નવી દિલ્હી : જસ્ટિસ સંજીવ ખન્ના(Sanjiv Khanna) દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેમને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે 2025 સુધી ચાલશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો રહ્યા છે.
કાયદાકીય ક્ષેત્રમાં 40 વર્ષથી વધુનો અનુભવ
જસ્ટિસ સંજીવ ખન્ના પણ જસ્ટિસના પરિવારમાંથી આવે છે. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ હતા. આ સિવાય તેમના કાકા એચઆર ખન્ના પણ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. આ રીતે બે પેઢીનો ન્યાયિક વારસો જસ્ટિસ સંજીવ ખન્ના પાસે છે.મુખ્ય ન્યાયાધીશ બનેલા સંજીવ ખન્ના પોતે કાયદાકીય ક્ષેત્રમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
કાર્યકાળ કેટલો ?
જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે. જાન્યુઆરી 2019થી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ સંજીવ ખન્નાએ ઘણા મોટા કેસોની સુનાવણી કરી છે. જસ્ટિસ ખન્ના EVMની વિશ્વસનીયતા જાળવવા, ચૂંટણી બોન્ડ સ્કીમને રદ કરવા, કલમ 370 હટાવવા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે.
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેઓ વર્ષ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા. 2004 માં તેમની દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 2006માં કાયમી જજ બન્યા. આ પછી, 18 જાન્યુઆરી, 2019 ના રોજ, તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી. તેમની નિવૃત્તિ 13 મે 2025ના રોજ છે.