ધર્મતેજ

શ્રદ્ધાપૂર્વક કરો શ્રાદ્ધ

પ્રાસંગિક -હેમંતવાળા

સનાતન ધર્મમાં પુત્ર તથા પુત્રીનું મહત્ત્વ છે. પુત્ર કે પુત્રી એટલે પુ નામના નર્કમાથી તારનાર વ્યક્તિ. આ વ્યક્તિ પુરૂષ હોય તે જરૂરી નથી, ક્ધયા પણ આ પ્રમાણેની વિધિ કરી શકે છે. પિતૃ શબ્દ પૂર્વજો સાથે તો સંકળાય છે જ પણ સાથે સાથે ચોક્કસ પ્રકારની અર્ધ દૈવી શક્તિ સાથે પણ તેમની ગણના થાય છે. મનુસ્મૃતિ, મહાભારત, ગરુડ પુરાણ જેવા શાસ્ત્રોમાં પિતૃ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મૃત્યુ બાદ પિતૃઓ નાશ નથી પામતા, માત્ર તે જુદા જ સ્વરૂપે જુદા જ લોકમાં વાસ કરે છે. એમ કહેવાય છે કે સામાન્ય સંજોગોમાં મૃત્યુના ૧૨ દિવસની અંદર આત્મા પોતાના કર્મો અનુસાર નવો દેહ ધારણ કરી લે. પણ જો આ આત્મા શુદ્ધતા તરફ વળેલો હોય તો અને તેમના કર્મના સમીકરણો લગભગ નાશ પામ્યા હોય તો તે ફરીથી જન્મ લેવાને બદલે પિતૃલોકમાં વાસ કરે છે. અહીં બાકી રહેલા બહુ થોડા કર્મના સમીકરણોને તે પૂર્ણ કરી પૂર્ણ લોક તરફ વિચરણ કરે છે. આ વચગાળાના તબક્કામાં તેમની બાકી રહેલી થોડી સંવેદનાઓ તથા ભાવનાઓની પૂર્તતા માટે પોતાના સંતાનો પ્રત્યે અપેક્ષા રાખે છે. આવી અપેક્ષાઓ પૂરી થતાં તેઓ બધા જ સમીકરણમાંથી મુક્ત થઈ જાય છે. આ અપેક્ષાઓ પૂરી કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ-પર્વ. દરેક સંતાનની એ નૈતિક ફરજ ગણાય કે પોતાના પિતૃઓ ની બાકી રહેલી થોડી અપેક્ષાઓ પૂરી કરે.

એક સમાધાન પ્રમાણે પિતૃલોકને યમરાજા નિયંત્રિત કરે છે. એમ પણ કહેવાય છે કે પિતૃ લોક આર્યમા નામના પિતૃથી નિયંત્રિત કરાય છે. આ આર્યમાને ૧૨ આદિત્યમાના એક ગણવામાં આવે છે. તેથી જ કદાચ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગમાં ઈશ્વર પોતાની જાતને પિતૃઓમાં આર્યમા તરીકે ગણાવે છે. અહીં એમ સ્થાપિત થાય છે કે પિતૃઓમાં તે શ્રેષ્ઠ છે અને જેમ શ્રીકૃષ્ણની ભક્તિ વિવિધ સ્વરૂપે શક્ય છે તેમ આર્યમાના સ્વરૂપે પણ તે સ્વીકાર્ય છે. શ્રાદ્ધ પક્ષમાં યમરાજા સાથે તેમની પણ પૂજા કરવાની પરંપરા છે. એક સમાધાન પ્રમાણે પિતૃઓની પૂજામાં સ્વયં શ્રીવિષ્ણુની જ ઉપાસના કરાય છે.

પિંડદાન કરવું અને શ્રાદ્ધ નાખવું એ બે ભિન્ન વસ્તુ છે. સામાન્ય રીતે પિંડદાન મૃત્યુ પછી કરવામાં આવતી ક્રિયા છે જ્યારે શ્રાદ્ધ એ દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષમાં કરવામાં આવતું પિતૃદાન છે. આમાં જે તે સમાજની સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ચોક્કસ પ્રકારની ખાવાની સામગ્રી સાથે જે તે પિતૃને અતિપ્રિય ભોજન તૈયાર કરી કાગવાસ નું ઉચ્ચારણ કરી, કાગડાના સ્વરૂપે હાજર થતા પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. ક્યારેક આ ભોજન ગાય તથા શ્ર્વાનને પણ ધરાવવામાં આવે છે. પિતૃઓ આની અપેક્ષા રાખે છે. સ્થાપિત થયેલી માન્યતા પ્રમાણે આનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનોને ઇચ્છિત વર આપે છે. લગભગ સાત પેઢી સુધીના માતા તથા પિતાના પૂર્વજોની ગણના પિતૃઓ તરીકે કરાય છે. એમ મનાય છે કે પિતૃલોકના પણ સત્વ, રજસ, તથા તમ એમ ત્રણ સ્તર છે અને ૧૦૮ વાર શિવ-ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પ્રત્યેક પિતૃ પ્રસન્ન થાય છે.

શબ્દ શ્રાદ્ધ એ શ્રદ્ધા પરથી નિર્ધારિત થયો છે. શ્રદ્ધા એટલે આધ્યાત્મિક વિશ્ર્વાસ અને માન્યતા. શ્રાદ્ધ પક્ષની પ્રત્યેક ક્રિયા શ્રદ્ધા અને વિશ્ર્વાસથી ભરેલી હોવી જોઈએ. શ્રાદ્ધ કરવું એ કંઈ સામાન્ય ભૌતિક ક્રિયા નથી. પિતૃઓની ઉપાસનાનો એ એક પ્રકાર છે. તેમાં યમ અને નિયમ જળવાઈ તે બહુ જરૂરી છે. દરેક પ્રકારની સ્વચ્છતા તેની ભૂમિકા છે. પિતૃઓ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો ભાવ સૌથી અગત્યનો છે.

કવ્યવાહ, અનલ, સોમ, યમ, આર્યમા જેવા અનેક પિતૃઓ છે અને તેમની વિવિધ શ્રેણીઓ છે. એ બધાના ઊંડાણમાં જવાને બદલે તેની પાછળનો પ્રારંભિક તર્ક સમજવાની જરૂર છે. ગીતામાં જણાવ્યા પ્રમાણે આત્મા નથી જન્મતો કે નથી નાશ પામતો, માત્ર તે એક સ્વરૂપને સ્થાને બીજું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે કોઈ પુણ્યશાળી પૂર્વજ નિધન પામે ત્યારે બની શકે કે ફરીથી મનુષ્યલોકમાં જન્મ લેવો પડે તેવા તેમના કર્મ ન હોય અને સાથે એમ પણ ન હોય કે તે મુક્તિને પામી જાય. આવા સંજોગોમાં એક વચગાળાની વ્યવસ્થા ઊભી થાય જ્યાં તે પિતૃ-આત્મા પૂર્ણતા પામે ત્યાં સુધી તે સ્થિતિમાં રહે અને સમય જતા આગળનો પ્રવાસ શરૂ કરે. સામાન્ય સમજ પ્રમાણે આ પિતૃલોક. અહીં રહેનાર પુણ્યત્માઓ એટલે પિતૃઓ. તેમને તે સ્થિતિમાંથી આગળ લઈ જનાર વંશજ એટલે પુત્ર કે પુત્રી. તેમના દ્વારા કરાતી ઉપાસના એટલે શ્રાદ્ધપક્ષના ક્રિયાકાંડ.

એમ બની શકે કે અત્યારની પેઢી આ પ્રકારના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનને ન માને. પણ અહીં નાનકડું સૂચન એવું છે કે, વર્ષોની પરંપરા પાછળ ચોક્કસ કારણો હોય છે. મન પોતાની સીમિતતાને કારણે આ કારણો પામવા અસમર્થ રહે છે. આપણે બધા જાણીએ છીએ કે મન પોતાની મર્યાદાની અંદર જ કાર્યરત રહે છે. આવા સંજોગોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા ને ચાલુ રાખવામાં જો કોઈ હાનિ ન હોય તો શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ. આમ ન કરવાથી જો કોઈ મોટો ફાયદો થવાનો હોય તો જુદી વાત છે. પણ તેમ નથી જ. એ વાત તો ચોક્કસ છે કે હજારો વર્ષ જૂની આપણી પરંપરા એમ કંઈ એક બે પેઢીના ન માનવાથી અટકી નહીં પડે. કાલની પેઢી ફરીથી પાછી પરંપરા નું મહત્વ સમજી આગળ વધશે.

હેમંત વાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button