ધર્મતેજ

ઈમાનદારી બેઈમાની કરવા માટે પણ ઈમાનદાર સાથીને શોધવો પડે એવું આ જગત

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

ગમે તેવો ખરાબ માણસ હોય
પણ તેનું અંતિમ લક્ષ્ય તો
સારા બનવાનું જ હોય છે

સારા અને પ્રામાણિક થવાનું કોને ન ગમે? કેટલાક માણસો ખરેખર સારા હોય છે. અને કેટલાક માણસો આવો દેખાવ કરતાં હોય છે. કેટલાક માણસો કહે છે અમે ધર્મ કરીએ છીએ પણ અમારો ઉદ્ધાર થતો નથી. કેટલાક માણસો કહે છે અમે ઈમાનદાર છીએ, પરંતુ જીવનમાં સુખ મળ્યું નથી, અને ભ્રષ્ટાચારીઓ મજા કરી રહ્યા છે. આવું જે વિચારે છે તે ખરેખર પ્રામાણિક નથી. તેઓ કાં તો અપ્રમાણિકતા આચરી શકતા નથી અથવા તેમ કરવાની તેમનામાં હિંમત નથી. એટલે તેઓ ના છૂટકે પ્રામાણિક બની રહ્યા છે. ઈમાનદાર માણસ હશે તે આવા ફાયદા ગેરફાયદાનો વિચાર કરશે નહીં.
ઈમાનદારીને તે ધર્મ સમજશે અને તેમાં સુખ અને આનંદનો અનુભવ કરશે. ભ્રષ્ટાચારીઓ અને ખોટું કામ કરનારાઓ બહારથી સુખી દેખાતા હોય છે પણ અંદરથી એટલા જ વ્યથિત હોય છે.ખોટું કામ કરનારાઓને વહેલું કે મોડું પરિણામ ભોગવવું પડે છે. તેમાં ચિંતા અને અજંપો રહેલો છે. માત્ર સારા દેખાવું જરૂરી નથી સારા હોવું એ જરૂરી છે. ધર્મની વાડ બાંધીને પ્રમાણિકતાનો આંચળો ઓઢી લેવાથી કશો ફાયદો નથી. આવું કરીને આપણે બીજાને છેતરી શકીએ, પરંતુ જાતને છેતરવાનું મુશ્કેલ છે. અપ્રમાણિકતા અને બેઇમાની કોઈ સારી ચીજ તો નથી.

ભ્રષ્ટાચારી માણસો પોતે બેઇમાન છે એમ કબૂલ નહીં કરે. તેઓ પણ ઈમાનદારીની જ વાતો કરતા હોય છે. તેમને ઘરમાં નોકર રાખવો હશે તો તેઓ ઈમાનદાર માણસને પસંદ કરશે. એક દુકાનમાં એક ચોરે એક રાતમાં ત્રણ વખત ચોરી કરી. પોલીસે તેને પૂછ્યું એક દુકાનમાં એક જ રાતમાં ત્રણ વખત ચોરી કરવાની કેમ જરૂર પડી. ચોરે કહ્યું સાહેબ અત્યારના સમયમાં ઈમાનદાર સાથીઓ પણ ક્યાં મળે છે. માલ ઘણો હતો એટલે એકલા હાથે કામ કરવું પડ્યું. બેઈમાની કરવા માટે પણ ઈમાનદાર માણસની શોધ કરવી પડે એવું આ જગત છે. કોઈ ચોરી કરે છે તે ચોર બનવા માટે થોડી કરે છે. ચોર પણ અંદરખાને તો પ્રમાણિક બનવા ઇચ્છતો હોય છે. ખરાબ માણસનું પણ અંતિમ લક્ષ તો સારા બનવાનું જ હોય છે. કેટલીક વખત મજબૂરી હોય છે તો કેટલીક વખત આદત છૂટતી નથી. કુછંદે ચડેલા અને વ્યસનમાં જકડાયેલા માણસો પણ તેમાંથી છુટવા મથામણ કરી રહ્યા હોય છે પણ તેમ કરી શકતા નથી. આ માટે પ્રબળ ઈચ્છા અને મન પર અંકુશ જોઈએ. ખોટા રવાડે ચડેલા માણસોને આમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ છે.

ધર્મ કરવાથી શું મળશે એવો જે પ્રશ્ર્ન કરે છે તે આ ધાર્મિક છે. પ્રેમ કરવાથી શું મળશે એવું જે વિચારે છે તે દુકાનદાર છે. પ્રેમમાં આપવાનું હોય મેળવવાનું નહીં અને તેનો આનંદ પણ અનોખો છે.જીવનમા નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ એ ધર્મનો માર્ગ છે. ખરાબ વસ્તુઓને છોડવી અને સારી વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ. જીવનની તમામ પ્રવૃત્તિઓમાં સંયમ અને વિવેક જરૂરી છે. વિવેકનો પર્યાય શબ્દ છે સમ્યક્. આનો અર્થ છે નહીં ઓછું નહીં વધારે. જીવનનું આ સંતુલન છે. બધું સમજદારીથી વિવેક રાખીને થવું જોઈએ.

જીવનમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ પક્ષીની બે પાખો જેવી છે પક્ષી એક પાંખથી ઊડી શકે નહીં. તેમ જીવનમાં આ બંને વિવેકપૂર્ણ રહે. સારા કાર્યમાં પ્રવૃત્તિ વધે અને ખરાબ અનુચિત કાર્યોમાંથી છુટકારો મળે ત્યારે સમ્યક દર્શન સર્જાય છે. રાગ દ્વેષ, આ મારું આ તારું છે ત્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી.

કૃષ્ણમૂર્તિએ કહ્યું છે તેમ જીવન પરિવર્તનશીલ છે. માણસ પળે પળે બદલાય છે. બધું આપણી મરજી મુજબ થવાનું નથી. ખુલ્લું મન રાખીને કેટલીક વસ્તુઓનો સ્વીકાર કરવાનો હોય છે. આપણે કહીએ અથવા કરીએ તે સાચું છે એમ માનવાનું કોઈ કારણ નથી. આપણી જેમ બીજાઓ પણ સાચા હોઈ શકે છે.

માણસ જેટલું બીજાને સમજવાનો પ્રયાસ કરે છે તેટલો પોતાને સમજી શકે છે. પ્રેમ, મૈત્રી અને કરુણા જીવનના સ્ત્રોતો છે. આનાથી જીવન ધબકતું રહે છે. આપણે સારું જોઈ શકીએ,
સારું સાંભળી શકીએ, સારું કરી શકીએ, ખુલ્લા દિલથી હસી શકીએ અને નિસ્વાર્થ પ્રેમ કરી શકીએ તો બીજું કશું કરવાનું રહેતું નથી. આ સાચું સુખ છે. તેને શોધવાનું નહીં પણ તેનો અનુભવ કરવાનું જરૂરી છે.

બીજાના દુ:ખ કરતાં સુખમાં ભાગીદાર થવાનું કઠિન છે. અતિ સાધારણ ચિત્તની વ્યક્તિ પણ બીજાના
દુ:ખમાં સૂર પુરાવે છે પણ બીજાના સુખને પોતાનું સમજીને રાજી થવું અને તેની ઈર્ષા અને્ અદેખાઈ ન કરવી એ મુશ્કેલ બાબત છે. જે માણસ અંદરથી ખરેખર સુખી હશે તે બીજાના સુખનો સ્વીકાર કરશે. અને જે દુ:ખી હશે તે બીજાનું દુ:ખ જોઈને રાજી થશે. બીજાના માટે કાંઈક સારું કરવાનો અને મદદરૂપ થવાનો આનંદ અવર્ણનીય છે. જે લોકો નિસ્વાર્થભાવે દીન દુ:ખીઓના આંસુ લૂછે છે તેની પર પ્રભુની કૃપા એક યા બીજા સ્વરૂપે સદૈવ વરસતી રહે છે. દુ:ખી અને લાચાર માણસો માટે વહાવેલા આંસુ કદી પણ એળે જતા નથી.

કવીવર રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા છે. એક ભક્ત ભગવાન માટે ખૂબ રડ્યો પણ ભગવાનના દર્શન ન થયા. આંખો સુકાઈ ગઈ પણ ભગવાન તો આવ્યા જ નહીં. ત્યાં એકાએક કોઈએ બારણું ખટખટાવ્યું. ભક્તે બારણું ખોલ્યું અને સામે કોઈ તેજસ્વી વ્યક્તિને જોઈને પૂછ્યું આપ કોણ છો ? સામે જવાબ મળ્યો તું જેના માટે આંસુ સારતો હતો તે હું છું. ભક્તને નવાઈ લાગી. એ કહેવા લાગ્યો રડી રડીને હું થાકી ગયો પણ તમે આવ્યા નહીં. અને અત્યારે તો મારી પાસે આપને ધરવા માટે આંસુનાં ફૂલો પણ નથી. અત્યાર સુધી હું આંસુનાં ફૂલો ચડાવતો હતો પણ પ્રભુ તમે પધાર્યા નહીં. મારા બધા આંસુ નકામા ગયા.

ભગવાને કહ્યું કોઈના પ્રેમના આંસુ કદી નિષ્ફળ જતાં નથી. ચાલ મારી સાથે હું તને બતાવું કે આંસુની શી કિંમત છે. ભગવાન તેને સ્વર્ગમાં લઈ ગયા ત્યાં એક દ્વાર ખોલીને કહ્યું જો આ બગીચો તેમાં તારા આંસુ સંઘરાયેલા છે. બગીચામાં ફૂલો ખીલ્યાં હતાં. તે બતાવીને પ્રભુએ કહ્યું તે જેટલા આંસુ સાર્યા છે તે બધા સ્વર્ગમાં ફૂલ બનીને ખીલી ઉઠ્યાં છે. ભક્તના દરેક આંસુ અહીં ફૂલ બની જાય છે.
પ્રેમ, ભક્તિ અને સદભાવનાના આંસુ કદી એળે જતા નથી. પરમાર્થનું કોઈ પણ કાર્ય નિષ્ફળ જતું નથી. વહેલું કે મોડું તેનું શુભ પરિણામ ઊભું થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button