ધર્મતેજ

શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ

જીવનનું અમૃત -ભાણદેવ

૧૭
ભૂમિકા:
असितगिरिसमं स्याद् कज्जलम् सिंधुपात्रे
सुरतरुवर शाखा लेखिनी पत्रमुर्वीम्।
लिखति यदि गृहित्वा शारदा सर्वकालम्
तदपि तव गुणानामिश पारं न याति॥

“હે પરમાત્મા! સમુદ્રરૂપી પાત્રમાં શ્યામરંગી પહાડની શાઈ બનાવીને કલ્પતરુની શાખાની લેખિની બનાવીને, સમગ્ર પૃથ્વીનો કાગળ બનાવીને શારદા સર્વકાળ પર્યંત લખ્યા કરે તોપણ તારો ગુણોનો પાર આવી શકે તેમ નથી!

ભગવાન શ્રીકૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. તેમના અગાધ સ્વરૂપનું કથન કોણ કરી શકે? તેમના અનંત ગુણોનો પાર કોણ પામી શકે?

આમ છતાં એક વાત છે. અવતારમાં બે ચેતના હોય છે – ભાગવત ચેતના (Divine Consciousness) અને માનવચેતના (Human consciousness). ભાગવત ચેતના શબ્દાતીત છે; મનસાતીત છે, અનંત છે; અગાધ છે. શબ્દો દ્વારા તેમનું કથન કરવાનું વેદોપનિષદનું પણ સામર્થ્ય નથી; તો મારું શું ગજું?

અને અવતારની માનવચેતના? અવતારની માનવચેતના પણ નાનીસૂની નથી. તે ચેતના પણ અવતારનું જ એક પાસું છે અને તદ્નુસાર અવતારની માનવચેતના પણ અગાધ છે, અસીમ છે; કારણ કે તે પણ અવતારનું જ એક પાસું છે. અવતારની માનવચેતના પણ માનવચિત્તની પકડમાં આવી શકે તેમ નથી.

આમ છતાં બીજી પણ એક વાત છે. અવતારનું રૂપચિંતન, ગુણચિંતન, લીલાચિંતન તો આપણે કરી શકીએ ને!

કાંઈક આવા ભાવથી ભગવાન શ્રીકૃષ્ણના માનવીય પાસાંનાં પ્રધાન તત્ત્વોનું અહીં કથન કરવાનો ઉપક્રમ છે.

શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ બહુ આયામી છે.

અમારી લઘુમતી અનુસાર આ ભવ્ય-દિવ્ય વ્યક્તિત્વનાં થોડાં પાસાંઓનું લઘુકથન અહીં પ્રસ્તુત છે.

૧. સુંદર, સૌષ્ઠવયુક્ત દેહ
ભગવાન શ્રીકૃષ્ણના દેહનું સૌંદર્ય અને સૌષ્ઠવ અપ્રતિમ છે.

ભગવાન શ્રીકૃષ્ણની ઊંચાઈ સાડા છ ફૂટ છે. ભગવાનના દેહના પ્રત્યેક અંગ-ઉપાંગ સપ્રમાણ અને સવૉંશે નમણાં છે. શ્યામવર્ણમાં પણ આ સૌંદર્ય અંગ-ઉપાંગોને ભેદીને બહાર નીકળી રહ્યું છે.
આ સર્વાંગસુંદર વપુ જોઈને નંદબાબા અને યશોદામા તો રાજીરાજી થઈ ગયાં છે અને ગોપીઓ તો ઘેલીઘેલી થઈ ગઈ છે.

ભગવાન વ્યાસ બાલકૃષ્ણના કમનીય શરીરનું વર્ણન કરતાં કહે છે-
बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णीकारं
बिभ्रद वासः कनक कपिशं वैजयन्तीं च मालाम्।
रन्ध्रान् वेणोरधर सुधया पूरयन गोपवृन्दै-
र्वृदारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः॥

  • श्रीमद् भागवत्; 10-21-5

ગોપીઓ કહે છે-
“ભગવાન શ્રીકૃષ્ણ ગોપબાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના શિર પર મયૂરપિચ્છ છે. કાનોમાં કર્ણિકારનાં પુષ્પો છે અને શરીર પર સોનેરી પિતાંબર ધારણ કર્યું છે. ગળામાં વૈજયંતીમાળા ધારણ કરેલી છે. શ્રેષ્ઠ નટ જેવું સુંદર શરીર છે. બંસરીના છિદ્રોમાં તેઓ અધરામૃત ભરી રહ્યા છે. તેમની પાછળ-પાછળ ગોપબાળકો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યાં છે. આ રીતે વૃંદાવન તેમનાં ચરણોથી અધિક અને અધિક રમણીય બની ગયું છે.

અમારા આ શ્યામ માત્ર શ્યામ નથી, પરંતુ શ્યામસુંદર છે. તેથી તેમને સુંદરવર શામળિયા પણ કહે છે.

સૌંદર્ય શું છે?

સૌંદર્ય એટલે સ્થૂળમાં અભિવ્યક્ત થયેલો ભગવાન! અંદર ચેતનાનું જે સ્વરૂપ છે, તે જ શરીરમાં અભિવ્યક્ત થાય છે. જે અંદર છે, તે જ બહાર જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણની અંદર શું છે – ભાગવત ચેતના – પરબ્રહ્મ પરમાત્મા! તે જ બહિરંગ શરીરમાં અભિવ્યક્ત થાય છે. તો શ્રીકૃષ્ણના શરીરના સૌંદર્ય વિશે શું કરેવું? પરમ સૌંદર્ય જ અહીં દેહ ધારણ કરીને પ્રગટ થયેલ છે!

૨. પરમ પ્રેમાસ્પદ શ્રીકૃષ્ણ
બાળકૃષ્ણ વ્રજવાસીઓને
કેવા વહાલા? કેટલા વહાલા? આ નાનકડો નટખટ કનૈયો વૃંદાવનમાં યશોદામાને, નંદબાબાને, ગોપબાળકોને, ગોપીઓને, ગોપોને, આબાલવૃદ્ધ સૌને ખૂબખૂબ વહાલો લાગે છે. શા માટે? કારણ કે મારા કૃષ્ણ એવા જ છે! એવા એટલે કેવા? પરમ પ્રેમાસ્પદ! ભગવાન શ્રીકૃષ્ણ માત્ર વૃંદાવનવાસીઓને જ નહિ, મથુરાવાસીઓને પણ વહાલા-વહાલા લાગે છે. વાસુદેવ-દેવકીને તો જન્મજન્મથી વહાલા છે. દ્વારિકાવાસીઓ માટે તો શ્રીકૃષ્ણ પરમ રક્ષક છે, પરમ પ્રેમાસ્પદ છે. અષ્ટપટ્ટરાણીઓ માટે તો જીવન છે.
બલરામજી માટે?

મહાભારતના યુદ્ધ વખતે બલરામજીનાં મન અને મત કૌરવપક્ષે હતાં. દુર્યોધન પ્રત્યે તેમને વિશેષ ભાવ હતો. આમ છતાં યુદ્ધ દરમિયાન બલરામજી કૌરવપક્ષે જોડાયા નથી. શા માટે?
બલરામજી કહે છે-
“કૃષ્ણ પાંડવપક્ષે છે અને કૃષ્ણ તો મારું હૃદય છે, કૃષ્ણ તો મારા પ્રાણ છે. કૃષ્ણ જે પક્ષે હોય તે પક્ષથી સામેના પક્ષે લડવાનું મારાથી ન જ બને, કદી ન બની શકે! કૃષ્ણથી અધિક મારા માટે આ ધરતી પર કશું જ નથી, કોઈ જ નથી!

અને આપણે જાણીએ છીએ કે બલરામજીએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો નથી. વિદુરજીની જેમ બલરામજી પણ યાત્રા માટે ચાલ્યા ગયા!
ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને, સુદામાજીને, અર્જુનજીને, દ્રૌપદીજીને, પાંડવોને, કુંતાજીને, વિદુરજીને, પિતામહ ભીષ્મને અને તે કાળના આર્યાવર્તની સર્વ પ્રજાને અપરંપાર પ્રિય હતા.
તે કાળની પ્રજાને જ શા માટે? શ્રીકૃષ્ણ તો મીરાંને, ચાંડાલને, નરસિંહ મહેતાને, ચૈતન્ય મહાપ્રભુને, જ્ઞાનેશ્ર્વર મહારાજને અરે! ભારતવર્ષની સર્વ પ્રજાને સર્વકાળે પ્રિય, અતિ પ્રિય લાગ્યા છે.
ભારતવર્ષની પ્રજાને જ નહિ, વિશ્ર્વભરની સર્વ પ્રજાને મારા શ્રીકૃષ્ણ સર્વ કાળે પરમ પ્રેમાસ્પદ લાગે છે, લાગ્યા છે અને લાગતા જ રહેશે; કારણ કે શ્રીકૃષ્ણ સ્વરૂપત: પરમ પ્રેમાસ્પદ છે!

૩. બંસીધર શ્રીકૃષ્ણ
ભગવાન શ્રીકૃષ્ણ બંસી વગાડે ત્યારે શું થાય?
ત્યારે બ્રહ્માંડ ડોલી ઊઠે! ત્યારે ગોપીઓ દોડે! ત્યારે ગોપબાળકો દોડે! ત્યારે ગાયો દોડે! ત્યારે યમુનાનાં પાણી સ્થિર થઈ જાય!(ક્રમશ:)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button