બ્લોક થયેલા ગુગલ-પે એકાઉન્ટને અનબ્લોક કરાવવામાં મહિલાએ દોઢ લાખ ગુમાવ્યા!

ભુજ: કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપર ગામમાંથી વધુ એક સાયબર ફ્રોડનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જેમાં બ્લોક થઇ ગયેલા ગુગલ-પે નામના યુપીઆઈ સોફ્ટવેરને ફરી અનબ્લોક કરવાનો પ્રયાસ કરનારી મહિલા પાસે સ્ક્રીન શોટ શેર કરાવીને તેમના ખાતામાંથી દોઢ લાખ રૂપિયા સેરવી લેવાયા હતા.
હેમીકાબેન વિક્રમભાઈ ચોટારાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમનું ગુગલ-પે એકાઉન્ટ અચાનક બ્લોક થતા અંજારની એચડીએફસી બેંકની શાખામાં રૂબરૂ ગયા હતા, જ્યાં બેન્ક દ્વારા એકાઉન્ટ અનબ્લોક કરાવવા માટે ગૂગલના કસ્ટમર કેરને ફોન કરવા જણાવાયું હતું. તેમણે ગુગલ-પેના, ગુગલ સર્ચ વડે મેળવેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરતાં હિન્દી ભાષામાં વાત કરનારા શખ્સે હું મારા ઉપરી અધિકારી સાથે વાત કરાવું છું. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
આ પણ વાંચો :Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય
બાદમાં કહેવાતા અધિકારીનો ફોન આવ્યો અને પોતે ગુગલના યુપીઆઈ વિભાગમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ પોતાની વ્યથા જણાવતા સામાવાળાએ વોટ્સએપ કોલ કર્યો હતો અને સ્માર્ટફોનની સ્ક્રીન શેર કરાવી હતી. થોડીવારમાં ફોન કપાઈ ગયો અને એચડીએફસી બેંકના ત્રણ એસએમએસ આવ્યા જેમાં ખાતામાંથી દોઢ લાખ રૂપિયા ‘ડેબિટ’ થઇ ગયા હોવાનું માલુમ પડતાં તાત્કાલિક બેંન્ક ખાતુ બંધ કરાવી ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર અને અંજાર પોલીસમાં ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.