શહીદ ભગતસિંહ ક્રાંતિકારી નહીં, પણ…: પાકિસ્તાનની કોર્ટની ‘નાપાક’ હરકત અંગે ભારત લાલઘૂમ…
નવી દિલ્હી: પાકિસ્તાનની પંજાબ સરકારે ભારતના બહાદુર અને ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહને આતંકવાદી જાહેર કર્યા છે. પંજાબ સરકારે લાહોરના શાદમાન ચોકનું નામ બદલવા અને તેમના સન્માનમાં પ્રતિમા સ્થાપિત કરવાનો વિરોધ કર્યો હતો. લાહોર વહીવટીતંત્રે અદાલતની તિરસ્કારની અરજીના જવાબમાં એક અહેવાલ સુપરત કર્યો, જેમાં ભગતસિંહને ગુનેગાર અને આજના સમયના આતંકી સાથે સરખામણી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટીએ આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે.
આ પણ વાંચો : Parliament Security Breach: આરોપી વિકીના ઘરમાંથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના પુસ્તકો મળ્યા
સ્વતંત્રતામાં ભગતસિંહની કોઈ ભૂમિકા નથી:
પાકિસ્તાનના એક અખબારના અહેવાલ મુજબ, આ સમગ્ર મામલો લાહોરના શાદમાન ચોકનું નામ ભગત સિંહના નામ પર રાખવાથી શરૂ થયો હતો. ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશને તેમની પ્રતિમા ચોકમાં સ્થાપિત કરવા માટે લાહોર હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. પંજાબ સરકારે આ અંગે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. પંજાબ સરકાર વતી ભૂતપૂર્વ સૈન્ય અધિકારી તારિક મજીદે પણ NGO પર ‘બનાવટી’ પ્રચાર કરીને ભગત સિંહને ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની તરીકે રજૂ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહની કોઈ ભૂમિકા નથી.
ભગતસિંહ ઇસ્લામિક વિચારધારાના દુશ્મન:
આટલેથી ન અટકતા તારિક મજીદે એમ પણ કહ્યું કે ભગતસિંહ ક્રાંતિકારી નહીં પણ ગુનેગાર હતા અને આજની વ્યાખ્યામાં તેઓ આતંકવાદી હતા. તેણે એક બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી અને આ ગુના માટે ભગતસિંહ અને તેના બે સાથીઓને ફાંસી આપવામાં આવી હતી. મજીદે દાવો કર્યો હતો કે ભગતસિંહ પાકિસ્તાનના વિદેશી હતા અને તેની ઇસ્લામિક વિચારધારાના દુશ્મન હતા. એટલું જ નહીં, તેમણે સરકારને પાકિસ્તાનની વિચારધારા વિરુદ્ધ કામ કરતા ભગત સિંહ ફાઉન્ડેશન પર પ્રતિબંધ મૂકવાની પણ વિનંતી કરી.
આ પણ વાંચો : હત્યા કે આત્મહત્યા ? Etawahમાં સોના-ચાંદીના વેપારીની પત્ની અને ત્રણ બાળકોની લાશ મળી
કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ પાર્ટીના સાંસદે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ ગુરજીત સિંહ ઓજલાએ કહ્યું કે પાકિસ્તાન સરકારે આ મામલે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે ઈતિહાસમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બધાએ સાથે મળીને લડાઈ આપી હતી. પાકિસ્તાનમાં ક્યારેય આવી વાત કરવામાં નથી આવી. ત્યાં પણ ભગતસિંહનું નામ ખૂબ આદર સાથે લેવામાં આવ્યું છે. હું સરકારના આ નિવેદનની સખત નિંદા કરું છું.