નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પ્રોત્સાહનને કારણે ખાલિસ્તાનીઓ ઘણા જોશમાં છે. હવે ખાલિસ્તાનીઓએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે હિન્દુઓના આસ્થાના મુખ્ય કેન્દ્ર રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે.
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે, ’16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.’ પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિંદુ ધાર્મિક સ્થળો સામે હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.
વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ધમકી આપી છે કે, ‘અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.’ પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક એવા રામ મંદિર માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે.
આ પણ વાંચો :અયોધ્યાથી વૃંદાવન જતી ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ કન્ટેનર સાથે અથડાઈ, ત્રણનાં મોત
ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ભારતમાંથી ફરાર છે.તે હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ હિંસા આચરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું કામ કરે છે.
જોકે, આ પહેલી વાર નથી કે પન્નુએ ભારત સામે કોઈ ધમકી આપી હોય. આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ભારતના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પન્નુએ કહ્યું હતું કે શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચેતવણી આપી હતી કે તેઓ 1 થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરે.
પંજાબમાં જન્મેલો અને શિક્ષણ લીધેલો પન્નુ ક્યારેક અમેરિકા અને ક્યારેક કેનેડામાં રહે છે. તેની પાસે બંને દેશની નાગરિકતા છે. તે ભારતમાં બહારથી આતંકવલાદી હુમલાની ધમકી આપે છે. પન્નુએ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ પાકિસ્તાનના આઈએસઆઈની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે