નવા CJI અને સરકાર વચ્ચે કેવા રહેશે સબંધો? ખુદ PM મોદીના કેસની સુનાવણી છે જસ્ટિસ ખન્નાના હાથમાં….
નવી દિલ્હી: જસ્ટિસ સંજીવ ખન્નાએ (Sanjiv Khanna) દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેમને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે 2025 સુધી રહેશે બાદમાં તેમની 65 વર્ષની વયમર્યાદાના કારણે નિવૃત થશે. જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેવાના છે ત્યારે એ પ્રશ્ન થાય છે કે મહત્વના મુદ્દાઓ પર સરકાર અને નવા મુખ્ય ન્યાયાધીશની વચ્ચે કેવું વલણ રહેશે?
મહત્વપૂર્ણ કેસો પર રહેશે ધ્યાન:
સૌથી મહત્વનું કારણ એ છે કે આગામી સમયમાં મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ અનેક મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થવાની છે. આ કેસોમાં બિહારમાં જાતિની વસ્તી ગણતરીની માન્યતા, સમલૈંગિક લગ્નના અધિકારને નકારી કાઢવાના આદેશની સમીક્ષા, વૈવાહિક બળાત્કાર, નાગરિકતા સંશોધન અધિનિયમ, ઘણા વર્ષોથી જેલમાં કેદ રાજકીય કેદીઓના કેસ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત બીબીસી ડોક્યુમેન્ટરીનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: કોણ હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI Chandrachud સરકારને ભલામણ મોકલી
ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની છાપ સ્પષ્ટ નિર્ણય લેનારા જજ તરીકની છે, ત્યારે આ મહત્વના કેસોની સુનાવણીમાં તેમનું સ્ટેન્ડ શું રહે છે તે જોવાનું રહ્યું.
પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા પર ફોકસ:
જસ્ટિસ ખન્ના અદાલતો પર પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા પર ભાર આપતા આવ્યા છે. આ ઉપરાંત તેઓ કોઈપણ કેસને ન્યાયપૂર્ણ રીતે ટૂંકા સમયમાં પૂરો કરીને સમયસર ન્યાય આપવાના પક્ષમાં છે.
આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ન્યાયાધીશોની નિમણૂક પર કોલેજિયમની ભલામણમાં કેન્દ્ર સરકાર તરફથી વિલંબ અને અન્ય બાબતોમાં સરકારનું વલણ અને CJIનો અભિપ્રાય શું છે. તેના આધારે જ નક્કી થશે કે સરકાર સાથે મુખ્ય ન્યાયમૂર્તિને કેવા સબંધો રહેવાના છે.
આપણ વાંચો: મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોમ્બે હાઈકોર્ટના સૂચિત નવા સંકુલનો શિલાન્યાસ
બિનસાંપ્રદાયિકતા અંગે સ્પષ્ટ વલણ:
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ધર્મનિરપેક્ષતાના મુદ્દે એક કેસમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ગયા મહિને જ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ખન્નાની બેન્ચે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતા હંમેશા બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ રહી છે. સમાનતાના અધિકાર અને બંધારણમાં ઉલ્લેખિત ‘બંધુત્વ’ શબ્દ પર નજર કરીએ તો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ધર્મનિરપેક્ષતાને બંધારણનું મુખ્ય લક્ષણ ગણવામાં આવ્યું છે.
ચાર દાયકાની કારકિર્દી:
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે. તેણે પોતાનું સમગ્ર શિક્ષણ દિલ્હીથી જ પૂરું કર્યું છે. તેમનો જન્મ 14 મે, 1960ના રોજ થયો હતો. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના પિતા જસ્ટિસ દેશ રાજ ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના જજ પદેથી નિવૃત્ત થયા હતા. જસ્ટિસ સંજીવ ખન્નાના માતા સરોજ ખન્ના દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં હિન્દીના પ્રોફેસર હતા.