વડતાલ: ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રદ્ધાળુઓને પણ સંબોધિત કર્યા હતા અને સંબોધનમાં દેશવાસીઓને એકતા અને અખંડિતતા જાળવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે સમાજને જાતિ, ધર્મ, ભાષા અને લિંગના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને હરાવવા ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નાગરિકોમાં એકતા અને સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો: મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા
વડતાલ ખાતે આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હરિ ભક્તોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “કેટલાક લોકો સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આપણે તેમના ઈરાદાઓને સમજીને એક થવું પડશે અને તેમને હરાવવા પડશે.” તેમણે એમ પણ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સમાજમાં એકતા અને રાષ્ટ્રની અખંડિતતાની જરૂર છે.
સ્વામિનારાયણ સંપ્રદાયને કર્યું આહ્વાન:
વડાપ્રધાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને દેશના દરેક નાગરિકને ‘વિકસિત ભારત’ના ધ્યેય સાથે જોડવામાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે જે રીતે આઝાદીની લડાઈમાં દેશવાસીઓએ આઝાદીની આકાંક્ષા સાથે સંઘર્ષ કર્યો હતો, તેવી જ રીતે હવે દેશને વિકસિત બનાવવાની ભાવના દરેક ભારતીયના હૃદયમાં હોવી જોઈએ.
યુવાનો છે આપણી તાકાત:
વડાપ્રધાને કહ્યું, “યુવાઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે અને નિભાવી રહ્યા છે. આ માટે આપણે એક મજબૂત અને શિક્ષિત યુવા પેઢીનું નિર્માણ કરવું પડશે. કુશળ અને સક્ષમ યુવાનો આપણી સૌથી મોટી તાકાત બનશે.”
200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ:
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે 200 વર્ષ પહેલા જે સ્વામીનારાયણ મંદિરની સ્થાપના ભગવાન સ્વામીનારાયણે કરી હતી તેની આધ્યાત્મિક ચેતનાને અમે આજે પણ જાગૃત રાખી છે. આ સાથે કહ્યું કે આ પ્રસંગે ભારત સરકારે 200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કરી રહ્યા છે. PMએ સ્વામીનારાયણ સંપ્રદાયના ચરણોમાં નમન કર્યા હતા અને ભક્તોને આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈ ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.