ઑલ આઉટ ઑપરેશનમાં 105 જણની ધરપકડ: શસ્ત્રો અને દારૂ જપ્ત
થાણે: વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા અને કાયદા-સુવ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા થાણે પોલીસે હાથ ધરેલા ઑલ આઉટ ઑપરેશનમાં 105 જણની ધપકડ કરવામાં આવી હતી.
રવિવારની રાતે પોલીસે ઑપરેશન હાથ ધરી પિસ્તોલ સહિત 43 શસ્ત્ર અને 5.07 લાખ રૂપિયાનો ગેરકાયદે દારૂ જપ્ત કર્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ 31 દેશી બનાવટની પિસ્તોલ, સાત કુહાડી અને પાંચ તલવાર જપ્ત કરી આર્મ્સ ઍક્ટ હેઠળ 41 આરોપી સહિત વિવિધ ગુનાઓમાં 105 જણની એક જ રાતમાં ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી 15 જણને ડ્રગ્સ સંબંધી એનડીપીએસ ઍક્ટ હેઠળ પકડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :Assembly Election: થાણેમાં 23.41 કરોડના દાગીના અને રોકડ જપ્ત
ઑપરેશન દરમિયાન પોલીસે 74 હોટેલ, 64 લૉજ, 39 બિયરબાર અને 42 ડાન્સ બારમાં તપાસ કરી હતી. જાહેરમાં સિગારેટ ફૂંકવા સહિત સિગારેટ ઍન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ ઍક્ટની વિવિધ જોગવાઈનું ઉલ્લંઘન કરવા બદલ 179 જણ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસે રેકોર્ડ પરના 140 ગુનેગારોની પણ તપાસ કરી હતી.
રાતભરમાં 1,210 વાહનોની તપાસ કરાઈ હતી. મોટર વેહિકલ ઍક્ટનું ઉલ્લંઘન કરનારા 2,149 જણને દંડ ફટકારી 18.58 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)