નવી દિલ્હીઃ ભારતના સ્નૂકર-બિલિયર્ડ્સ લેજન્ડ પંકજ અડવાણીએ તાજેતરમાં વિક્રમજનક 28 મું વર્લ્ડ ટાઇટલ જીતી લીધું એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની આ સિદ્ધિને અસાધારણ ગણાવીને તેની ખૂબ પ્રશંસા કરી છે.
આ પણ વાંચો : જુનિયર તેન્ડુલકરની ઇન્તેજારીનો અંત…રણજીમાં મેળવી વિરલ સિદ્ધિ…
પીએમ મોદીએ એક્સ (ટવિટર) પર પંકજ અડવાણી માટેની પોસ્ટમાં લખ્યું છે, `અસાધારણ સિદ્ધિ. તમને અભિનંદન. તમારું સમર્પણ, જુસ્સો અને પ્રતિબદ્ધતા ઉત્તમ છે. ઉત્કૃષ્ટતા કેવી હોય એ તમે વારંવાર દેખાડ્યું છે. તમારી સફળતા આગામી પેઢીના રમતવીરોને, ઍથ્લીટોને સતત પ્રેરણા આપતી રહેશે.
39 વર્ષના પંકજ અડવાણીનું આ સતત સાતમું વર્લ્ડ ટાઇટલ છે. તેણે દોહામાં આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડના રૉબર્ટ હૉલને 4-2થી હરાવ્યો હતો. અડવાણીએ 151-94, 151-0, 150-84, 74-151, 6-154, 152-46થી જીત હાંસલ કરી હતી.
અડવાણીની લાગલગાટ સાત ટ્રોફીની સફર 2016માં શરૂ થઈ હતી. 2016થી 2024 સુધીની આ સફરમાં કોવિડને કારણે વર્લ્ડ ટૂર્નામેન્ટના બે વર્ષ બગડ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હી કેપિટલ્સે આ પૂર્વ ગુજરાતી બોલરને બનાવ્યો બોલિંગ કોચ, ધોની સાથે મળીને જીતાડી ચુક્યો છે વર્લ્ડકપ…
અડવાણીના 28 વર્લ્ડ ટાઇટલમાં સ્નૂકર અને બિલિયર્ડ્સના વિશ્વ ખિતાબોનો સમાવેશ છે. આ ઉપરાંત તે બીજા નાના ઘણા ટાઇટલ જીતી ચૂક્યો છે.