ટ્રેનમાં કત્લેઆમ:આરપીએફ કોન્સ્ટેબલ સામે 15 મહિને ખટલો શરૂ…
મુંબઈ: મુંબઈ જતી ટ્રેનમાં આરપીએફના કોન્સ્ટેબલ દ્વારા ચાર જણની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના પંદર મહિના બાદ ખટલો શરૂ થયો છે. મંગળવારે પ્રથમ સાક્ષીદારની જુબાની નોંધવામાં આવી હતી, જેણે ગુનામાં વપરાયેલું હથિયાર ઓળખી કાઢ્યું હતું.
આ પણ વાંચો : શાહરૂખ ખાનને ધમકી આપનાર વકીલની ધરપકડ; પુછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે
આ કેસનો એકમાત્ર આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને સેવામાંથી બરતરફ કરાયો છે. ચૌધરી પર તેના ઉપરી અધિકારી આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઇ) ટિકા રામ મીના તેમ જ અન્ય ત્રણ પ્રવાસીને ઠાર મારવાનો આરોપ છે. 31 જુલાઇ, 2023ના રોજ જયપુર-મુંબઇ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આ ઘટના બની હતી.
પહેલો સાક્ષીદાર ગોળીબાર સમયે ચૌધરી સાથે ફરજ પર હતો અને તે આ કેસનો ફરિયાદી પણ છે. તેને પણ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માંથી બરતરફ કરાયો હતો.
સોમવારે ખટલાના પ્રથમ દિવસે ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા એડિશનલ સેશન્સ જજ એમ. એલ. મોરે દ્વારા નોંધ કરાયા હતા.
એક્ઝામિનેશન-ઇન-ચીફ દરમિયાન સાક્ષીદારે ગુનામાં ઉપયોગ કરાયેલું હથિયાર ઓળખી કાઢ્યું હતું. એક્ઝામિનશન-ઇન-ચીફ એટલે સાક્ષીદારને પ્રશ્ર્નો પૂછવાની પ્રક્રિયા છે. તે જ સાક્ષીદારને જુબાની આપવા માટે બોલાવે છે.
ચૌધરીના વકીલ જયવંત પાટીલ અનુસાર આરોપીની ગેરહાજરીમાં સાક્ષીદારની જુબાની લેવાઇ તે અયોગ્ય છે. ટેક્નિકલ કારણોસર આરોપી સાથે જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાણ થયું નહોતું. ચૌધરીને હાલ અકોલા જેલમાં રાખવામાં આવ્યો છે. હવે સાક્ષીદારની બચાવ પક્ષના વકીલ દ્વારા 27 નવેમ્બરે ઊલટતપાસ કરાશે.
ચૌધરી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 153-એ (ધર્મને નામે બે જૂથ વચ્ચે વેર પેદા કરવું), રેલવે ધારા અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
31 જુલાઇ, 2023ના રોજ સવારે 5.00 વાગ્યે ટ્રેન પાલઘર રેલવે સ્ટેશન નજીક આવી ત્યારે આ ઘટના બની હતી.
પ્રવાસીઓએ ગોળીબાર બાદ ચેઇન પુલિંગ કરતાં મીરા રોડ સ્ટેશન નજીક ટ્રેન થોભી હતી. એ સમયે ચૌધરી ભાગવા લાગતાં તેને પકડી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ગોરાઇમાં 7 ટુકડા કરાયેલો મૃતદેહ મળતાં ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
પોલીસના જણાવ્યા અનુસાર ચૌધરીએ તેની સર્વિસ ઓટોમેટિક રાઇફલથી બી-5 કોચમાં ટિકા રામ મીના અને અન્ય પ્રવાસીને ઠાર કર્યા હતા. બાદમાં ટ્રેનના પેન્ટ્રી કારમાં અન્ય એક પ્રવાસી પર અને બફે કારની બાજુમાં એસ-6 કોચમાં વધુ એક જણને ઠાર કર્યા હતા. (પીટીઆઇ)