રસ ઝરતી પાણીપૂરીના છે અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
પાણીપૂરી એક એવી વાનગી છે, જે ફક્ત એક ખાઈને મન રોકી શકવું અશક્ય બની જાય છે. પાણીપૂરીના સ્ટૉલ કે ખૂમચાને બજારમાં જોતાં, તેનું નામ સાંભળતાં કે તેના વિશે વાંચતાં પ્રત્યેક ભોજનના શોખીનને મોઢામાં પાણી આવવા જ લાગે. કેમ ખરી વાતને ! ‘કાર્તિકી પૂનમ’ને ગુજરાતમાં ‘પકોડી પૂનમ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતી રસિયાઓ મનભરીને પકોડીનો સ્વાદ માણે છે. તા ૧૫મી નવેમ્બર ને શુક્રવારના રોજ કાર્તિક પૂર્ણિમા છે. તો આપ સર્વે તે દિવસે પાણીપૂરીનો સ્વાદ અચૂક માણજો. સામાન્ય રીતે હવે તો ઘરે સારો પ્રસંગ હોય ત્યારે વાનગીઓના લિસ્ટમાં પાણીપૂરીનાં બે કે ત્રણ કાઉન્ટર અચૂક રાખવામાં આવતાં હોય છે. આપ જોશો તો તે કાઉન્ટર ઉપર સૌથી વધુ ભીડ જોવા મળશે. ડાયેટ કરતા હોય કે ખાવાના શોખીન હોય, બધા જ એનો સ્વાદ માણવા આતુર જોવા મળે છે. નાના-મોટા પ્રત્યેકને પાણીપૂરી ખાવાની તલપ લાગી જ જતી હોય છે. તેમાં વળી પાણીપૂરીનો એક રાઉન્ડ ખાઈ લીધાં બાદ ફ્રીમાં મળતી મસાલા પૂરીનો સ્વાદ અચૂક માણવામાં આવે છે.
Also read:
પાણીપૂરીનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહાભારત કાળમાં ઉત્તર પ્રદેશમાં ખવાતી હતી. એવી જાણકારી મળે છે કે દ્રૌપદીએ લગ્ન બાદ સાસુ કુંતી તથા પાંચ પાંડવો માટે પાણીપૂરી બનાવી હતી. નવવધૂ બનીને દ્રૌપદી જ્યારે પ્રથમ વખત પાંચ પાંડવો સાથે ઘરે પહોંચી, તે સમયે પાંડવો વનવાસમાં હતા. વનમાં તેમની પાસે વધુ સાધનસામગ્રી ન હતી. રાજાની પુત્રી વનમાં કઈ રીતે રહેશે? તેને ભોજન બનાવતાં આવડતું હશે કે નહીં? તેથી જ માતા કુંતીએ દ્રૌપદીની રસોઈકળાને પરખવા માટે થોડો લોટ, થોડા લીલા-સૂકા મસાલા, બટાકા તથા ચણા આપ્યા. દ્રૌપદીને જણાવ્યું કે કોઈ એવી વાનગી બનાવ જેના ગ્રહણ બાદ મારા પાંચે પુત્રોનું પેટ ભરાઈ જાય. વળી એવી વાનગી બનાવવા કહ્યું જે તેમના પાંચે પ્રિય પાંડવોને પસંદ આવે. દ્રૌપદીએ પૂરી બનાવી, ચણા તથા બટાકાના માવો સ્વાદિષ્ટ મસાલો નાખીને તૈયાર ર્ક્યો હતો. ચટપટું પાણી બનાવીને પૂરીમાં ભરીને સર્વેનાં દિલ જીતી લીધાં હતાં. આમ તેણે એક રસ ઝરતી વાનગી બનાવીને પોતાના બુદ્ધિકૌશલ્યનો પરિચય કરાવ્યો હતો. તેથી જ તો કહેવાય છે કે ‘પતિનું દિલ જીતવાનો સરળ રસ્તો સ્વાદિષ્ટ ભોજન પીરસીને બનાવી શકાય છે’.
એક માન્યતા એવી છે કે પાણીપૂરીની શરૂઆત ૧૦૦-૧૨૫ વર્ષ અગાઉ મગધ દેશથી થઈ હતી. મગધ બિહારનું ક્ષેત્ર છે. જે દક્ષિણી બિહારના નામથી ઓળખાય છે. તે સમયે પાણીપૂરીને કયા નામથી ઓળખવામાં આવતી તે વિશે કોઈ ખાસ જાણકારી મળતી નથી. કેટલીક જગ્યાએ તેનું પ્રાચીન નામ ‘કુલ્કી’ હતું તેવો ઉલ્લેખ મળે છે.
પાણીપૂરીને ભારતનાં વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. ગૂપચૂપ, ગોલગપ્પા, પૂચકા, રગડાપૂરી, પાની કે બતાશે. ઉત્તર ભારત, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ વગેરે ક્ષેત્રોમાં તે ગોલગપ્પા તરીકે ઓળખાય છે. પાણીના મસાલામાં ફૂદીનાનાં પાનની સાથે જલજીરા-હિંગનો ઉપયોગ કરીને મસાલા પાણી તૈયાર કરવામાં આવે છે. બરફનો ઉપયોગ કરીને ચટપટા પાણીને અત્યંત ઠંડું બનાવવામાં આવે છે.
Also read: સ્વાસ્થ્ય સુધા : મસાલાની રાણી એલચીના છે કમાલના લાભ
બંગાળીઓ પૂચકા જરા હટકે તૈયાર કરે છે. લગભગ ૨૦થી વધુ વિવિધતા ફક્ત પાણીમાં જોવા મળે છે. પાણીપૂરીની સરખામણીમાં પૂચકા કદમાં જરા મોટા હોય છે. પૂચકામાં ભરવામાં આવતાં મસાલામાં ચણાની દાળ, બટાકા, બુંદી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં મળતી પકોડીમાં બટાકા-ચણાનો મસાલો ભરવામાં આવે છે. મીઠી ચટણીની સાથે કોથમીર-ફૂદીનાનું ખાસ પાણી ભરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગરમ રગડો, મીઠી ચટણી તથા મસાલેદાર પાણી ભરીને પાણીપૂરીની લહેજત માણવામાં આવે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા તથા બિહારનાં કેટલાંક ક્ષેત્રમાં પાણીપૂરીને ગૂપચૂપ કહેવામાં આવે છે. પૂરીમાં ભરવામાં આવતા મસાલામાં સફેદ વટાણા, ચણા, બટાકાનું મિશ્રણ મળે છે. પાણી થોડું ચટપટું તીખું મળે છે. ગૂપચૂપ નામ એટલા માટે પડ્યું હશે કે પૂરીને મોઢામાં મૂકતાં મોં બધ થઈ જતું હોય છે.
હાલમાં તો અનેક લોકો એવા જોવા મળે છે જેઓ પાણીપૂરીને સ્વાસ્થ્ય માટે ખરાબ ગણે છે. વાત સો ટકા સાચી છે જ્યારે તમે પાણીપૂરી રસ્તા ઉપર ઊભા રહેતાં ખૂમચાવાળા પાસેથી ખાઓ ત્યારે. કેમ કે તેમનું પાણી ભલે સ્વાદિષ્ટ હોય, પરંતુ તેઓ સ્વચ્છતાનો ખ્યાલ રાખતા નથી. વળી અનેક વખત એવું બહાર આવ્યું છે કે પાણીપૂરી માટે વપરાતાં ચણા કે બટાકા બગડેલાં કે નિમ્ન ગુણવત્તાવાળા જોવા મળે છે. તેથી પાણીપૂરીનો આસ્વાદ માણવો હોય તો ઘરે બનાવેલી પૂરી તથા ઘરે બનાવેલાં પાણીનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
થોડા સમય પહેલાં ભાલા ફેંક (જૈવલિન થ્રો)માં ભારતને ઑલમ્પિકમાં સુવર્ણ પદક જિતાડનાર નિરજ ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં તેને ભાવતી વાનગીમાં પાણીપૂરીને ઉત્તમ સ્ટ્રીટ ફૂડ કહ્યું હતું. તેનું કહેવું હતું કે પાણીપૂરીમાં કોઈ ખરાબી નથી. જો તેને એક વખત ખાવામાં આવે તો તેમાં કોઈ નુકસાન નથી. તેનાથી ઝડપી વજન વધવાની સમસ્યા ઊભી થતી નથી. તેણે વધુમાં કહ્યું હતું કે પાણીપૂરીમાં પાણીની માત્રા વધુ હોય છે. જેને કારણે પેટ ઝડપથી ભરાઈ જાય છે. હલકી-ફૂલકી પૂરી લોટથી બનાવવામાં આવે છે જે પચવામાં સરળ છે. વળી મસાલાનું પ્રમાણ મર્યાદિત માત્રામાં હોય છે. તેથી તેનો સ્વાદ માણવો ખોટો નથી.
નિષ્ણાત આહાર તજજ્ઞોનું માનવું છે કે દાંત તેમ જ મોઢાના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પાણીપૂરીમાં વપરાતી સામગ્રીમાં પોટેશિયમ, કૅલ્શિયમ તથા ફોસ્ફરસ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. જેનો ઉપયોગ ભોજનમાં કરવાથી મોંમાં રહેલાં બિનજરૂરી બેક્ટેરિયા નાશ પામે છે. વળી પાચન માટે તે ઉત્તમ ગણાય છે. તેમાં આયર્ન હોય છે જેની આવશ્યક્તા મહિલાઓને ખાસ હોય છે. મોટા ભાગની મહિલાઓમાં આયર્નની ઊણપ જોવા મળે છે. તેના સેવનથી લોહીમાં ઑક્સિજન પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. તેમાં મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, પોટેશિયમ, ફૉલેટ, ઝિંક તથા વિટામિન એ, બી-૬, બી-૧૨, વિટામિન સી તથા વિટામિન ડીની માત્રા હોય છે.
પાણીપૂરીના સ્વાસ્થ્ય વર્ધક ગુણો:
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી: લોહીમાં બ્લડ શુગરની વધેલી માત્રા એક મોટી સમસ્યા બની ગઈ છે. પાણીપૂરીના મસાલામાં હિંગ, કાળા મરી, જીરું, ફૂદીના જેવી પાવરફૂલ સામગ્રીનો ઉપયોગ થયો હોય છે. જે સેહતને માટે ગુણકારી છે. બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણોને કારણે ગુણકારી ગણાય છે. પાણીપૂરીનું સેવન કરતી વખતે તેમાં મીઠી ચટણીનો ઉપયોગ કરવો કે નહી તે વ્યક્તિની પોતાની પસંદગી ઉપર નિર્ભર કરે છે. વળી ડાયાબિટીસના દર્દીઓએ આહારમાં શું ખાવું, કેટલી માત્રામાં ખાવું વગેરે વાત ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. બટાકાને બદલે ફણગાવેલા મગ-ચણા વગેરેનો ઉપયોગ તેમના માટે હિતાવહ છે.
એસિડીટીની સમસ્યામાં ગુણકારી : આજકાલ નાની-મોટી પ્રત્યેક વ્યક્તિને એસિડીટીની સમસ્યા સતાવતી હોય છે. તેનું મુખ્ય કારણ કસમયે ભોજન કરવું. રાત્રિના મોડે સુધી જાગવું. તેમ જ વારંવાર બહારનાં ભોજનનો આહારમાં સમાવેશ કરવો વગેરે ગણાય છે. પાણીપૂરીમાં વપરાતા મસાલા સામાન્ય રીતે ઘરના હોય છે. જેમ કે કોથમીર, આદું-મરચાં, તજ, લવિંગ, ફૂદીનો, શેકેલું જીરું, સંચળ, લિંબુ કે કાચી કેરી વગેરે. મર્યાદિત માત્રામાં તેમ જ રાત્રે વહેલાં પાણીપૂરી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
વ્યક્તિને આનંદિત બનાવે છે : સામાન્ય રીતે મનગમતું કે ભાવતું ભોજન મળી જાય તો વ્યક્તિ આનંદિત બની જતી હોય છે. મોસમ કોઈ પણ હોય પરંતુ પાણીપૂરી ખાવાથી ગમે તેટલી ઉદાસીન વ્યક્તિ હોય તે પ્રસન્નતા અનુભવે છે. એક પ્લૅટ પાણીપૂરીનો સ્વાદ માણવાથી વ્યક્તિ તરોતાજા બની જાય છે. સામાન્ય રીતે ગરમીના દિવસોમાં ઠંડાં મસાલેદાર પાણીના સ્વાદથી ભરપૂર પાણીપૂરી ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. ગરમીમાં શરીરમાં પાણીની ઊણપ વધુ (ડિહાઈડ્રેશન) ઊભી થતી હોય છે. આવા સંજોગોમાં પકોડીનું સેવન કરવાથી વ્યક્તિ એકસાથે બમણી મજા માણી લે છે. શરીર તાજગી અનુભવે છે જીભને ચટાકેદાર વાનગી ખાવાનો આનંદ મળે છે.
પેશાબની સમસ્યાથી છુટકારો : ઘરે બનાવેલી પાણીપૂરી તથા તેનાં મસાલેદાર પાણીનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યામાં રાહત અપાવે છે. ઘરમાં બનાવેલું પાણી હોય તો તેમાં વાપરવામાં આવતી સામગ્રીમાં ફૂદીનો, હિંગ, જીરું, કાચી કેરી, લિંબુનો રસ વગેરે હોય છે. જે પાચનશક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. પાણી બનાવવા માટે કોથમીરનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જે પેટ ફૂલવું તથા પેશાબની તકલીફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: પાણીપૂરીમાં ફાઈબરયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. વળી મસાલામાં વપરાતી સામગ્રી ફક્ત બાફેલી હોય છે. જેથી કૅલરીની માત્રા તેમાં ઘણી ઓછી હોય છે. પાણીપૂરી રવો, ઘઉંનો લોટ કે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પૂરીમાં મસાલાની સાથે પાણી ભરીને ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે.
આફરો ચડવો, કબજિયાત કે મોંમાં ચાંદાથી છુટકારો: આદું-ફૂદીના-લિંબુનું પાણી સામાન્ય રીતે ગૅસ કે કબજિયાતની તકલીફમાં લેવામાં આવે છે. ફૂદીનો ઈરિટેબલ બૉવેલ સિન્ડ્રોમને મટાડવામાં મદદ કરે છે. ફૂદીનામાં ફાઈબર, વિટામિન એ, આયર્ન, મેંગેનીઝ, ફોલેટ હોય છે, જે પેટ માટે ગુણકારી ગણાય છે. સંચળ-જીરું વગેરેનો ઉપયોગ પાણીને મસાલેદાર બનાવવા માટે કરવામાં આવે છે. જે સ્વાદની સાથે સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. કબજિયાતની તકલીફમાં પાણીપૂરીનું પાણી જો પીવામાં આવે તો ફાયદાકારક ગણાય છે.
પાણીપૂરી બનાવવાની રીત પૂરી બનાવવા : ૧ કપ જાડો રવો, ૨ ચમચી મેંદો, ૧ નાની ચમચી બેકિંગ સોડા, ૧ ચમચી તેલનું મોણ, સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં રવો લેવો. તેમાં બે ચમચી મેંદો ભેળવવો. નાની ચમચી બૅકિંગ સોડા ભેળવવો. તેલનું મોણ તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરી દેવું. ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધવો. ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. અડધો કલાક સુધી લોટને ભીના કપડાંથી ઢાંકીને રાખવો. ત્યાર બાદ લોટને મસળી લેવો. નાની નાની પૂરી બનાવીને ઢાંકીને રાખવું. મધ્યમ આંચ ઉપર પૂરી તળી લેવી. પાણી બનાવવા માટે: ૧ વાટકી કોથમીર,૧વાટકી ફૂદીનો, ૪-૫ લીલા મરચાં, ૧નાનો ટુકડો આદુ, ૨ મોટી ચમચી શેકેલું જીરું, ૧ વાટકી આમલીનું પાણી, અથવા અડધી વાટકી ઝીણી સમારેલી કાચી કેરી, સ્વાદાનુસાર સંચળ, ૩-૪ નંગ મરી, ૩-૪ નંગ લવિંગ, ૨ ચમચી સંચળ, હિંગ સ્વાદપ્રમાણે. ૧ નંગ લિંબુ.
Aslo read: આરોગ્ય પ્લસ : જીવજંતુઓ ને પ્રાણીઓના ડંખ
સૌ પ્રથમ કોથમીર, ફૂદીનો, લીલાં મરચાં, આદું, શેકેલું જીરું, ૧ ચમચી આમલીનું પાણી ૧ ચમચી ચાટ મસાલો, સ્વાદાનુસાર સંચળ, ૧ નંગ લિંબુનો રસ બધું જ મિક્સરમાં વાટી લેવું. ત્યાર બાદ મોટા બાઉલમાં મિશ્રણને કાઢી લેવું. તેમાં આવશ્યક્તા અનુસાર બરફ ભેળવવો. બુંદી-કોથમીરથી સજાવીને પાણી સર્વ કરવું.
મીઠી ચટણી બનાવવા માટે : ૧ વાટકી ખજૂર, અડધી વાટકી આમલીનો માવો,૧ વાટકી ગોળ, સ્વાદાનુસાર સંચળ, તજનો ટુકડો, ચપટી હિંગ, ૧ ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ મરચું પાઉડર
Also read: આરોગ્ય વીમામાં કૅશલેસ ક્લેમ કઈ રીતે કરી શકાય ? એના આ મહત્વના મુદ્દા જાણી લો…
બનાવવાની રીત: સૌ પ્રથમ આમલીને અડધો કલાક પલાળીને તેનો માવો તૈયાર કરી લેવો. ખજૂર-આમલીના માવાને મિક્સરમાં એકરસ કરી લેવો. તેને સ્ટીલની કડાઈમાં કાઢીને ગરમ કરવું. તેમાં ગોળ, સંચળ, ધાણાજીરું, લાલ મરચું, તજ હિંગ વગેરે ભેળવીને એક ઊભરો લેવો. મીઠી ચટણી તૈયાર થઈ જશે. જેમને મીઠી ચટણી પાણીપૂરીમાં પસંદ હોય તેમને પીરસવી. ૨ નંગ બાફેલા બટાકા, ૧ વાટકી બાફેલા કાળા ચણા, બંનેને ભેગા ર્ક્યા બાદ તેમાં સંચળ-જીરું પાઉડર-ચાટ મસાલો ભેળવીને વાપરવું.