પાકિસ્તાન બદલાવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
વિશ્ર્વ ક્રિકેટમાં મિની વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં રમાવાની છે ત્યારે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમીને ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે ફરી ક્રિકેટ સંબંધો સ્થાપિત કરશે એવી વાતો ચાલી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વાતો પર ટાઢું પાણી રેડીને જાહેર કર્યું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને પત્ર લખીને પોતાની પાકિસ્તાનમાં નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે ને એ માટે કારણ પણ આપ્યું છે કે, ભારત સરકાર નથી ઈચ્છતી કે, ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા જાય. બીસીસીઆઈએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પણ આ અંગે જાણ કરી દીધી છે.
આઈસીસીએ પણ પાકિસ્તાનને મેલ કરીને કહી દીધું છે કે, સુરક્ષાનાં કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી. બીસીસીઆઈએ હાયબ્રિડ મોડેલ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તૈયારી બતાવી છે. હાઇબ્રિડ મોડેલમાં કેટલીક મેચ યજમાન દેશની બહાર યોજવામાં આવે છે. ભારતે આ મોડલ હેઠળ પોતાની મેચ દુબઈમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
બીસીસીઆઈએ પહેલાં પણ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરેલો જ તેથી આ વાતમાં કશું નવું નથી પણ પાકિસ્તાન બઘવાયું છે. જો કે તમાચો મારીને મોં લાલ રાખતાં પીસીબીના ચીફ મોહસિન નકવીએ એવું કહ્યું છે કે, હજુ સુધી અમને લેખિતમાં કંઈ મળ્યું નથી. અમને લેખિતમાં કંઈપણ મળશે તો હું તરત જ મીડિયા અને સરકારને જાણ કરીશ જ. નકવીનો તો એવો દાવો પણ છે કે, અત્યાર સુધી કોઈએ અમારી સાથે હાઇબ્રિડ મોડલ વિશે ચર્ચા કરી નથી ને અમે પણ તેના વિશે વાત કરવા તૈયાર નથી.
નકવીએ આડકતરી રીતે ધમકી પણ આપી છે કે, પાકિસ્તાને તાજેતરના વર્ષોમાં હંમેશાં સારું વર્તન કર્યું છે પણ દરેક વખતે અમારી પાસેથી સારાની અપેક્ષા રાખતા નહીં. નકવીની વાતનો મતલબ એ થાય કે, પીસીબી બીસીસીઆઈ સામે પગલાં લઈ શકે છે અને મીડિયા રિપોર્ટની વાત માનીએ તો પીસીબી બીસીસીઆઈ સામે ઈન્ટરનેશનલ કોર્ટમાં જવાની તૈયારી પણ કરવા માંડ્યું છે.
દુનિયામાં સ્પોર્ટ્સને લગતા વિવાદો માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (સીએએસ) છે. પીસીબીએ બીસીસીઆઈ અને આઈસીસી સામે સીએએસમાં કેસ કરવાની ધમકી આપી છે. સાથે સાથે ચેમ્પિયન્સ ટ્રોફી પૂરેપૂરી પાકિસ્તાનમાં ના યોજાય ને હાઈબ્રિડ મોડલ અપનાવા કે પાકિસ્તાનથી બહાર રમાડાય તો બહિષ્કાર કરવાની ધમકી પણ પીસીબીએ આપી છે.
પીસીબીએ ભારતની મેચો સલામત સ્થળે યોજાઈ રહી હોવાની દલીલ પણ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ડ્રાફ્ટ શિડ્યૂલ મુજબ આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી રમાશે અને બધી મેચ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે એવું પાકિસ્તાને ડ્રાફ્ટ શિડ્યૂલમાં કહ્યું છે. પીસીબીએ ટૂર્નામેન્ટના સ્થળ અને કાર્યક્રમનો ડ્રાફ્ટ આઈસીસીને સોંપ્યો એ પ્રમાણે ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડની સાથે ગ્રૂપ-અમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપ-ઇમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
ડ્રાફ્ટ શિડ્યૂલ અનુસાર, ભારતની ત્રણ મેચ પૈકીની પહેલી મેચ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, બીજી મેચ ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ ૨ માર્ચે ન્યૂ ઝીલેન્ડ સામે યોજાવાની છે. ભારતની બધી જ મેચ લાહોરમાં રમાડાશે એવું પણ પાકિસ્તાને કહ્યું છે.
જો કે ભારતને પોતાની મેચો ક્યારે ને ક્યાં રમાશે તેનાથી બહુ ફરક પડતો નથી. ભારતે સલામતીનું કારણ આપ્યું છે પણ કારણ સલામતીનું નથી એ પણ બધાં જાણે છે. મૂળ વાત એ છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનની ધરતી પર રમવા જ નથી ઈચ્છતી ને તેનું કારણ પાકિસ્તાન દ્વારા ભારતમાં ફેલાવાતો આતંકવાદ છે.
મુંબઈમાં ૨૦૦૮ના નવેમ્બરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાંખ્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ ૧૬ વર્ષથી પાકિસ્તાન ગઈ નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે ૨૦૦૮માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ૩ ટેસ્ટ મેચની શ્રેણી ભારતીય ટીમે ૧-૦થી જીતી હતી. આ શ્રેણીની ૨ મેચ ડ્રો રહી હતી.
ભારતે એ પછી પાકિસ્તાન સાથે ફરી ક્રિકેટ સંબંધો સ્થાપિત કરવા પ્રયત્ન કર્યા જ છે. તેના ભાગરૂપે પાકિસ્તાનની ટીમ ૨૦૧૨-૧૩માં ભારત આવી હતી. આ પ્રવાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન ડે મેચો અને ૨ ટી-૨૦ મેચ રમાઈ હતી. પાકિસ્તાને વન ડે સિરીઝ ૨-૧થી જીતી હતી જ્યારે ટી-૨૦ સિરીઝ ૧-૧થી બરાબર થઈ હતી. ભારત એ વખતે ફરી પાકિસ્તાન સાથેના સંબંધો સામાન્ય કરવા તૈયાર હતું પણ પાકિસ્તાન ના સુધર્યું અને આતંકવાક ચાલુ રાખ્યો તેથી ભારતે પછી ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ જ મૂકી દીધું.
પાકિસ્તાને એ પછી ભારત સાથેના ક્રિકેટ સંબંધો સુધારવા બહુ પ્રયત્ન કર્યો પણ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ઘૂસીને ના પાડી દેતાં બંને ટીમ એકબીજાના દેશમાં રમવા જતી નથી. બંને ટીમ માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઇસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે. ૨૦૧૩થી બંને ટીમ તટસ્થ સ્થળે ૧૩ વન ડે મેચ અને ૮ ટી-૨૦ મેચ રમી છે પણ એકબીજાની ધરતી પર દ્વિપક્ષીય મેચ નથી રમી. પાકિસ્તાનની ટીમ આ દરમિયાન ભારત રમવા આવી છે પણ ભારતની ટીમ પાકિસ્તાન નથી જ ગઈ.
પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપ રમવા ભારત આવી ત્યારે ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ ૭ વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાન ઈચ્છે છે કે, ભારતીય ટીમ પણ આ રીતે કમ સે કમ આઈસીસી કે એશિયા કપ જેવી ટૂર્નામેન્ટ રમવા તો પાકિસ્તાન આવે જ પણ ભારત મચક નથી આપતું.
ગયા વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનમાં રમવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ કારણે ટૂર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજાઈ હતી. ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી.
ભારતનું વલણ યોગ્ય છે એ કહેવાની જરૂર નથી. પાકિસ્તાનના ઈશારે ભારતની ધરતી પર નિર્દોષોનાં લોહી રેડાય ને આપણે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જઈએ એટલા નકટા તો નથી જ. ક્રિકેટ નહીં રમાય તો કોઈ ફરક પડી જવાનો નથી. બીજું એ કે, પાકિસ્તાન પોતે બદલાવા તૈયાર નથી ને ભારતની ધરતી પર આતંકવાદ બંધ કરવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?