મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં રોકાણ ટ્રાન્સફર થતું હોવાના રાહુલ ગાંધીના દાવાનું જયરામ રમેશે કર્યું સમર્થન, કહી આ વાત…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાંથી રોકાણ ગુજરાતમાં ટ્રાન્સફર થઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ પણ તેના સમર્થનમાં આવ્યા છે. જયરામ રમેશે કહ્યું, ભાજપે મહારાષ્ટ્રના બદલે ગુજરાતમાં પ્રોજેક્ટ ટ્રાન્સફર કર્યાના મજબૂત પુરાવા છે.
આ પણ વાંચો : અપક્ષો-બળવાખોરો પાસે સત્તાની ચાવી?
ભાજપે રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમણે ટિપ્પણી કરી હતી. રમેશ મુજબ, કેટલાક ઈન્વેસ્ટમેન્ટ અને પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતમાં જઈ રહ્યા છે. તેઓ શેની ફરિયાદ કરી રહ્યા છે. રાહુલ ગાંધી જ નહીં દરેક લોકો આ કહી રહ્યા છે. અખબારોમાં પણ આ અંગેના અહેવાલ છપાયા હતા. ભાજપ રોકાણકારોને તેમના પ્રોજેક્ટ ગુજરાત ટ્રાન્સફર કરવા દબાણ કરતી હોવાનો પણ જયરામ રમેશે આરોપ લગાવી કહ્યું, જે લોકો મહારાષ્ટ્રમાં રોકાણ કરવા ઈચ્છે છે તેમને ડરાવવા ન જોઈએ. મહારાષ્ટ્ર પાસે રોકાણને પ્રોત્સાહન આપવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.
ભાજપ માત્ર એક જ વાત સમજે છેઃ જયરામ રમેશ
ભાજપના ‘બટોંગે તો કટેંગે’ અને ‘એક રહેંગે તો સેફ રહેંગા’ના નારા પર તેમણે કહ્યું, તેમનો માત્ર એક જ એજન્ડા છે. 2024ની ચૂંટણીમાં તેમણે શું કર્યુઁ? મંગળસૂત્ર, ભેંસ.. તેઓ માત્ર એક જ વાત જ સમજે છે. જ્યારે ચૂંટણી આવે અને પ્રચાર શરૂ થાય ત્યારે તેઓ માત્ર ધ્રુવીકરણ કરવાનું જાણે છે. મોટા પાયે સાંપ્રદાયિક ઝેર ફેલાવવાનું કામ કરે છે. ભાજપ ખેડૂત, મહિલાઓ, યુવાનો, એસસી, એસટી તથા ઓબીસીના મુદ્દા અંગે નહીં પરંતુ માત્ર સામાજિક ધ્રુવીકરણ કરે છે. તેમનો આ એક માત્ર એજન્ડા છે.
આ પણ વાંચો : ભાઈનો પ્રચાર કરતી વખતે અભિનેતા રિતેશ દેશમુખે શું કહ્યું, જાણો?
ઝારખંડમાં ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દા પર કોંગ્રેસ નેતાએ કહ્યું, આને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. તેઓ જલ, જમીન અને જંગલ અંગે નથી બોલતા. અમને વિશ્વાસ છે કે જનતા સાંપ્રદાયિક ઝેર ફેલાવતી રાજનીતિનું સમર્થન નહીં કરે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને ઝારખંડમાં ઝામુમો-કૉંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ અને નિર્ણાયક જનાદેશ મળશે.