નેશનલ

બુલડોઝર કાર્યવાહીઃ ‘સુપ્રીમ’ના ચુકાદા અંગે યોગીથી લઈને વિપક્ષે આપી પ્રતિક્રિયા…

કોઈએ કહ્યું ભાજપને તમાચો...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ‘બુલડોઝર જસ્ટિસ’ મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપ્યા પછી વિપક્ષી પાર્ટીએ ભાજપ પર હલ્લાબોલ કર્યો હતો. આરોપીઓ અને ગુનેગારો સામે ‘બુલડોઝર’ની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે અને જો તેનું ઉલ્લંઘન થશે તો અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કાર (નિયમોની અવગણના ગણીને તેમની) સામે કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે આજે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું, જ્યારે વિપક્ષી પાર્ટીમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓથી લઈને સમાજવાદી પાર્ટીના નેતાઓએ સરકારને વખોડી હતી.

આ પણ વાંચો: ‘અધિકારીઓ ન્યાયધીશ ના બને…’ બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે સખ્તાઇ બતાવી

યુપી સરકારે ચુકાદાનું સ્વાગત કર્યું

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે પણ પ્રતિક્રિયા આપી હતી. યોગી આદિત્યનાથની સરકારે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે કાયદાના શાસનની પહેલી શરત સુશાસન છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું અમે સ્વાગત કરીએ છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા નિર્ણયથી ગુનેગારોના મનમાં કાયદાનો ડર રહેશે. આ નિર્ણયથી માફિયા તત્વો કે સંગઠિત પ્રોફેશનલ ગુનેગારોને કાબૂમાં લેવાનું સરળ બનશે.

કોર્ટે ભાજપને બતાવ્યો અરીસો

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે આજે ચુકાદો આપીને ભાજપ સરકારને અરીસો બતાવ્યો છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકાર માટે. દેશના વિવિધ રાજ્યોમાં ભાજપની સરકારો દ્વારા કરવામાં આવતી મનસ્વી કાર્યવાહી. એ પછી તે ઉત્તર પ્રદેશ હોય કે મધ્ય પ્રદેશ, તે ગેરકાયદે છે અને તે ન જ થવી જોઈએ. દોષીઓને સજા જરૂર થવી જોઈએ પરંતુ પોતાની મનમાની કરીને કોઈના ઘર તોડી પાડવા અને સમાજના ભાગલા કરવા અયોગ્ય છે. બુલડોઝર ન્યાય ન્યાય નામની કોઈ જ વસ્તુ નથી, દેશમાં બંધારણ છે, કાયદાનું શાસન છે અને દેશ એ મુજબ જ ચાલશે.

શું કહ્યું અખિલેશ યાદવે?

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભાજપ સરકારનું પ્રતિક બની ગયેલા બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સરકાર વિરુદ્ધ આ નિર્ણય માટે હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. જે લોકો કોઈના ઘર તોડી પાડે છે તેવા લોકો પાસેથી તેમ શું અપેક્ષા રાખી શકો? આથી મોટી ટિપ્પણી શું હોઈ શકે? પરંતુ અમને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે કે એક દિવસ અમારા ધારાસભ્યો મુક્ત થશે અને આપણી વચ્ચે આવશે અને પહેલા જેવું કામ કરશે.

ભાજપના મોઢા પર તમાચો

આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે આ ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના મોઢા પર તમાચો છે કે તમે દોષિત સાબિત થયા વિના અથવા કોર્ટના નિર્ણય વિના કોઈનું ઘર તોડી ન શકો. હું આ માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરું છું.

શું કહ્યું ‘આપ’ના નેતાએ?

દિલ્હીના મંત્રી અને AAP (આમ આદમી પાર્ટી)ના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે આ દેશ બંધારણથી ચાલે છે. કાયદા મુજબ કોઈની પણ સામે કાર્યવાહી થવી જોઈએ. બુલડોઝર કાર્યવાહીના નામે ચાલી રહેલી આ ‘દાદાગીરી’ ગેરકાયદે છે. જ્યાં પણ બુલડોઝરની કાર્યવાહી થઈ રહી હતી ત્યાંની સરકાર અને રાજ્યોની હાઈ કોર્ટે અગાઉ આ અંગે સંજ્ઞાન લેવું જોઈતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker