ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલરે પોતાની ઈજાની સજા બિચારી ખુરસીને કરી…તોડી-ફોડી નાખી!
બ્રિજટાઉનઃ ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર રીસ ટૉપ્લી શનિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ઘૂંટણમાં થયેલી ઈજાથી ક્રોધમાં આવીને ગુસ્સો પૅવિલિયનની એક ખુરસી પર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત થયા બાદ મેદાન પરથી પાછા ગયા બાદ તેણે પૅવિલિયનની ખુરસી ઉંચકી હતી અને દાદર નજીકની રેલિંગને ફટકારીને ખુરસી તોડી નાખી હતી.
ટૉપ્લીને આ ગેરવર્તન બદલ 15 ટકા મૅચ ફીનો દંડ કરવામાં આવ્યો હતો.
ટૉપ્લી 30 વર્ષનો છે અને નવ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તે વારંવાર ઈજાનો ભોગ બનવાને લીધે માંડ 65 મૅચ રમી શક્યો છે. ટૉપ્લીને કારકિર્દી દરમ્યાન અનેક પ્રકારની ઈજા થઈ છે. થોડા વર્ષો પહેલાં પીઠના સ્ટ્રેસ-ફ્રૅક્ચરને લીધે તેની કરીઅર જોખમમાં મુકાઈ ગઈ હતી. એ પછી તેને પગની ઘૂંટીમાં પણ ઈજા થઈ હતી.
આ પણ વાંચો: ‘જો ગૌતમ ગંભીર મારી સામે આવ્યો તો…’ રિકી પોન્ટિંગે ગંભીરને ‘ચીડિયા’ સ્વભાવનો કહ્યો, જાણો શું છે કારણ…
તેણે શનિવારે ઘૂંટણમાં દુખાવો હોવા છતાં બોલિંગ ચાલુ રાખી હતી. વરસાદના વિઘ્ન પછી પણ તે બોલિંગ કરવા તૈયાર થઈ ગયો હતો અને ત્રીજી ઓવરનો ચોથો બૉલ ફેંક્યો ત્યાં તેનાથી ઘૂંટણનો દુખાવો સહન ન થયો અને એ ઓવર અધૂરી રાખીને તે મેદાનની બહાર જતો રહ્યો હતો અને ડ્રેસિંગ-રૂમ તરફ જતી વખતે તેણે ખુરસી તોડી-ફોડી નાખી હતી.
ઇંગ્લૅન્ડ સિરીઝની આ પ્રથમ ટી-20 આઠ વિકેટે જીતી ગયું હતું. સોમવારે ટૉપ્લી નહોતો રમી શક્યો અને તેની ગેરહાજરીમાં પણ ઇંગ્લૅન્ડે કૅરિબિયન ટીમને બીજી મૅચમાં હરાવીને પાંચ મૅચની શ્રેણીમાં 2-0થી સરસાઈ લીધી હતી.
આ પણ વાંચો: જુનિયર તેન્ડુલકરની ઇન્તેજારીનો અંત…રણજીમાં મેળવી વિરલ સિદ્ધિ…
ગયા વર્ષે ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ હતો ત્યારે પણ રીસ ટૉપ્લીએ મુંબઈની મૅચ વખતે ગેરવર્તન કર્યું હતું. ત્યારે તેણે હાથની આંગળીની ઈજા બાદ પૅવિલિયનમાં પાછા આવતી વખતે પોતાના માર્ગમાં પડેલી ખુરસીને દૂર ફગાવી દીધી હતી. ત્યારે તે દંડથી બચી ગયો હતો. શનિવારની હરકત બદલ મૅચ-રેફરી રિચી રિચર્ડસને તેને પોતાની ચૅમ્બરમાં બોલાવ્યો હતો અને ટૉપ્લીએ તરત જ પોતાની ભૂલ કબૂલી લીધી એટલે આ વિષયમાં કોઈ સુનાવણી નહોતી રાખવામાં આવી.
ટૉપ્લીના રેકૉર્ડમાં શનિવારની ઘટનાને પગલે એક ડિમેરિટ પૉઇન્ટ નોંધવામાં આવ્યો છે. જો 24 મહિના દરમ્યાન કોઈ પ્લેયરના નામે ચાર કે વધુ ડિમેરિટ પૉઇન્ટ થાય તો તેને એક કે બે મૅચ રમવાની મનાઈ કરવામાં આવે છે. 24 મહિનાના સમયકાળમાં ટૉપ્લીનો આ પહેલો જ ગુનો હતો.