ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં તક મળે ત્યારે ફોટોગ્રાફી કરીને સ્મરણો જરૂર ભેગા કરજો

… -દેવલ શાસ્ત્રી

કોવિડ સમયે જેમને ચૌદ દિવસ એકાંતવાસમાં રહેવું પડ્યું હશે એમની પાસે ટાઇમપાસ માટે સૌથી મોટું સાધન મોબાઈલ હતો. મોબાઇલમાં સામાજિક પ્રસંગો અને પ્રવાસોની તસ્વીરોમાં સ્મરણો યાદ કરીને કંઈકેટલાય કલાકો પસાર કર્યા હશે. જીવનનાં મધુર સ્મરણોને યાદ કરવા તસ્વીરો લેતા રહેવી. દિવાળી વેકેશન પૂરું થશે ને ફરવા જવાની અફલાતૂન સિઝન આવશે. લગ્નસરા પૂરબહારમાં ખીલી ઊઠે ત્યારે મળેલાં દ્રશ્યો અને સંબંધીઓને મોબાઇલમાં ભરી લેજો.

દુનિયાભરથી આવતા સંબંધીઓ બે-પાંચ વર્ષે મળતા હોય ત્યારે આપણી પાસે એમનાં સ્મરણો પેટે ફક્ત તસવીર જ સાથ આપશે. મહદઅંશે મોટાભાગના પ્રવાસના સ્થળે જીવનમાં એકાદવાર જતાં હોઈએ, ત્યાં પોતાના કે પરિવારના ફોટાઓ લેવા સાથે બીજા ઢગલાબંધ ફોટા લેજો, પણ ફોટા લેવાની લ્હાયમાં એ સ્થાન માણવાનું રહી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો. એ સ્વચ્છ હવાને શ્ર્વાસમાં ભરી લેજો કે દર્શનીય સ્થળો માટે અલગથી સમય ફાળવવજો…. હા, એ અલગ વાત છે કે સારી ક્વોલિટીના મોબાઈલ હાથમાં આવ્યા પછી આપણે સહુ ફોટોગ્રાફી શીખી ગયા છીએ. મોબાઈલ કંપનીઓ પણ કેમેરા અને લેન્સનો ખાસ પ્રચાર કરે છે, જે આપણા જેવા તસવીર પ્રેમીઓ માટે જ કરે છે.

એક સમયે રોલ મોંઘા પડતા તેથી આડેધડ ફોટા પાડવામાં આવતા નહીં. બાળકો કે દૂરના સંબંધીઓને ખુશ કરવા ખોટી ખોટી ફ્લેશ ઝબકાવતાં એ ભૂલ્યા નથીને?! આપણનેય આ રીતે ઘણા છેતરી ગયા હશે. ફોટા પાડ્યા પછી તેને ધોવા આપતા અને એ પછી ઘણીવાર અજ્ઞાત કારણોસર તસવીર મળતી નહીં. જોકે, આ સમસ્યા હવે નથી. હવે તો મન થાય એટલા ફોટા પાડી શકાય છે.

આ બધા વચ્ચે આજે એવા પણ મિત્રો છે, જેમને રોલવાળા કેમેરામાં જ તસવીર લેવાની મજા આવે અથવા તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ જ ગમે. છેલ્લાં દશ વર્ષમાં અસંખ્ય ફંક્શન, ટુરિસ્ટ પ્લેસ કે ફેમિલી ગેટ ટુ ગેધરને મોબાઈલમાં ભેગા કર્યા છે. જે પળોમાં મિત્રો સાથે મોજ માણી છે, પેટ ભરીને હસ્યા છો, ઇવન અવનવી ડિશની લુફ્ત માણી છે એ બધું તસવીરરૂપે એકઠું ન કર્યું હોય તો ભવિષ્યમાં કરતાં રહેજો.

તમે બે ત્રણ હજાર ફોટા પાડ્યા હોય તો એક જવાબદારી બને છે કે તેને પ્રસંગ તથા સ્થળ મુજબ કમસેકમ વ્યવસ્થિત ગોઠવીને સેવ કરો. જીવનના આનંદ, મોજ મસ્તી, લાઇફ સ્ટાઇલ અને ફાઇનલી તમારા જાનદાર અસ્તિત્વ માટે તમે કરેલી ફોટોગ્રાફી એકમાત્ર દસ્તાવેજી પુરાવો છે. કમસેકમ યાદગાર ફોટોગ્રાફ લેવા માટે લાઇફસ્ટાઇલ બદલી શકાય, અસ્તવ્યસ્ત જીવનને થોડું સરખું કરી શકાય. ફોટોગ્રાફી એ ખાલી ભૂતકાળનાં સંસ્મરણો નથી, પણ તમારો વર્તમાન જોડાયેલો છે અને ભવિષ્યની કલ્પનાઓ દરેક તસવીરમાં ઉછાળા મારતી હોય છે. યાદ રાખવું કે પ્રત્યેક ફોટો જિંદગીના મોજને યાદ કરવાનો સુવર્ણ અવસર છે.

હા, તમે પાડેલા મસ્ત ફોટાઓ પબ્લિક પ્લેટફોર્મ પર મૂકો, કશું બોલ્યા વગર તમારી અંદર રહેલા કલાકારને દુનિયા સમક્ષ લાવવામાં કશું ખોટું નથી. ભવિષ્યમાં ‘અમે રહી ગયાને તમે લઇ ગયા’ જેવો અભાવ ના થાય એ માટે તમારી ઉત્કૃષ્ટ આનંદની ક્ષણો એટલે તમે લીધેલા સર્વોત્તમ ફોટાઓ દુનિયા સમક્ષ મુકતા રહેજો. જેને જોવા હોય એ જોશે, પણ આપણે મૂકવા… લાઇક અને રિવ્યૂ એ સામી વ્યક્તિનો પ્રોબ્લેમ છે, તમારો નહીં… મસ્ત રહો અને ફોટા પાડો, દરેક તસ્વીર શ્રેષ્ઠ જ હોય છે એ ભાવ સાથે લગે રહેવું.

ફોટોગ્રાફી તો સંસ્મરણો યાદ રાખવાનો પટારો છે, જ્યારે સમય મળે ત્યારે સુખદ સંસ્મરણો વાગોળતા રહો. વર્ષમાં કમસેકમ એકવાર તમે પાડેલા ફોટાઓ જોવા સમય ફાળવો, એવું નહીં કે એકવાર ક્લિક કર્યા પછી ફોટા કોણને તમે કોણ? યાદ રાખજો, પોટ્રેટમાંથી લાઇવ ફોટો હોવો જોઈએ એવું વિચાર કરવામાં તેમજ સમજવામાં અને તેના સંશોધનમાં ૧૧૧ વર્ષ લાગ્યા હોવાનું માનવામાં આવે છે.

જૂની પેઢીના લોકોને ખબર હશે કે ગ્રુપ ફોટો લેતી વેળા કાળા કપડાં વીંટાળેલો કેમેરો હતો, શાળા કોલેજના એન્યુઅલ ફંક્શનમાં બે ત્રણ લાઇનમાં સિનિયોરિટી મુજબ ઊભા કરીને ફોટા લેતા એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અસંખ્ય વડીલો માટે ઓક્સિજન જેવો હતો. લગ્ન સમયે ફટાકડો ફૂટતો હોય એ રીતે ફ્લેશ થતી. એ આલ્બમ જોતાં લગભગ દરેક વડીલ ભાવુક થતાં જોયા છે. અનેક વર્ષોના તપ પછી ફોટોગ્રાફી કળા વિકસી છે.

એકવાર ફરીથી ફોટા જોવાનું ચાલુ કરશો તો ચહેરા પર સ્માઇલ ઝળકી ઊઠશે. ફોટોગ્રાફી પર અનેક વાતો લખવામાં આવી છે, ‘ગેસ્ટાલ્ટ’ જેવા અસંખ્ય સિદ્ધાંત શોધવામાં આવ્યા છે. આવા સિદ્ધાંત વધારે સારી ફોટોગ્રાફી કરવા પ્રેરણા આપે છે. એક શબ્દ આ પણ છે : એસ્થેટિક ફોટોગ્રાફી… મોબાઈલ હાથમાં હોય તો એનો રસકસ કાઢવાનો એક માર્ગ છે, ફોટોગ્રાફી…. ફાઇનલી, તમારા પોતાની મજા, પરિવારની મજા અને પોતાના વર્તુળની મજાનો પુરાવો એટલે ફોટોગ્રાફી.

શનિ-રવિ છે, ઊંચકો મોબાઈલ ને કરો ક્લિક …ક્લિક … આપો સ્માઇલ ને લો એક સેલ્ફી… ‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો શકે તો ઉસમેં જિંદગી… ’ એ જિંદગીની ક્ષણોને ક્લિક્ કરતાં રહેવું. ધ એન્ડ : ભાગતી પળને બાહોમાં જકડી રાખવાની કળા એટલે ફોટોગ્રાફી…‘સ્ટેચ્યુ’ કહીને એ પળને થીઝવી દેવી એટલે ફોટોગ્રાફી !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker