આનંદો! હવે અમદાવાદમાં પણ કોલ્ડપ્લે કોન્સર્ટ…
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ ભારતમાં વધુ એક શોની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025 ના રોજ પરફોર્મ કરશે. મુંબઇના ત્રણ શો પૂરા થયાના થોડા દિવસ બાદ 25 જાન્યુઆરીએ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. લેટેસ્ટ શો માટેની ટિકિટનું વેચાણ 16 નવેમ્બરે 12 વાગ્યાથી BookMyShow પર થશે. બેન્ડે સોશિયલ મીડિયા પર તેમના અમદાવાદના શોની જાહેરાત કરતા લખ્યું હતું કે તેઓ 25 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે.
આ પણ વાંચો : સાયબર ક્રાઈમના એક સાથે 200 ગુના ડિટેક્ટ કરનારું સુરત બન્યું દેશનું પ્રથમ શહેર…
જ્યારે કોલ્ડપ્લે બેન્ડના મુંબઈ શોની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ હતી ત્યારે તેમના ચાહકોને ભારે નિરાશા થઇ હતી. જોકે, ત્યાર બાદ એવી અફવા ફેલાઇ હતી કે 25 જાન્યુઆરી, 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અન્ય કોન્સર્ટ યોજવામાં આવી શકે છે. જોકે, આ બાબતે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નહોતી, પણ હવે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ તેના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે અમદાવાદ, ગુજરાતમાં તેના ચોથા કોન્સર્ટની તારીખ જાહેર કરી છે.
આ પણ વાંચો : Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર ‘રણોત્સવ’નો રંગારંગ પ્રારંભ; શું છે વિશેષતાઓ..
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે 18, 19 અને 21 જાન્યુઆરીના રોજ નવી મુંબઈ, મહારાષ્ટ્રના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પરફોર્મ કરવાનું છે. તેમના ત્રણે શોની ટિકિટ ચપોચપ વેચાઇ ગઇ હતી અને ટિકિટોના કાળા બજારમાં લાખોના ભાવ બોલાતા હતા. એ સમયે BookMyShow પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસની સાયબર વિંગે ઓનલાઈન ટિકિટિંગ વેબસાઈટ BookMyShowને નોટિસ જારી કરીને જાન્યુઆરીમાં બ્રિટિશ બેન્ડ ‘કોલ્ડપ્લે’ના કોન્સર્ટ અને અન્ય શો માટે નામ-આધારિત ટિકિટોના વેચાણ સહિત કડક પગલાં અમલમાં મૂકવા જણાવ્યું છે.