અમિત શાહ-અદાણી સાથેની મુલાકાત અંગે શરદ પવારે ખુલાસો કરીને કોના પર તાક્યું નિશાન?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Maharashtra Assembly Election)ની ચૂંટણી માટે દરેક પક્ષો પ્રચારમાં અને લોકોને આકર્ષવામાં વ્યસ્ત છે. દરેક પક્ષો બીજા પક્ષો પર આરોપો અને પ્રત્યારોપો કરી રહ્યા છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અદાણી-અંબાણીનું નામ લઈને ભાજપ પર નિશાન સાધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : શરદ પવાર અને અમિત શાહ વચ્ચે સરકાર બનાવવા માટે મુલાકાત? અજીત પવારના દાવા એ મચાવ્યો ખળભળાટ
હાલમાં જ અજિત પવારે શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચેની મુલાકાત અંગે ગુપ્ત માહિતી આપી હતી. અજિત પવારે દાવો કર્યો હતો કે વર્ષ 2019માં જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધનની વાત થઈ હતી, ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ તે બેઠકમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત શરદ પવાર પણ આ બેઠકમાં સામેલ થયા હતા. હવે આ મામલે શરદ પવારે જવાબ આપીને એકસાથે તમામ લોકોને જવાબ આપ્યો છે.
એનસીપીના સ્થાપક અને વરિષ્ઠ નેતા શરદ પવારે તો સૌથી પહેલા સામો સવાલ કરતા પૂછ્યું હતું કે શું એનસીપી અને ભાજપની સરકાર રચાઇ ગઇ? જો ખરેખર સરકાર ગઠન થયું હોત તો લોકોને જોવા મળત, પણ જે સરકાર બની જ નથી ત્યારે તેના વિશે સવાલ કરવાનો શું અર્થ છે?
શરદ પવારે અમિત શાહ અને ગૌતમ અદાણી સાથેની મુલાકાત અંગે પણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની અદાણી નહીં અનેક ઉદ્યોગપતિઓ સાથે મિત્રતા છે અને તેઓ ગૌતમ અદાણી જ નહીં, રતન ટાટા કે કિર્લોસ્કરના ઘરે પણ જાય છે. આજે પણ તેઓ અનેક ઉદ્યોગપતિઓની મુલાકાત લે છે.
અદાણી જૂથે મહારાષ્ટ્રમાં જંગી રોકાણ કર્યું છે અને હજી પણ તેઓ રાજ્યમાં કેટલાક વધુ પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહ્યા છે. તેઓ જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે અદાણીએ ગોંદિયામાં તેમનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેનું તેમણે પોતે ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાંના વિસ્તારમાં કોલસાની ખાણ વિકસાવવાની યોજના હતી.
અદાણીએ તેમાં રસ દાખવ્યો હતો. કેન્દ્ર સરકારે આ કામ તેમને સોંપ્યું હતું. એ સમયે તેઓ ઘણી વાર ગોંદિયા પણ ગયા હતા અને અદાણી સાથે મુલાકાત અને ચર્ચાવિચારણા કરી હતી. તેમની (ઉદ્યોગપતિઓ) સાથે સુમેળ જાળવવો રાજ્ય માટે જરૂરી હોય છે, એમ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.
શરદ પવારે કહ્યું હતું કે અજિત પવારની વાતોમાં કોઇ સત્ય નથી. ચૂંટણી બાદ પણ મેં કેન્દ્રીય પ્રધાનો અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી છે. હું અજિત પવાર સાથે ઘણી વખત મળી ચૂક્યો છું અને હું ગૃહ પ્રધાન અમિત શાહને પણ ત્રણ ચાર વાર મળ્યો છું.
આ પણ વાંચો : એકનાથ શિંદેની સામે ‘ગદ્દાર-ગદ્દાર’ના સૂત્રોચ્ચાર કર્યાં એટલે કાફલો રોકી પહોંચ્યા…
હું જાહેર જીવનમાં કામ કરું છું. સંસદ સભ્ય, મતવિસ્તાર, રાજ્યના કેટલાક મુદ્દાઓમાંથી માર્ગ કાઢવાનો પ્રયાસ કરતી વખતે નિર્ણય લેવાની સત્તા ધરાવતા લોકો સાથે સંવાદિતા જાળવવી જરૂરી છે. શરદ પવારે કહ્યું છે કે વાતચીત અને મીટિંગ કરવામાં કોઈ ષડયંત્ર છે એવું કહેવાનો કોઇ અર્થ નથી.