રાવસાહેબ દાનવેએ કાર્યકરને લાત મારીને ફોટો ફ્રેમમાંથી બહાર કાઢ્યો કે બીજું કાંઈ, વીડિયો વાઈરલ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Assembly Election)ની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયેલું છે. દરેક પક્ષના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાનવે ફોટો ફ્રેમમાં આવતા એક કાર્યકરને લાત મારતા જોવા મળે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ દાનવે વિવાદમાં આવી ગયા છે.
વાઈરલ વીડિયો સોમવારનો છે. દાનવેએ કોઇ કાર્યકરને લાત મારી એ ઘટનાને કોઇએ કેમેરામાં કેદ કરી લીધી હતી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિવાદ જાગ્યો છે અને વિપક્ષને ભાજપની ટીકા કરવાની તક મળી ગઈ છે. વિપક્ષોએ દાનવેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
શિવસેના (UBT)ના જિલ્લા પ્રમુખ ભાસ્કર આંબેકરે આ ઘટના પર દાનવેની ટીકા કરતા જણાવ્યું છે કે જો મહારાષ્ટ્રમાં નેતા તેમના કાર્યકર્તાઓને લાત મારી રહ્યા છે તો હવે લોકોએ વિચારવું જોઇએ કે મહારાષ્ટ્રની કેટલી અધોગતિ થઇ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેના અંગે કંઈક અલગ જ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી.
આ પણ વાંચો :Jharkhand વિધાનસભા ચૂંટણી પૂર્વે ઇડી એક્શનમાં, આ કેસમાં 17 સ્થળોએ દરોડા
જોકે, વીડિયો વાઈરલ થયા પછી લાત ખાનાર વ્યક્તિ શેખ અમાદે દાવો કર્યો હતો કે તે દાનવેનો મિત્ર છે. વિરોધી પક્ષના લોકો રાવસાહેબ દાનવે વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ દાનવેએ તેને ફોન કર્યો હતો અને સાથે ડિનરની વાત કરી હતી. અમારા સંબંધો અલગ છે. દાનવે જાલના વિધાનસભાની સીટ પરથી મહાયુતિના ઉમેદવાર અર્જુન ખોતકરને મળવા પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
આ ઘટના પર શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , “રાવસાહેબે ફૂટબોલમાં હોવું જોઈએ. આ વીડિયો વાયરલ થયા બાદ દાનવેને લોકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કહે છે કે આટલું અભિમાન યોગ્ય નથી, ઘણા લોકોએ દાનવેને ઘમંડી પણ જાહેર કરી દીધા છે.