ઇન્ટરનેશનલઈન્ટરવલ

પ્રાસંગિક: અમેરિકામાં સત્તાપલટા પછી બે યુદ્ધમાં વિરામ?

-અમૂલ દવે

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અભૂતપૂર્વ પુનરાગમન કર્યું છે. ઉપપ્રમુખ કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે લડત ર સાકસીભરી થશે એવી રાજકીય પંડિતો આગાહી કરતા હતા, પરંતુ અમરિકનોએ ટ્રમ્પ પર ઓળધોળ થઈને મતોનો વરસાદ કર્યો છે. ટ્રમ્પે એમના પ્રચાર દરમિયાન જે જે વચન આપ્યાં છે એનાથી વિશ્ર્વમાં ચાલતાં રશિયા અને યુક્રેન તથા ઈઝરાયલ – પૅલેસ્ટાઈન – લેબેનોન – ઈરાન વચ્ચેની જંગનો અંત આવે એવી આશા જાગી છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ જો બાઈડેન ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પને સત્તાનું સુકાન સોંપી દેશે. ટ્રમ્પ સત્તારૂઢ થાય ત્યાર બાદ સૌથી મોટો ફેરફાર અમેરિકાની વિદેશનીતિમાં જોવા મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન હાલમાં ચાલતા આતંરરાષ્ટ્રીય જંગમાં અલગ અભિગમ ધરાવે છે. ટ્રમ્પે પોતાના પ્રચાર દરમિયાન ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિની હિમાયત કરી છે.

બે યુદ્ધમાંથી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવું અમેરિકા માટે વધુ આસાન હશે. ટ્રમ્પે પ્રચાર દરમિયાન એવો દાવો કર્યો હતો કે હું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એક દિવસમાં અટકાવી દઈશ. હવે સવાલ એ છે કે ટ્રમ્પ આ કઈ રીતે કરશે. ત્રણ વર્ષથી વધારે સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલુ છે. તત્કાલીન પ્રમુખ જો બાઈડેન અને ‘નાટો’ના દેશોની અબજો ડૉલરની સહાયને લીધે જ યુક્રેનના વડા પ્રધાન ઝેલેન્સકી આટલું ટકી શક્યા છે. ટ્રમ્પને વિજય બદલ અભિનંદન આપતો સંદેશો ઝેલેન્સકીએ મોકલાવ્યો તો છે, પરંતુ આમાં સાવચેતીનો સૂર પણ છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેનું ઈલુ-ઈલુ બધાને ખબર છે. ટ્રમ્પ બેધડક રશિયાના સરમુખત્યારનાં વખાણ કરે છે. અમેરિકા યુક્રેનને સહાય ન આપે તો તેની પાસે રશિયાને સરેન્ડર સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ટ્રમ્પની ટોચની પ્રાથમિકતા રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવાની છે.

ટ્રમ્પ આ કામ યુક્રેન અને યુરોપના તેના સાથીદેશોને તેમના હાલ પર છોડીને કરી શકે. ટ્રમ્પ યુક્રેનને સહાય આપવાનું તત્કાળ તો બંધ ન કરે, પરંતુ તેના પર રશિયા સાથે શાંતિમંત્રણા ચાલુ કરવાનું દબાણ લાવશે. પુતિન પણ કહે છે કે ટ્રમ્પ બહાદુર નેતા છે અને એમની હત્યા કરવાનો પ્રયાસ થયો હોવા છતાં એ ટકી રહ્યા. અમેરિકા શાંતિમંત્રણામાં ભાગ લેશે તો અમને કોઈ વાંધો નથી. બીજી તરફ, ટ્રમ્પે ક્વિ (યુક્રેનનું પાટનગર)ને અપાતી સહાયની ટીકા કરી છે. ટ્રમ્પ માને છે કે યુરોપની સુરક્ષા માટે અમેરિકા કરતાં ‘નાટો’ જોડાણના દેશોએ વધુ યોગદાન આપવું જોઈએ.

ટ્રમ્પે પ્રમુખ તરીકેની પહેલી મુદત દરમિયાન એવો આગ્રહ રાખ્યો હતો કે ‘નાટો’એ તેમના ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટના બે ટકા સંરક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. જોકે રોમ આ ટાર્ગેટથી જોજનો દૂર છે તેનું પબ્લિક ડેટ-ઉધારી એટલી વધારે છે કે તે ખર્ચના વિકલ્પો સીમિત કરી નાખે છે. ટ્રમ્પનો પ્લાન છે કે એ મોસ્કો અને ક્વિ વચ્ચે ૮૦૦ માઈલનો બફર ઝોન ઊભો કરશે. આ ઝોનનું રક્ષણ અંગ્રેજ અને યુરોપના દેશના જવાનો કરશે. આથી યુદ્ધની અગ્રિમ હરોળને થિજાવી નાખવામાં આવશે.

રશિયા ફરી યુદ્ધ ન કરે એ માટે અમેરિકા યુક્રેનને હથિયારો આપશે. અમેરિકા યુક્રેનના જવાનોને તાલીમ અને પ્રશિક્ષણ આપશે. શાંતિ જાળવવા અમેરિકા જવાનો નહીં મોકલે. પોલૅન્ડ, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ તેમના જવાનો મોકલવા પડશે. ઝેલેન્સકીએ તો અત્યારથી કહી દીધું છે કે પુતિનને આ ક્ન્સેશન આપવાની વાત છે. આ યુક્રેન અને આખા યુરોપ માટે અસ્વીકાર્ય છે. જોકે, ટ્રમ્પ માટે મિડલ ઈસ્ટનું યુદ્ધ અટકાવવું વધુ મુશ્કેલ હશે. ટ્રમ્પે તો ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને કહી દીધું છે કે હું ૨૨ જાન્યુઆરીમાં સત્તા સંભાળું એ પહેલાં યુદ્ધ પતાવી દો…. આડકતરી રીતે આ ઈઝરાયલને ઈરાનનાં અણુમથકો અને તેલના ભંડારો પર હુમલો કરવાનું ઈજન છે. ટ્રમ્પે પહેલી મુદતમાં ઈઝરાયલને કોઈએ ન આપ્યો હોય એટલો ટેકો આપ્યો હતો અને ઈરાન સામે સીધો મોરચો ખોલી નાખ્યો હતો. ટ્રમ્પે ઈઝરાયલની રાજધાની તરીકે જેરૂસેલમને માન્યતા આપી હતી.

ઈરાન સાથેની અણુસંધિ અટકાવી દીધી હતી. જો કે અમેરિકાની ચૂંટણીમાં ૭૦ ટકાથી વધારે અમેરિકન યહૂદીઓએ કમલા હેરિસને ટેકો આપતાં ટ્રમ્પ નારાજ થયા છે. બીજી બાજુ બાઈડેને ઈઝરાયલના નરસંહારને રોકવા કંઈ ન કર્યું તેનાથી નારાજ અમેરિકન આરબોએ ટ્રમ્પને ટેકો અને મત આપ્યા છે. જોકે યહૂદી લૉબી એટલી મજબૂત છે અને ટ્રમ્પનું માનસ એટલું ઈરાન વિરોધી છે કે ઈઝરાયલને અમેરિકાનો ટેકો મળતો રહેશે. નેતન્યાહુ સામે આંતરિક અને બાહ્યવિરોધ એટલો પ્રબળ છે કે અમેરિકા ત્યાં સત્તાપલટો કરવાની કોશિશ પણ કરી શકે છે.

નેતન્યાહુએ યુદ્ધનું કારણ આપીને કરપ્શન કેસમાં અદાલતમાં હાજર થવાની ના પાડી છે. ટ્રમ્પના સત્તા પર આવવાથી ઈરાનને મોટો ફટકો પડશે. અલબત્ત, ટ્રમ્પના પ્રથમ મુદતની સરખામણીમાં ઈરાન અતિશય મજબૂત થઈ ગયું છે. તેની પાસે એટમબૉમ્બ છે અને તેને રશિયા-ચીનનો ટેકો છે. ટ્રમ્પ અતિશય અકળ છે. એ શું કરે એની આગાહી કોઈ કરી ન શકે. ટ્રમ્પ તો પુતિન સાથે મળીને ઈરાનની ગૅમ પણ કરી શકે! અબ કી બાર કૈસી ટ્રમ્પ કી સરકાર? ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવવાથી ભારતને લાભ અને ગેરલાભ બન્ને થશે. બાઈડેન સરકારમાં રશિયાવિરોધી સંવેદના પ્રબળ હતી અને રશિયા પાસેથી ભારત પેટ્રોલ ખરીદે છે એ બાઈડેનને ખૂંચતું હતું, પરંતુ ટ્રમ્પ આમાં ભારતને રાહત આપી શકે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાનો ટ્રમ્પે જોરદાર વિરોધ કર્યો છે.

અમેરિકાએ ચીન અને પાકિસ્તાનની મદદથી શેખ હસીનાની સરકારને ઉથલાવી છે. ભારત ટ્રમ્પની મદદથી હસીનાને ફરી સત્તા પર લાવવાનો પ્રયાસ કરી શકે. ટ્રમ્પ ચીન સાથે પહેલી મુદતમાં પણ આકરા રહ્યા હતા. આનો ફાયદો ભારતને મળી શકે. ચીનના વિરોધી અમેરિકા, ભારત, જપાન અને ઑસ્ટ્રેલિયાના જૂથ ક્વેડને વધુ બળ મળી શકે. ટ્રમ્પનું પુનરાગમન ભારતીય વસાહતીઓને માટે દુ:ખદ હશે. ટ્રમ્પે એમની પહેલી મુદતમાં ઇં૧ઇ વિઝાના નિયમો કડક બનાવ્યા હતા. દર વર્ષે મળતા આ પ્રકારના વિઝાના ૭૦ ટકા ભારતીયોને મળે છે.

ટ્રમ્પ પહેલાંની જેમ સખત ઈન્ટરવ્યુ, કડક ચકાસણીનો સમાવેશ કરશે. અરજીને ઠુકરાવી દેવાની ટકાવારી વધી જશે. આવા વિઝાધારકોના જીવનસાથીનો નોકરી કરવાનો અધિકાર છીનવી લેવાશે. હાલમાં અમેરિકામાં જન્મેલાં બાળકોને આપોઆપ નાગરિકત્વ મળે છે, પરંતુ ટ્રમ્પ એમાં ફેરફાર લાવીને એવો નિયમ ઘડશે કે માતા-પિતામાંથી એક અમેરિકન હશે તો જ અમેરિકામાં જન્મેલા બાળકને નાગરિકત્વ મળશે. અમેરિકામાં ૪૮ લાખ ભારતીયો રહે છે આમાંથી ૩૪ ટકા એટલે કે ૧૬ લાખનો જન્મ અમેરિકામાં થયો છે.

આ લોકોને નવો નિયમ ભારે પડશે. ટ્રમ્પના શાસનમાં ગેરકાયદે રહેતા ભારતીયોને ભારતમાં પાછા મોકલી દેવાશે. ભારતના વિદ્યાર્થીઓ માટે મુસીબત ઊભી થશે. ટ્રમ્પ વહીવટીતંત્ર સ્ટેમ સ્ટુડન્ટસને મળતી બે વર્ષની પ્રૅક્ટિકલ ટ્રેનિંગ બંધ કરવાનો પ્રયાસ કરી શકે. સ્ટુડન્ટ વિઝાની મુદત ટૂંકાવી શકે. ટ્રમ્પ ભારતીય વસ્તુઓ પર ઊંચા ટેરિફ લગાડી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button