પ્લેસમેન્ટ માટે નવા કપડાં સિવડાવવા ગયેલા યુવાનની નજીવી બાબતે હત્યાથી ખળભળાટ
અમદાવાદઃ ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરી વાહન ચલાવતા વાહનચાલકો તમે બીજા શહેરોમાં પણ મળી જશે. ગુજરાતનું અમદાવાદ પણ આનાથી પર નથી. હાઈ કોર્ટે ટ્રાફિક પોલીસને આ મામલે ઘણા નિર્દેશો પણ આપ્યા છે, પરંતુ વાહનચાલકોની પોતાની પણ જવાબદારી હોય છે. જોકે અમદાવાદમાં આવા જ એક બેદરકાર વાહનચાલકને વાહન બરાબર ચલાવવાનું કહેનારા યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ખૂબ જ ચોંકાવનારી આ ઘટનામાં 23 વર્ષના એક એમબીએ યુવાનનું ચાકુ મારીને હત્યા થઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો યુવાન પ્રિયાંશ જૈન Mudra Institute of Communications (MICA)માં એમબીએ કરતો હતો. કૉલેજમાં પ્લેસમેન્ટ હોવાથી તે પોતાના માટે નવો સૂટ સિવડાવવા વિરાજ મહાપાત્ર નામના મિત્ર સાથે ટુ વ્હીલરમાં દરજી પાસે ગયો હતો. બોપલ વિસ્તારમાં એક લક્ઝરી કારના ડ્રાયવરે જોખમી ટર્ન લેતા એક્સિડન્ટ થતા બચી ગયો, જેથી પાછળ બેસેલા પ્રિયાંશે તેને જોઈને ચલાવવા કહ્યું. ડ્રાયવરે તેનો પીછો કર્યો અને વિરાજને વાહન રોકવા કહ્યું. વાહન રોકાતા જ તે બહાર આવ્યો અને બન્ને વચ્ચે દલીલ થઈ. જરાવારમાં જ કારમાંથી તેણે બે ચાકુ કાઢ્યા અને બન્ને પ્રિયાંશના પેટમાં અને પછી પીઠમાં ભોકી દીધા. વિરાજ બચાવી ન શક્યો. કાર ડ્રાયવર ત્યાંથી નાસી છૂટ્યો. વિરાજે મદદ માટે લોકોને અપીલ કરી ત્યારે માત્ર એક મહિલા પોતાની કાર સાથે રોકાઈ અને તેને હૉસ્પિટલ પહોંચાડ્યા, તેમ ફરિયાદી વિરાજે પોલીસને જણાવ્યું હતું. પ્રિયાંશને ત્યાંથી કોર્પોરેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધો હતો. પ્રિયાંશને પેટ અન આંતરડામાં ખૂબ જ ભારે ઈજા થઈ હતી.
પોલીસે અજાણ્યા કાર ડ્રાયવર સામે હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. એક અહેવાલ અનુસાર બોપલ જેવા બિઝી એરિયામાં સીસીટીવી ન હોવાથી પોલીસ માટે કામ અઘરું બન્યું છે.
આ પણ વાંચો…..Surat પોલીસે દેશભરમાં કરોડોના ડિજિટલ ફ્રોડમાં સંડોવાયેલી ચીની ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી
બીજી બાજુ મેરઠનો આ યુવાન નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયો ત્યારે દરજી સાથે મજાક કરી સારો સ્યૂટ સિવવા કહેતો હતો, તેમ દરજીએ જણાવ્યું હતું. બે ત્રણ દિવસ પહેલા જ દિવાળીની રજાઓ પૂરી કરી અમદાવાદ આવેલા પ્રિયાંશ અને તેના પરિવારે ક્યારેય વિચાર્યુ નહીં હોય કે આ તેમની સાથે ઉજવાયેલી છેલ્લી દિવાળી અને તેમની છેલ્લી મુલાકાત સાબિત થશે.