શિયાળાની ઋતુ તમારી ત્વચારી રંગત ઊડાડી દે તે પહેલા આ ટીપ્સ અજમાવો
સખત ગરમી અને બફારાથી કંટાળેલા લોકો હવે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. હજુ શિયાળાએ દસ્ત દીધી નથી, પરંતુ વહેલી સવારે અને મોડી સાંજે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શિયાળો તાજગી લાવે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ જો બરાબર ધ્યાન આપવામાં ન આવે તો શિયાળામાં વાળ અને ત્વચા રૂખાસૂકા, બેજાન થઈ જાય છે. હોઠ ફાટવા, પગની એડી ફાટવી, ચામડી ખેંચાવી, ખંજવાળ આવવી વગેરે સમસ્યાઓ પણ શિયાળા સાથે આવે છે. તો અમે તમને અમુક એવી ટીપ્સ આપીએ છીએ, જે અત્યારથી જ તમે અમલમાં મૂકશો તો શિયાળામાં પણ તમારી ત્વચા ચમકશે.
મોટાભાગે લોકો આ ઋતુ દરમિયાન અલગ અલગ ક્રીમ અને લોશન વાપરે છે, જેમાં કેમિકલ્સ હોય છે અને બજારમાં તે ઘણા મોંઘા ભાવે મળે છે અને સાથે પરિણામ પણ આવતું નથી, ત્યારે જો તમારા રસોડાની જ વસ્તુઓ વાપરી તમે ત્વચાની સંભાળ રાખી શકતા હો તો શું ખોટું.
દેશી ઘી
દેશી ઘી ખાવાનો સ્વાદ તો વધારે છે પણ તમારી ત્વચા માટે પણ વરદાનથી ઓછું નથી. શુદ્ધ દેશી ઘી તંદુરસ્ત ચરબી અને ઘણા વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે જે ત્વચાને ચુસ્ત રાખે છે અને તેને પોષણ આપે છે. ઘી ત્વચાને શુષ્કતાથી બચાવવાની સાથે તેને ચમકદાર અને મુલાયમ બનાવવાના ગુણ પણ ધરાવે છે. તમે રસોડામાં રાખેલા ઘીનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ તેને ત્વચા પર લગાવવા માટે પણ કરી શકો છો. દેશી ઘીથી ચહેરા પર માલિશ કરવાથી ત્વચાનું રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.
કાચું દૂધ
ત્વચા પરથી ડ્રાયનેસ હટાવવા માટે કાચું દૂધ ખૂબ જ સારું છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ચરબી અને પ્રોટીન હોય છે. કાચું દૂધ એક વાટકીમાં લઈ તેમાં રૂ પલાળી તમે આખા ચહેરા પર મસાજ કરશો તો પંદરેક દિવસમાં તમને પરિણામ મળી જશે. કાચા દૂધમાં લેક્ટિક એસિડ પણ હોય છે જે ત્વચાના ડાઘ અને ફોલ્લીઓને હળવા કરે છે.
મધ
મધ ઘણા રોગમાં કામ આવતી ઔષધી પણ છે. રોજ મધ અને લીંબુ લેવાથી શરીરને ઘણા ફયદા થાય છે અને ચહેરા પર મધ લગાવવાના પણ ઘણા ફાયદા છે. મધ લગાવવાથી ત્વચાના ઘા, ફોલ્લીઓ અને પિમ્પલ્સ મટે છે. જોકે મધનો ઉપયોગ કરી ફેસપેક બનાવી મધ લગાડી શકાય. ચહેરા પર મધ લગાવી અડધી કલાક બાદ તેને પાણીથી સાફ કરી લો.
નાળિયેર તેલ
નાળિયેર તેલનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કેટલો સારો તે અંગે મતમતાંતર છે, પરંતુ શુદ્ધ નાળિયેર તેલ ત્વચાને ફાયદા કરે જ છે તેમ કહેનારા નિષ્ણાતોની સંખ્યા વધારે છે. તે તમારી ત્વચા પર કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. તે ત્વચાને ડ્રાયનેસથી બચાવે છે. તમે નારિયેળનું તેલ સીધું ત્વચા પર લગાવી શકો છો અથવા તમે તેમાં ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
વિશેષ નોંધઃ આ તમામ પ્રયોગ આપના નિષ્ણાતોની સલાહ અનુસાર કરવા.