માટે નાલેશીભર્યો અઝાબ છે…! ’ * * * * સાપ્તાહિક સંદેશ: * અમે ઝાલિમોને આજ પ્રમાણે સજા આપીએ છીએ. * યકીનન અલ્લાહતઆલા જે ઈચ્છે છે તે કરે છે. * યા અલ્લાહ! મને તકલીફ પહોંચી છે અને તું રહમ કરવાવાળાઓમાં સૌથી વધુ દયા કરવાવાળો છે. * …અને વિશ્ર્વાસ રાખજો તે દરેક ચીજ પર પૂરેપૂરી કુદરત રાખવાવાળો છે અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી. * બેશક જમીનના વારસદાર નેક બંધ હશે. (ભાવાનુવાદ: કુરાન).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button