બાળકોની અજીબોગરીબ હેરકટથી પરેશાન થઇને શાળાએ કર્યું કંઇક એવું કે…
આજકાલ લોકોમાં ફેશનેબલ કપડાં પહેરવા, સ્ટાયલિશ હેરકટ કરાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. દરેક લોકો હિરો-હિરોઇન જેવા સુંદર દેખાવા માગતા હોય છે અને શાળાના બાળકો પણ એમાંથી બાકાત નથી. પ. બંગાળના પુરૂલિયામાં આવેલી એક શાળામાં આવતા બાળકોની સ્ટાઇલિશ દેખાવવાવાળી વિચિત્ર હેરકટથી કંટાળીને એક એવું કદમ ઉપાડ્યું જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.
પુરુલિયાની એક શાળામાં છેલ્લા છ-સાત મહિનાથી એ બાળકોની વિચિત્ર હેરકટ એક ગંભીર સમસ્યા બની ગઈ હતી. સ્ટુડન્ટ્સ ક્રિકેટરથી લઈને ફૂટબોલર સુધીની હેરસ્ટાઈલ કોપી કરતા હતા. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ સારું નથી. આવી વિચિત્ર હેરકટ નિયંત્રિત કરવા માટે શાળાએ ખાસ અભિયાન શરૂ કર્યું હતું, જે ઘણું જ સફળ રહ્યું હતું. આ અભિયાન પછી, શહેરના વાળંદોએ કહ્યું હતું કે તેઓ પુરુલિયાની આ શાળાના વિદ્યાર્થીઓના વાળ વિચિત્ર રીતે કાપશે નહીં. તેઓ બાળકોને ફક્ત શાળાની શિસ્તને અનુરૂપ જ વાળ કાપી આપશે.
શાળાના એક શિક્ષકે આ અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓમાં વિચિત્ર હેરકટ એક ગંભીર સમસ્યા બની ગઈ હતી, જે ગંભીર રોગની જેમ ફેલાઇ ગઇ હતી. શરૂઆતમાં તો શાળાએ આવા વિદ્યાર્થીઓને વર્ગ છોડી દેવા કહ્યું અને બાદમાં શાળાએ વિચિત્ર હેરકટ કરાવેલા દરેકને નોટિસ પણ આપી હતી. જો કે, સમસ્યા અહીં અટકી ન હતી.
આ સમસ્યાને અટકાવવા શાળાના શિક્ષકોએ સ્થાનિક વાળંદ, હેરડ્રેસર અને સલૂન માલિકોનો સંપર્ક કર્યો હતો. તેમણે સ્થાનિક વાળંદોની મિટિંગ બોલાવી હતી. સ્કૂલે તેમને સમજાવ્યા હતા કે આ સારી શાળા છે. અહીંના બાળકો બોર્ડના પેપરમાં સારા રેન્ક હાંસલ કરે છે. અહીંના બાળકોને શિસ્તની જરૂર છે. વાળંદોએ તેમની સમસ્યા જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતા પણ આવા વાળ કાપવાનો આગ્રહ રાખે છે, જે માટે તેઓ લાચાર છે. શાળાના આથાક પ્રયાસો બાદ વાળંદો વિદ્યાર્થીઓના ટૂંકા અને શાળાની શિસ્તને અનુરૂપ વાળ કાપવા સંમત થયા હતા.
વાળંદોના એસોસિયેશને જણાવ્યું હતું કે, તેઓ શાળા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સમજે છે. તેથી તેમણે આવી વિચિત્ર હેરકટ કાપવાનું બંધ કર્યું છે. હવે જ્યારે શાળાના વિદ્યાર્થીઓ હેરકટ માટે આવે છે, ત્યારે તેઓ તેમના વાળ આ રીતે કાપવાની ના પાડી દે છે. આ ઉપરાંત, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો વિદ્યાર્થીઓ અન્ય વિસ્તારોમાં જઇને વિચિત્ર હેરકટ કરાવશે તો તેને માટે તેઓ જવાબદાર નથી.
આ પણ વાંચો :આ રીતે ભણશે ગુજરાત? રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની 99% જગ્યાઓ ખાલી
પૂરુલિયાની આ શાળાને ખૂબ સારી માનવામાં આવે છે. અહીંના વિદ્યાર્થીઓ રાજ્ય બોર્ડની પરીક્ષાના રેન્કિંગમાં ટોપ 20માં આવે છે. ગયા વર્ષે, શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 12મો અને 14મો રેન્ક મેળવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા વિશે વાત કરીએ તો, તે લગભગ 3,100 છે. શાળાના શિસ્ત માટેના આ પગલા બાદ શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં વિચિત્ર ફેશન અને હેરકટ કરાવવાની સમસ્યા ઘણી ઘટી ગઇ છે.