રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની એક નહીં પણ આટલી મેચ નહીં રમે, આ ખેલાડી હશે કેપ્ટન
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. પાંચ મેચની સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી શરુ થશે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) હજુ ઓસ્ટ્રેલિયા ગયો નથી. આગાઉ અહેવાલો હતા તે પ્રથમ ટેસ્ટ નહીં રમે, હવે એવા પણ અહેવાલ છે કે તે બીજી ટેસ્ટ પણ નહીં રમી શકે. તેના ના રમવાના કારણ અંગે પણ સસ્પેન્સ હતું, હવે આ કારણનો પણ ખુલાસો થઇ ગયો છે. અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત શર્મા 22 નવેમ્બરથી પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં. જો કે તેની પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું, એવું જાણવા મળ્યું હતું કે અંગત કારણોસર રોહિત શર્મા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો નથી.
રોહિત બીજી ટેસ્ટ પણ નહીં રમે: હવે એવા આહેવાલો પણ મળી રહ્યા છે કે રોહિત શર્મા માત્ર પર્થ ટેસ્ટ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ પણ નહીં રમી શકે. રિપોર્ટ અનુસાર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય, ત્યાર બાદ તે ટીમ સાથે જોડાશે.
આ કારણે રોહિત ભારતમાં જ રહેશે: એક આહેવાલમાં જણાવવામાં આવ્યું કે રોહિત ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. આવતા અઠવાડિયે રોહિતના ઘરે બીજા બાળકના આગમનની સંભાવના છે. આ પ્રસંગે રોહિત પરિવારને સમય આપવા માંગે છે અને તેણે BCCI પાસેથી રજા લીધી છે.
રોહિતની જગ્યાએ આ ખેલાડી હશે કેપ્ટન: ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું હતું કે રોહિતની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર અને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ટીમની આગેવાની કરશે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને પ્રસિદ્ધ કૃષ્ણ.