એકનાથ શિંદેની સામે ‘ગદ્દાર-ગદ્દાર’ના સૂત્રોચ્ચાર કર્યાં એટલે કાફલો રોકી પહોંચ્યા…
મુંબઈ: સાકીનાકાના ચાંદીવલી પરિસરમાંથી પસાર થનારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાફલાને કાળા વાવટા બતાવી અપશબ્દો બોલનારા યુવાન વિરુદ્ધ શિંદે વીફર્યા હતા. ભરરસ્તે કારમાંથી ઊતરીને કૉંગ્રેસના ઉમેદવાર નસીમ ખાનની ઑફિસમાં જઈ કાર્યકરોને ખખડાવી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના પછી ઉદ્ધવ ઠાકરેએ યુવાનને શિરપાંઉ આપ્યો હતો અને પિતા-પુત્રને શિવસેનામાં સામેલ કરી લીધા હતા.
આ પણ વાંચો: શિવસેના યુબીટીના મુસ્લિમ મતોની ભરતી ઓસરી જશે: એકનાથ શિંદે
સાકીનાકાની રૅલી પૂરી થયા પછી સોમવારે રાતે મુખ્ય પ્રધાન શિંદે પાછા જઈ રહ્યા હતા ત્યારે ચાંદીવલી ખાતે ઠાકરે જૂથ અને કૉંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા બતાવી તેમના કાફલાને રોક્યો હતો. તે સમયે ‘ગદ્દાર ગદ્દાર’ના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. સંતોષ કટકે નામના યુવાને મુખ્ય પ્રધાનને ઉદ્દેશીને અપશબ્દો વાપર્યા હતા, જેને કારણે શિંદે જબરા વીફર્યા હતા.
આ પણ વાંચો: MVAના જાહેરનામા પહેલા જ એકનાથ શિંદેએ કરી દીધી દસ મોટી જાહેરાત
કાર રોકીને ભરરસ્તે ગુસ્સામાં શિંદે કારમાંથી ઊતર્યા હતા. પછી સામે આવેલી નસીમ ખાનની ઑફિસમાં ચાલતા ગયા હતા. ઑફિસમાં હાજર પદાધિકારીઓને ‘કાર્યકરોને આવું છો તમે?’ સવાલ કરી ખખડાવી નાખ્યા હતા. બાદમાં મુખ્ય પ્રધાની સુરક્ષામાં હાજર પોલીસે સંતોષ કટકેને તાબામાં લીધો હતો. જોકે પ્રાથમિક પૂછપરછ પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મંગળવારની સવારે સંતોષ કટકે પિતા સાધુ કટકે સાથે બાન્દ્રાના માતોશ્રી પહોંચ્યો હતો. પિતા-પુત્રએ શિવસેના (ઠાકરે જૂથ)માં પ્રવેશ કર્યો હતો.