મગજ મંથન: મીડિયામાં હજારો મિત્રો છતાં… અકેલે હમ-અકેલે તુમ… કેમ?!
આવાં આભાસી માધ્યમનો વધુ પડતો ઉપયોગ આવી એકલતા માટે જવાબદાર છે.
વિઠ્ઠલ વઘાસિયા
એકાંત અને એકલતાને લોકો એક સમાન માને છે, પરંતુ એ સમાન નથી. આ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. એકાંતમાં વિચાર સકારાત્મક રહે છે, જ્યારે એકલતામાં વિચાર નકારાત્મક થઈ જાય છે. એકાંતમાં આનંદ મળે છે, જ્યારે એકલતામાં નિરાશા વધી જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એકલી હોય તો એને એકાંત સમજી લેવામાં આવે છે. જો કે એ સાચું નથી. આ બંને શબ્દોનો અર્થ અલગ અલગ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં પરેશાની ચાલી રહી હોય, એ સમસ્યાઓને દૂર કરવા માટે કોઈ ઉપાય મળતો ન હોય ત્યારે તે વ્યક્તિ ખૂબ જ નિરાશ થઈ જાય છે.
આ સમયે તે ભીડમાં પણ એકલતા અનુભવે છે. જ્યારે એકાંતમાં એવું નથી થતું. એકાંત એને આનંદ આપે છે. લોકો એકલતા અનુભવે છે ત્યારે એકલતા દૂર કરવા માટે કોઈને કોઈ ઉપાય કરવા લાગે છે. કાં તો એ ફિલ્મ જોવા જાય છે-છાપાં વાંચવા લાગે છે-કાંઈ સમજ ન પડે તો સૂઈ જાય ને સપનાં જોવા લાગે છે અને આ રીતે પોતાની એકલતા દૂર કરવાના પ્રયત્નો કરે છે. એકલતામાં એક વાત ધ્યાનમાં રાખજો કે એ નિરાશા લઈને આવે છે અને એમાં વ્યક્તિ નકારાત્મક વિચારોથી ઘેરાઈ જાય છે.
એને કોઈ ઉપાય સૂઝતો નથી. નકારાત્મક વિચારવાથી વ્યક્તિને એકલતામાં સગાં સંબંધી અને પરિવારના લોકો યાદ આવે છે. બીજી તરફ, એકાંતમાં આનાથી ઊલટો અનુભવ થાય છે. એકાંતમાં વ્યક્તિને આનંદ મળે છે. મન શાંત રહે છે. એકાંતમાં આપણે ધ્યાન કે ભક્તિ પણ કરી શકીએ છીએ. એકાંતમાં નવા નવા સકારાત્મક વિચારો આવે છે ને સુખ-આનંદનો અનુભવ થાય છે. એકલતા મનુષ્ય જીવન માટે નુકસાનકર્તા છે.
લાંબા સમય સુધી જો આ સ્થિતિ રહે તો વ્યક્તિને માનસિક બીમારી થઈ શકે છે. કાલ્પનિક ભય સતાવવા લાગે છે. ખોટા વિચાર આવે છે. આથી એકલતાથી બચવું જોઈએ. આવા સમયે મનને શાંત કરીને પોતાના વિચાર સકારાત્મક બનાવવા જોઈએ. એકલતાને દૂર કરવા એને એકાંતમાં પરિવર્તિત કરવી જોઈએ. ધ્યાન કરી શકાય. ભક્તિ- મંત્ર જાપ કરી શકાય.
સારાં પુસ્તકોનું વાચન થઈ શકે અર્થાત્ એકલતામાં કંઈક એવું કાર્ય કરવું જોઈએ, જેથી આપણા વિચાર સકારાત્મક બની જાય. મન પ્રસન્ન થઈ જાય. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હજારો મિત્રો અને ફોલોઅર્સ હોય છે. જ્યારે વાસ્તવિક જીવનમાં કોઈ સાચા અર્થમાં પોતાના હોય એવું જોવા મળતું નથી. આજે ટ્વિટર (ડ), ટેલિગ્રામ, ઈન્સ્ટાગ્રામ, વોટ્સ અપ, મેસેન્જર વગેરે સોશિયલ સાઈટસની વિશ્ર્વભરમાં બોલબાલા જોવા મળે છે. વિશ્ર્વની કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બનાવવો ખૂબ જ સહેલો થઈ ગયો છે. આપણા નવા – જૂના મિત્રોને સંદેશો કે ઈ-મેલ વગેરે મોકલી શકીએ છીએ.ચેટિંગ પણ કરી શકીએ છીએ.
તેમ છતાં આ બધામાં કોઈ આપણું પોતાનું હોતું નથી કે જે આપણી એકલતા દૂર કરી શકે. આટલી બધી સોશિયલ સાઈટસ હોવા છતાં પણ એકલતા ગંભીર સમસ્યા બની છે. પોતાના પરિવાર -મિત્રો હોવા છતાં એકલતાનો અનુભવ કરતા હોય છે. અહીં એકલતાનો અર્થ છે અન્ય લોકોની સાથે સાર્થક સંબંધના સ્તરમાં કમી-અછત મહેસૂસ કરવી. એક બ્રિટિશ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૬ થી ૨૪ વર્ષની ઉંમરના યુવાનોમાં એકલતાની સમસ્યા અન્ય ઉંમરના યુવાનો કરતાં વધારે જોવા મળે છે. કેટલાક વિશેષજ્ઞ સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગને એકલતા માટે દોષી ઠરાવે છે.
લોકોએ એકાંતવાસ શું કામ અપનાવવો જોઈએ..? એક લેખિકા એલિઝાબેથ એવું કહે છે કે, આપણે સૌએ એકલા રેસ્ટોરન્ટમાં જવાનું શીખી જવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણી જાતમાં એટલું સહજ થઈ જવું જોઈએ કે કોઈપણ નકારાત્મક ભાવના આપણને અસર ન કરે. એક મજાની સલાહ એ છે કે તમે એવો દેખાવ કરો કે તમે કોઈ એક વ્યવસાયિક યાત્રા પર જઈ રહ્યા છો. તેમ કરવાથી તમોને એકાંતમાં રહેવા માટેનું બહાનું મળી જશે. પોતાના વિચારો સાથે એકલા રહેવાનો એક પ્રયોગ દીવાસ્વપ્ન જોવાનો છે.
દીવાસ્વપ્ન પર હમણાં જ એક સંશોધનથી જાણવા મળ્યું છે કે, તે આપણી રચનાત્મકતાને નિખારવાનો એક શાનદાર પ્રયોગ છે અર્થાત આપણા વિચારોને કેન્દ્રિત કરવા અને આપણા જીવનમાં આવતી ચેલેન્જ અથવા તો સમસ્યાઓ માટે રચનાત્મક સમાધાન વિકસિત કરવામાં મદદ કરવા માટે અધિક સંરચિત દીવાસ્વપ્નનો અભ્યાસ કરવો જોઈએ. અંતર્મુખી કલાકારોની રૂઢિ-રૂચિ આ સચ્ચાઈને રજૂ કરે છે. સારાં રચનાત્મક કામ કરવા માટે આપણે આપણા વિચારો સાથે એકલા રહેવું જોઈએ.
એકલતામાંથી એકાંત તરફ આગળ વધવા માટે સૌથી પહેલા વ્યક્તિએ પોતાની ભાવના પર નજર રાખવી જોઈએ. નકારાત્મક ભાવનાનો મનુષ્ય ઉપર વિશેષ દુષ્પ્રભાવ પડતો હોય છે. તે હાનિકારક અસત્ય પર વિશ્ર્વાસ કરવો એને ચિંતનમાં ધકેલવા માટે મજબૂર કરે છે માટે જ આપણે એકલતા અને એકાંતને બરાબર સમજી લઈને એકલતાને એકાંતમાં પલટાવવા માટે વિશેષ જાગૃત રહેવું રહ્યું.