Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત
દેર અલ-બલાહઃ ઇઝરાયલી સેનાએ ગાઝા પર વિનાશક હવાઇ હુમલો કર્યો છે. આ હવાઇ હુમલામાં છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૪૬ લોકોના મોત થયા છે. ગાઝાના તબીબી અધિકારીઓએ જણાવ્યું કે પ્રદેશના એ વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો જેને ઇઝરાયલે માનવતાવાદી ક્ષેત્ર જાહેર કર્યું છે.
બેરુતના દક્ષિણ ઉપનગરને બનાવ્યા ટાર્ગેટ
ગાઝામાં મોતને ભેટેલા ૪૬ લોકોમાંથી ૧૧ લોકો આ વિસ્તારના કામચલાઉ કેફેટેરિયામાં હાજર હતા. આ બાજુ લેબનોનમાં મંગળવારે લડાકૂ વિમાનોએ બેરુતના દક્ષિણી ઉપનગરો પર હુમલો કર્યો અને દેશના અન્ય ભાગોમાં ૩૩ લોકોના મોત થયા હતા.
ઇઝરાયલ દ્વારા તાજેતરનો બોંબમારો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ કહ્યું છે કે તે ગાઝામાં વધુ માનવતાવાદી સહાય મોકલવાની સમયમર્યાદા પસાર થયા પછી પણ ઇઝરાયલને આપવામાં આવતી લશ્કરી સહાયમાં ઘટાડો નહીં કરે.
આપણ વાંચો: Gaza Tragedy: ગાઝામાં એક તરફ ભૂખમરો, ઉપરથી ઇઝરાયલી સેનાનો ગોળીબાર!
ઘરોને ખાલી કરવાની આપી હતી ચેતવણી
લેબનોનની રાજધાની બેરુતના દક્ષિણ ઉપનગરોમાં મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તાર દહિયાહ તરીકે ઓળખાય છે. અહીં હિઝબુલ્લાહની હાજરી હોવાનું માનવામાં આવે છે. અગાઉ ઇઝરાયલની સેનાએ ત્યાં ૧૧ ઘરોને ખાલી કરવાની ચેતવણી આપી હતી. મૃતકોની સંખ્યા અંગે તાત્કાલિક કોઇ માહિતી આપવામાં આવી નથી.
કેફેટરિયાના હુમલામાં અગિયારનાં મોત
ગાઝા સ્થિત નસીર હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કેફેટેરિયા પર થયેલા હુમલામાં બે બાળકો સહિત ૧૧ લોકોના મોત થયા છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મધ્ય લેબનોનમાં એક રહેણાંક મકાન પર ઇઝરાયલના હવાઇ હુમલામાં ૮ મહિલાઓ અને ૪ બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૨ ઘાયલ થયા હતા. ઇઝરાયલ સપ્ટેમ્બરના અંતથી લેબનોન પર તીવ્ર બોંબમારો કરી રહ્યું છે.