તરોતાઝા

પાચનતંત્રની બીમારીને ઓળખી લો…

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

શરીરમાં રોગોત્પત્તિ કારણ વિના થતી નથી. આપણને થતા રોગના જવાબદાર મહદ્અંશે આપણે ખુદ જ હોઈએ છીએ. પાચનતંત્ર સંબંધી રોગ મોટા ભાગે રસાસ્વાદ, આળસ, ગાફલાઈ, આપણી અણઆવડત અને અનિયમિત જીવનશૈલીના કારણે જ થતા હોય છે. 

આહાર પેટમાં ગયા બાદ તેની શું પ્રક્રિયા થાય છે  તે વિશે આપણે બધું જ જાણવા સક્ષમ નથી, પરંતુ કુદરત  આપણને જમેલા આહારની શરીર પર શું અસર થાય છે તેના નવા નવા અનુભવો રોજ કરાવતી રહે  છે. આપણે તે અનુભવોને અવગણીને સ્વાદને આધીન થઈ, ખોટી જીવનશૈલીનો સ્વીકાર કરીને સ્વેચ્છાનુસાર જીવીએ છીએ. અરે…! પોતાને ભણેલા અને સુશિક્ષિત માનતા એવા લોકો પણ જમવાની બાબતમાં અભણની માફક વર્તે છે. આપણે વર્ષો સુધી શરીરને અવગણીને મનધાર્યું કરતા રહીએ છીએ અને તેથી જ પાચનતંત્ર સંબંધી રોગના શિકાર બનીએ છીએ.


Aslo read: તંદુરસ્તી-મનદુરસ્તી ઃ પ્રાણાયામની સાથે યોગાસનનો અભ્યાસ…


આમ આપણને નિજઅનુભવનો અનાદર કરવાની ટેવ પડી ગઈ છે અને તેથી જ પાચનતંત્ર સંબંધી નાની એવી તકલીફને અવગણીને ‘હું તો નિરોગી જ છું’ એવા ખોટા વહેમમાં જીવીએ છીએ, પરંતુ આ પાચનતંત્ર સંબંધી નાની એવી બીમારી જ શરીરમાં થતા અનેક રોગની જનેતા છે માટે આ વાસ્તવિકતાને બરોબર સમજી, કુદરત દ્વારા મળતા અનુભવોનો આદર કરવો જોઈએ અને તે મુજબ આહાર અને જીવનશૈલી સંબંધી વિવેકને ધ્યાનમાં રાખીને જીવન જીવવું  જોઈએ. ખરેખર આપણી પાસે સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત જ્ઞાન છે, પરંતુ જરૂર છે હિંમતપૂર્વક તે જ્ઞાનનો આદર કરવાની.  ચાલો, આજથી જ આપણે નિજજ્ઞાનનો આદર કરવાનો શુભારંભ કરીએ….

પાચનતંત્રના રોગમાં રાખવા જેવી સાવધાની:

આવા મોટા ભાગના રોગ મનની અસ્વસ્થતાને કારણે થતાં હોય છે. આ વાતને સમર્થન આપતા મેયો ક્લિનિકે ૧૫,૦૦૦ પેટના રોગના દર્દીઓ પર સંશોધન કરતા સાબિત કર્યું હતું કે, પાંચમાંથી ચાર પેટના દર્દીઓને પેટની બીમારીનું શારીરિક કોઈ કારણ ન હતું. મોટા ભાગના આવા દર્દીઓની બીમારીનું કારણ ભય, ચિંતા, ઈર્ષ્યા, નફરત, ઘૃણા અને સ્વાર્થીલું જીવન હતું. સમાજમાં પોતાના સ્ટેટસ અને આબરૂને જાળવવાની ચિંતા જેને વધુ રહેતી હોય એમને પાચનતંત્રના રોગ થવાની સંભાવના વધારે હોય છે.

આમ છતાં, પેટની બીમારીના પ્રાય: દર્દીઓ આ વાત માનવા તૈયાર હોતા નથી અને કદાચ જો કોઈ એમને સાચુ કારણ બતાવે તો એમનામાં હિંમતપૂર્વક સ્વીકારવાની તૈયારી પણ હોતી નથી, કેમ કે, તે સ્વીકારવામાં એ ખૂબ નાનમ  અનુભવવે  છે. અરે, ઘણીવાર તો એ ખુદ પોતાની બીમારીનું કારણ જાણતા હોવા છતાં પોતાને અનુભવાતી ચિંતા અને ભયને સ્નેહીજનો સાથે નિખાલસપણે ચર્ચી પણ શકતા નથી અને તેથી એમની પેટની બીમારીની માત્રા વધી શકે છે, પરંતુ જો દર્દીએ પેટની બીમારીઓમાંથી મુક્ત થાવું હોય તો તે તટસ્થપણે વિચારવું આવશ્યક છે કે, એમની બીમારીનું કારણ માનસિક અસ્વસ્થતા તો નથી ને.!

આહાર સંબંધી સાવધાની *પાચનતંત્ર સંબંધી અપચો અને અર્જીણ જેવા મોટા ભાગના રોગમાં દવા લઈને સ્વસ્થ થવાને બદલે ઉપવાસ કરવો તે તેનો શ્રેષ્ઠ ઉપચાર છે. માટે હિંમતપૂર્વક, મન ઉપર વિજય મેળવીને જરૂર ઉપવાસ કરવો.

*હંમેશાં પોતાને ભૂખ હોય તો પચે એટલું જ જમવું, કેમ કે આપણું પેટ સરેરાશ ૧.૫ લીટર આહારનો સંગ્રહ કરી શકે છે. આ સિવાયનો વધારાનો આહાર પાચનતંત્રને પચાવવો મુશ્કેલ હોવાથી તેને બહાર કાઢવા માટે શરીરને ખૂબ જ ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે માટે વારેવારે, કટાણે જમવાની કે નાસ્તા કરવાની કુટેવો છોડવી.

*ખોરાક સારી રીતે ચાવીને જ જમવાની ટેવ પાડવી.ખોરાકના પાચનમાં પોતાની મોઢાની લાળ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તે માટે આપણું શરીર રોજ ૧.૫ લીટર લાળ ઉત્પન્ન કરે છે અને આપણે જો ચાવીને ન જમીએ તો લાળ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે તેથી ખોરાકનું  યોગ્ય પાચન થઈ શકતું નથી.

*દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૩ લીટર જેટલું પાણી પીવાની ટેવ અવશ્ય પાડવી. જમ્યા પહેલાં અને જમ્યા પછી પાણી ન પીવું. જમતી વખતે વચ્ચે થોડું પાણી પી શકાય.

*નશાવાળા પદાર્થોની ટેવ છોડવી.ઘણાં લોકો એમ માનતા હોય છે કે ચા, કોફી, સોડા, તમાકુ, દારૂ, ધૂમ્રપાન વગેરે લીધા પછી જ એમને મળ ઉતરે છે. આ ખોટી આદત છે. એ પદાર્થો વિના પણ સ્વસ્થ જીવન જીવી શકાય છે.

*મેંદાની વાનગીઓ જમવામાં ઓછી લેવાય તો એ વધુ સારું. આજના યુગમાં લોકોને મેંદાની વાનગીઓ જમવા પ્રત્યે એક અલગ જ ગાંડપણ પેદા થયું છે. ઘરોઘરમાં અને રેસ્ટોરન્ટમાં મેંદાની વાનગીઓ જમવી વધુ પસંદ પડે છે, જે હાનિકારક છે. આજની પેઢીની આહારની પસંદગી મેંદામાંથી બનેલી અપૌષ્ટિક વાનગીઓ હોય છે. મેંદાની વાનગીઓ જમવાથી શરીરમાં ફાયદો થવા કરતા નુકસાન વધારે થાય છે. આજે  ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા અનેક રોગ વધવાનું એક કારણ મેંદાની વાનગીઓનો વધુ પડતો ઉપયોગ છે. માટે સાવધાન…

જીવનશૈલી સુધારો…

*પાચનતંત્ર સંબંધી રોગથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય નિયમિત જીવનશૈલી છે, પરંતુ સંશોધનોના આધારે આ રોગના ૭૦-૭૫ ટકા દર્દીઓ રાત્રે મોડે સુધી જાગવામાં અને સવારે મોડા ઊઠવામાં રુચિ ધરાવતાં હોય છે અને તેથી તેઓ નાની ઉંમરથી જ લાંબા સમય સુધી આ રોગના સકંજામાં જકડાયેલા રહે છે. આ બીમારીઓમાં એમનું શરીર સતત નિયમિતતા 

ઝંખતું હોય છે, પરંતુ મોટા ભાગે એ લોકો વધુ ને વધુ  અનિયમિત જીવન જીવે છે. આ રોગના દર્દી જો ખરેખર સ્વસ્થ થવા ઇચ્છતા હોય તો એમણે નિયમિત જીવનશૈલી કેળવવી જોઈએ.

*રોજ સવારે સંડાસ જવાની ટેવ પાડવી અને મળત્યાગ કરવામાં ક્યારેય બળ ન  કરવું. જો મળત્યાગ કરવા માટે બળ કરવું પડે તો સમજવું કે, પાચનતંત્ર સંબંધી કાંઈ  ખામી છે.

*સમય બચાવવાના હેતુથી, આળસમાં કે કામમાં વ્યસ્ત હોવાથી ક્યારેય પણ સંડાસના વેગને રોકી ન રાખવો. બધા કામ પડતા મૂકીને સંડાસ જઈ આવવું.

*વારંવાર રેચ લેવાના આદતી ન બનવું, કેમ કે જે દર્દીને ખ્યાલ પણ નથી રહેતો અને તેનું શરીર રેચને આધીન થઈ જાય છે. 

*બેસતી વખતે હંમેશાં ટટ્ટાર બેસવાની ટેવ પાડવી. નમીને કે વાંકા બેસવાથી હોજરી અને આંતરડાં ઉપર દબાણ આવે છે, તેથી પાચનક્રિયા નબળી પડે છે.


Also read: સ્વાસ્થ્ય સુધા : કાચા પપૈયાના અધધધ…છે ગુણો


*ખોટા બહાનાનો ત્યાગ કરીને રોજ ૨૦-૩૦ મિનિટ શારીરિક શ્રમ કરવાની ટેવ પાડવી.

*મૈથુનનો અતિરેક ન કરવો, કેમ કે એ અતિરેકથી શરીરની રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિ પર અસર થાય  જ  છે. તેમાં પણ જમીને તરત મૈથુન ક્રિયાથી  પાચનતંત્ર સંબંધી અનેક રોગ થવાની સંભાવના વધી જાય છે..                              

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker