નિલેશ વાઘેલા
મુંબઈ: ભારતીય શેરબજાર પર ફરી એકવાર મંદીવાળા હાવી થઇ ગયા અને આજે સહેજ મજબૂતી સાથે ખૂલેલા બજારને નેગેટિવ ઝોનમાં ધકેલી દીધું. બેન્કિંગ અને ઓટો શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને બેનાચમાર્કમાં મંગળવારે એક ટકા જેવો ઘટાડો નોંધાયો છે. વ્યાપક બજારોમાં મિડ અને સ્મોલ શેરોમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું હતું.
કોર્પોેરેટ ક્ષેત્રના નબળા પરિણામો અને વિદેશી ફંડોની એકધારી વેચવાલીની ચિંતાને કારણે સતત ચોથા સત્રની પીછેહઠમાં સેન્સેક્સ ૮૨૧ પોઇન્ટના મસમોટા ગાબડાં સાથે ૭૮૬૭૫ની નીચી સપાટીએ પટકાયો હતો જ્યારે નિફ્ટી ૨૫૮ પોઇન્ટના કડાકા સાથે ૨૪,૦૦૦ની અંદર ઉતરી ગયો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, મંગળવારના સત્રમાં મજબૂત શરૂઆત કર્યા પછી, મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ બપોર સુધીમાં નકારાત્મક ક્ષેત્રમાં સરકી ગયા, કારણ કે ઓટો અને એફએમસીજી શેરોમાં તીવ્ર ઘટાડાથી બજારના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો. વિદેશી રોકાણકારોનો તીવ્ર આઉટફ્લો, ઊંચા વેલ્યુએશન અને બીજા કવાર્ટરના નબળા પરિણામો વચ્ચે બજારનું માનસ ખરડાઇ રહ્યું છે અને રોકાણકારોમાં સાવચેતીનું માનસ છે.
આ પણ વાંચો : Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસમાં 148 પોઇન્ટનો ઉછાળો
સત્રને અંતે સેન્સેક્સ ૮૨૦.૯૭ પોઈન્ટ અથવા ૧.૦૩ ટકા ઘટીને ૭૮,૬૭૫.૧૮ પોઇન્ટવી સપાટી પર અને નિફ્ટી ૨૫૭.૮૫ પોઈન્ટ અથવા ૧.૦૭ ટકા ઘટીને ૨૩,૮૮૩.૫૦ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૧૧૫૫ શેર વધ્યા હતા અને ૨૬૪૧ શેર નીચી સપાટીએ ગબડ્યાં હતા, જ્યારે ૯૩ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.