ચીનમાં કારચાલકે 35 લોકોને કચડ્યાં, 40થી વધુ ઘાયલ
બેઇજિંગઃ ચીનમાં અકસ્માતનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક પ્રૌઢે બેફામ કાર દોડાવી 35 લોકોને કચડી નાંખ્યા હતા. ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી વિગત પ્રમાણે, ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય પ્રૌઢે લોકોના ટોળા પર કાર ચડાવી દીધી હતી. જેમાં 35 લોકોના મોત થયા હતા અને 43 લોકો ઘાયલ થયા હતા. આ લોકો એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બહાર એકત્ર થયા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.
ઘટનાને અંજામ આપનારા વ્યક્તિએ ચપ્પુથી ખુદને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આપેલા નિવેદન મુજબ, કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. આ દુર્ઘટના હતી કે જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
દુર્ઘટના બાદ સડક પર જ્યાં નજર કરો ત્યાં લાશ અને લોહીના ખાબોચીયા જ દેખાતા હતા. મૃતકો પૈકી મોટાભાગના લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ઘણા લોકો દર્દથી કણસતા જોવા મળ્યા હતા. ઘટનાને લઈ આસપાસ હાજર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને દ્રશ્ય જોઈને હતભ્રત બની ગયા હતા. પોલીસ દ્વારા હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :ચીન-પાકિસ્તાન મળીને ભારત સામે રચી રહ્યા છે આ કાવતરું
ભારતમાં માર્ગ અકસ્માતને કારણે થતાં મૃત્યુના આંકડા જાણીને તમે પણ ચોંકી ઊઠશો, આંકડાઓ અનુસાર વર્ષ 2014થી 2023 સુધીના છેલ્લા એક દાયકામાં લગભગ 15.3 લાખ લોકોના મોત માર્ગ અકસ્માતોના કારણે થયા છે. આ મોતના આંકડા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની વસ્તી કરતાં વધુ છે અને લગભગ ભુવનેશ્વરની વસ્તી બરાબર છે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવા માટે તેની પ્રતિબદ્ધતાનો વારંવાર પુનરોચ્ચાર કર્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ આવા મૃત્યુને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે દેશમાં માર્ગ અકસ્માતમાં દર 10,000 કિલોમીટરે 250 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની વાત કરીએ તો આ આંકડા 57, 119 અને 11 છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ આંકડા અત્યંત ગંભીર છે.