એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
-ભરત ભારદ્વાજ
દિલ્હીમાં પ્રદૂષણની પારાયણ શરૂ થઈ એ સાથે જ ફરી ફટાકડા પર પ્રતિબંધનો મુદ્દો પણ પાછો ઊછળ્યો છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર દિલ્હીમાં ફટાકટા પર બારે મહિના પ્રતિબંધની તરફેણ કરીને દિલ્હી સરકારને દિલ્હીમાં વર્ષભર માટે ફટાકડા પર ૨૫ નવેમ્બર પહેલાં નિર્ણય લેવા ફરમાન કર્યું છે.
Also read: પાકિસ્તાન બદલાવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?
સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધનો અમલ ના થયો એ માટે દિલ્હી પોલીસને પણ આડે હાથ લઈને કહ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા પ્રતિબંધોને ગંભીરતાથી લાગુ કરવામાં આવ્યા નથી. જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની સુપ્રીમ કોર્ટની બેન્ચે સૂચન કર્યું છે કે, દિલ્હી પોલીસ કમિશનરે ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે એક વિશેષ સેલ બનાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ૨૫ નવેમ્બર પહેલાં ફટાકડા પર કાયમી પ્રતિબંધનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો એટલે દિલ્હી સરકારનો બાંયધરી આપ્યા વિના છૂટકો નથી તેથી આતિશીની દિલ્હી સરકારના વકીલે કોર્ટ સમક્ષ કહેવું પડ્યું કે, અમે તમામ સંબંધિત વિભાગો સાથે ચર્ચા કર્યા બાદ આખા વર્ષ માટે ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લઈશું. ફટાકડા પર પ્રતિબંધનો મુદ્દો લાંબા સમયથી ગાજે છે ને સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા પર પ્રતિબંધનું ફરમાન કરેલું. તેને અનુલક્ષીને ૧૪ ઓક્ટોબરે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધનો આદેશ બહાર પાડેલો, પણ એ છતાં દિવાળીના તહેવારોમાં ફટાકડા ફૂટ્યા. તેની સામે અરજી થઈ પછી સામસામું દોષારોપણ થઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી દરમિયાન પોલીસને ઝાટકીને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને સવાલ કર્યો હતો કે ફટાકડા પર પ્રતિબંધ કેવી રીતે લાગુ કરવામાં આવ્યો? દિલ્હીમાં પ્રદૂષણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે એવા અહેવાલોનો હવાલો આપીને કોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની ઝાટકણી સામે દિલ્હી સરકારનું કહેવું હતું કે, અમે તો ફટાકડા પર પ્રતિબંધનો આદેશ આપી દીધેલો, પણ તેનો અમલ પોલીસે કરાવવાનો હતો, પણ પ્રતિબંધના આદેશને પોલીસે ગંભીરતાથી લીધો નથી. દિલ્હી પોલીસે ફટાકડાનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે તમામ લાઈસન્સધારકોને જાણ કરવી જોઈતી હતી, પણ પોલીસે કશું ના કર્યું. દિલ્હી પોલીસ પાસે કોઈ જવાબ નહોતો એટલે ફટાકડા પર કાયમી પ્રતિબંધની વાત આવી ગઈ ને સુપ્રીમ કોર્ટે આખા મુદ્દાને લોકોના મૂળભૂત અધિકાર સાથે જોડી દીધો છે એ જોતાં દિલ્હીમાં ફટાકટા પર કાયમી પ્રતિબંધ આવી જ જશે એવું લાગે છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, સ્વચ્છ હવામાં શ્ર્વાસ લેવો અને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જીવવું એ લોકોનો મૂળભૂત અધિકાર છે.
સુનાવણી દરમિયાન બેન્ચે એમ પણ કહ્યું હતું કે કોઈ પણ ધર્મ પ્રદૂષણનું કારણ બને તેવી કોઈ પણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી. આ રીતે ફટાકડા ફોડવામાં આવે તો નાગરિકોનાં સ્વાસ્થ્યના મૂળભૂત અધિકારને પણ અસર કરે છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવાની રીત પર અસંતોષ વ્યક્ત કરીને કહ્યું કે ૧૪ ઓક્ટોબરે દિલ્હી સરકારના પ્રતિબંધના આદેશને પોલીસે ગંભીરતાથી લીધો નથી. દિલ્હી પોલીસે ફટાકડાનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે તમામ લાઈસન્સધારકોને જાણ કરવી જોઈએ. દિલ્હી પોલીસે ઑનલાઈન ફટાકડા વેચતી તમામ કંપનીઓને જાણ કરીને રાજધાની દિલ્હીની હદમાં ફટાકડા વેચવાનું બંધ કરાવવું જોઈએ. પોલીસ કમિશનરે ખાતરી કરવી જોઈએ કે તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ સમગ્ર વર્ષ દરમિયાન ફટાકડા પરના પ્રતિબંધના અમલ માટે જવાબદાર રહેશે.
સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્રમાં સર્વોપરી છે તેથી એક વાર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે પછી દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ અમલી બની જશે તેમાં શંકા નથી. આ પ્રતિબંધનો અમલ કેટલી અસરકારકતાથી થશે તેમાં શંકા છે, પણ કાગળ પર તો કાગળ પર, પણ તેનો અમલ થઈ જશે ખરો. સવાલ એ છે કે, આ પ્રકારનો અમલ જરૂરી છે ખરો? આ સવાલનો જવાબ મેળવવા માટે દિલ્હીના પ્રદૂષણની સમસ્યાને સમજવી જરૂરી છે. મીડિયાના ચોક્કસ વર્ગ અને કેટલીક સંસ્થા દ્વારા એવું ચિત્ર ઊભું કરાય છે કે, દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવામાં આવે તેના કારણે પ્રદૂષણના સ્તરમાં બહુ વધારો થઈ જાય છે અને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થાય છે. આ વાત ખોટી નથી, પણ ફટાકડા ફોડાયા એ પહેલાં પેદા થયેલા પ્રદૂષણનું શું? દિલ્હીમાં પ્રદૂષણ બારમાસી સમસ્યા છે.
આ સમસ્યાના મૂળમાં જે પ્રવૃત્તિઓ છે તેને સુપ્રીમ કોર્ટ કે બીજું કોઈ બંધ કેમ નથી કરાવતું? દિલ્હીમાં પ્રદૂષણ માટે સતત થતાં બાંધકામ, વાહનોનો ધુમાડો અને ઔદ્યોગિક ઉત્પાદનથી પેદા થતો ધુમાડો સૌથી વધારે જવાબદાર છે. ફટાકટા ફોડવા કે પરાળી બાળવા જેવી પ્રવૃત્તિઓનું યોગદાન તો છેલ્લે આવે છે. બિલ્ડિંગ બાંધવા પાયો ખોદાય તો તેના કારણે ઊડતી ધૂળથી પણ પ્રદૂષણ ફેલાય છે ને કાર સહિતનાં વાહનોના ધુમાડાથી પણ પ્રદૂષણ ફેલાય છે. ઉદ્યોગો તથા લોકોના વપરાશ માટે વીજળી પેદા કરવા માટે કોલસો વપરાય છે તેના કારણે પણ પ્રદૂષણ ફેલાય ને એસી-હીટર વાપરીએ તેના કારણે પણ પ્રદૂષણ વધે છે. આ બધું બંધ કરાવાય છે? આ બધું તો બારે મહિના ચાલે છે ને તેના કારણે પ્રદૂષણ વધ્યા જ કરે છે, પણ નથી સુપ્રીમ કોર્ટ કહેતી કે વાહનો, ઉદ્યોગો, ક્ધસ્ટ્રક્શન પર બારે મહિના પ્રતિબંધ મૂકો કે નથી પર્યાવરણની પિપૂડી વગાડતી કોઈ સંસ્થા એવું કહેતી, પણ ફટડાકડા ફૂટે તેમાં બધાંનો પર્યાવરણપ્રેમ છલકાવા માંડે છે. હિંદુઓ વરસમાં ચાર દાડા ફટાકટા ફોડે તેમાં તો કકળાટ કરી દેવાય છે.
Also read: ટ્રમ્પ પાસેથી ભારતને કઈ બે મોટી આશા છે?
કમનીસીબ પાછી એ છે કે, હિંદુઓને જ એવું લાગે છે કે આપણે ખોટું કરી રહ્યા છીએ. હિંદુઓના દરેક તહેવારની વાતમાં પ્રદૂષણ ને પર્યાવરણ ને બીજી પારાયણ શરૂ થઈ જાય છે ને હિંદુઓ અપરાધ કરી રહ્યા હોય એવી માનસિકતા સાથે ચોખવટો કરવા બેસી જાય છે. કહેવાતી હિંદુવાદી સરકાર ને કહેવાતાં હિંદુવાદી સંગઠનો આ માનસિકતાને પોષે છે. દિવાળી પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ના મોહન ભાગવતનો એક વીડિયો વાયરલ થયેલો. ભાગવતે ફટાકડા ફોડવાની પરંપરા પાછળના વિજ્ઞાન વિશે ચર્ચા કરી હતી. ભલા માણસ, દરેક બાબત પાછળ વિજ્ઞાન હોય એ જરૂરી છે? જીવનમાં આનંદ ને ઉજવણી જેવું પણ કંઈ હોય કે નહીં?