વેપાર

ડેટ માર્કેટમાં યીલ્ડ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સેન્ટિમેન્ટ ખોરવાઇ ગયું

મુંબઈ: જેપી મોર્ગનના બેન્ચમાર્ક ઊભરતી બજારના ઈન્ડેકસમાં ભારતીય બોન્ડસના સમાવેશથી રોકાણકારોના સ્તરમાં વધારો થવા ઉપરાંત દેશમાં અબજો ડોલરનો ઈન્ફલોઝ જોવા મળવાની અપેક્ષાને ધ્યાનમાં રાખી ખુલ્લા બજારમાં બોન્ડસના વેચાણની રિઝર્વ બેન્કની જાહેરાત આવી પડી છે.

ઋણ બજારમાં મૂડ ખરડાઇ ગયો હતો અને યીલ્ડ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ. અબજો ડોલરના ઈન્ફલોઝથી દેશમાં ફુગાવો વધવાની શકયતા નકારાતી નથી, આ હકીકતને ધ્યાનમાં રાખી ફુગાવા સામેની લડતના ભાગરૂપ આરબીઆઈ બોન્ડસના વેચાણ મારફત બજારમાંથી લિક્વિડિટી પાછી ખેંચી લેશે. ભારત સરકારના બોન્ડસ અથવા સરકારી સિક્યુરિટીઝને જૂન ૨૦૨૪થી પોતાના બેન્ચમાર્ક ઊભરતી બજારના ઈન્ડેકસમાં સમાવી લેવાની જેપી મોર્ગેને જાહેરાત કરી છે. શુક્રવારે નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવાને કાબુમાં લેવા નાણાં વ્યવસ્થામાંથી લિક્વિડિટી પાછી ખેંચી લેવા ખુલ્લા બજારમાં બોન્ડસનું વેચાણ કરવા આરબીઆઈ વિચારી શકે છે, એવા સંકેત આપ્યા હતા. જો કે આ માટે તેમણે કોઈ સમયપત્રક જાહેર કર્યું નથી. લિક્વિડિટીની સ્થિતિને ધ્યાનમાં રાખી તે જાહેર કરાશે.

તેમની આ જાહેરાતને પગલે ઋણ બજારમાં મૂડ બગડી ગયો હતો અને યીલ્ડ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.ઈન્ડેકસમાં બોન્ડસના સમાવેશથી ભારતીય બજારમાં જંગી ઈન્ફલોઝની શકયતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક દ્વારા બોન્ડસના વેચાણનું પગલું લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી આવી પડયું હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. બોન્ડસના સમાવેશને કારણે દેશમાં ૫૦ અબજ ડોલરનો ઈન્ફલોઝ જોવા મળી શકે છે, એમ આઈસીઆઈસીઆઈ બેન્કે અગાઉ જણાવ્યું હતું. જંગી ઈન્ફલોઝની સ્થિતિમાં દેશમાં ફુગાવાનું સ્તર ૨થી ૬ ટકા વધઘટ સાથે ચાર ટકાના સ્તરે લાવવાની રિઝર્વ બેન્કની કવાયત પડકારરૂપ બની શકે છે. ઈન્ડેકસમાં બોન્ડસના સમાવેશથી ભારતીય રૂપિયો મજબૂત બનવાની પણ શકયતા રહેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button