ઉદ્ધવ ઠાકરે બાદ નીતિન ગડકરીના હેલિકોપ્ટરની પણ તપાસ કરી ચૂંટણી પંચે
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોના નેતાઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે લાતુરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ પહેલાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની બેગ બે વાર તપાસવામાં આવી હતી. સોમવારે જ્યારે ઉદ્ધવ ઠાકરે રાજ્ય વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંજય ડેરકરના પ્રચાર માટે યવતમાલ જિલ્લાના વાની પહોંચ્યા, ત્યારે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતાની સાથે જ ચૂંટણી પંચના કર્મચારીઓએ તેમની બેગ તપાસી હતી. ત્યાર બાદ મંગળવારે જ્યારે તેઓ ઓસા સીટ પર પ્રચાર કરવા ઉસ્માનાબાદ પહોંચ્યા ત્યારે બીજી વખત તેમના સામાનની તલાશી લેવામાં આવી હતી. ઠાકરેની બેગના બે વાર ચેકિંગે વિવાદને જન્મ આપ્યો હતો.
ઠાકરેએ તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા અને સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરતી વખતે સવાલ કર્યો હતો કે શું ચૂંટણી સત્તાવાળાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જ્યારે રેલીઓને સંબોધિત કરવા મહારાષ્ટ્ર આવે છે ત્યારે તેમની બેગ પણ તપાસે છે? આ અધિકારીઓને પાઠ ભણાવવામાં આવશે. ત્યાર બાદ આ મામલે રાજકીય વિવાદ છેડાઇ ગયો હતો.
https://x.com/ShivSenaUBT_/status/1856306981428179345
મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓએ આ ઘટનાને ચૂંટણી પહેલા વિપક્ષને પરેશાન કરવાનું કાવતરું ગણાવ્યું હતું. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, “ચૂંટણી પંચ તેનું કામ કરે છે, તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ, એકનાથ શિંદે અને અજિત પવારે 25 કરોડ મોકલ્યા છે. શું ચૂંટણી પંચ મહાયુતિના નેતાઓની બેગ અને હેલિકોપ્ટરની પણ તપાસ કરશે?
Also Read – શરદ પવાર અને અમિત શાહ વચ્ચે સરકાર બનાવવા માટે મુલાકાત? અજીત પવારના દાવા એ મચાવ્યો ખળભળાટ
આ મામલે શાસક મહાયુતિના નેતાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે જો પૂર્વ મુખ્ય પ્રધાન પાસે છુપાવવા માટે કંઈ નથી તો તેઓ તપાસનો વિરોધ કેમ કરી રહ્યા છે?
દરમિયાન ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રોએ આ મામલે છેડાયેલા રાજકીય વિવાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિધાન સભાની ચૂંટણી પહેલા આ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) છે, જેનું પાલન કરવામાં આવ્યું છે.
હવે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં રાખવામાં આવેલી બેગની લાતુરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. આશા છે કે આ વિવાદ હવે અહીં જ સમાપ્ત થઇ જશે.