ધર્મતેજ

ગીતા મહિમા : સંયમની જરૂર છે?

  • સારંગપ્રીત

ગત અંકમાં નિત્ય અધ્યાત્મની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કામનાઓ ઉપર સંયમ રાખવાનો ઉપાય બતાવી રહ્યા છે.

જેમ જેમ વિશ્ર્વમાં વિજ્ઞાનનો વિલય થતો ગયો તેમ તેમ કામનાઓનું સામ્રાજ્ય વધતું ગયું અને આધુનિકયુગમાં આ કામભોગની કઠિન શૃંખલા રચાતી ગઈ. કામનાઓનું મૂળ કારણ છે વિષયો પ્રત્યેની આસક્તિ ! વિષયો તરફની આંધળી દોટથી માણસની ઈન્દ્રિયશક્તિ હણાતી ગઈ, પરિણામે શરીર અને મનની બલવત્તા ક્ષતવિક્ષત થતી ગઈ.

ખરેખર, એકવીસવી સદી એટલે એક વસમી સદી. આ યુગ એટલે Eat Drink and Be merry ખાઓ પીઓ અને મોજ કરોની માન્યતાનો જમાનો. સંયમ પાળવો તો દૂર પણ તમે જો સંયમની વાત કરો તો પણ હાંસીના પાત્ર બનો છો.

જ્યારે આજુ-બાજુમાં રહેનારા દરેક જણ વ્યસનોની લિજજત માણતા હોય ત્યારે સંયમી માણસને આ ટોળકીમાં ભેળવવા માટે પીઅર-પ્રેશર (-મિત્રનું દબાણ) સતત થતું રહે છે અને જો ન ભળે તો સૌથી જુદા પડવાનું થાય. જો અભદ્ર નાચ-ગાન, બર્થડે આદિ પાર્ટીમાં ન જવાનો નિયમ લો તો તેને મિત્રોનાં મેણાં-ટોણાં મળશે.

જ્યારે આજુબાજુનાં બધાં નવા કપડાં પહેરી ડિસ્કો, ક્લબ વગેરેની મોજમજા માણતાં હોય ત્યારે સંયમનું પૂંછડું પકડનારને ‘પુસ્તકિયો કીડો કે ભગત’નું બિરુદ અવશ્ય મળશે. બીજા ઈન્ટરનેટ કે મોબાઈલ પર મનોરંજન મેળવતા હોય ત્યારે સંયમી યુવાનને જુનવાણી કહેવાવાળા ઘણાં મળશે. તો પછી સંયમની જરૂર શું?

હા, સંયમ એ તો ‘લંબી રેસકા ઘોડા હૈ.’ લાંબાગાળે સંયમીને જીત અને અસંયમીને હારનો સ્વાદ ચાખ્યા વગર છૂટકો નથી. જ્યારે વીમા કંપનીમાં માણસ પૈસા ભરતો રહે છે ત્યારે વર્ષો સુઘી તો એને ગુમાવવાનું જ હોય એવું લાગે છે. પણ જ્યારે તેના ઘરે આકસ્મિક આગ લાગશે કે અન્ય દુર્ઘટના થશે ત્યારે દર મહિને હપ્તા ભરનારાને અનેકગણું થઈ એ જ રકમ મળશે જે એના માટે જીવનદોરી બનશે.

ભારતથી બેરિસ્ટર થવા માટે ગયેલ વલ્લભભાઈ જ્ચારે લંડનની લાઈબ્રેરીમાં દેહનું ભાન ભૂલીને કલાકો સુધી ચોપડીમાં એકાગ્ર હશે ત્યારે બીજા કેટલાક યુવાનો હોટલ કે ક્લબમાં મોજમસ્તી માણતા હશે, પણ સરદાર થવાનું ભાગ્ય તો વલ્લભભાઈને સાંપડ્યું છે.

૧૮૯૩ના વિશ્વધર્મ સમ્મેલન, શિકાગોથી સમગ્ર વિશ્વમાં હિંદુધર્મ-ધ્વજને લહેરાવનાર સ્વામી વિવેકાનંદને પૂછ્યો કે ૫ મિનિટની એ વાણી આટલો કમાલ કેમ કરી ગઈ? જવાબ મળશે- સંયમ! આંખનો સંયમ! વાણીનો સંયમ! કાનનો સંયમ !

ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશમાં સંયમને ઘણું પ્રાધાન્ય આપ્યું છે. માનવ જીવનના દરેક પ્રસંગમાં સંયમ-નિયમના ગુણધર્મો ભક્તોના જીવનમાં આત્મસાત થાય તે માટે તેઓએ ભક્તોનાં નિત્ય જીવનને સંયમરૂપી રક્ષાકવચથી સજાવ્યાં હતાં.

આજે આ ઉપદેશ અતિ પ્રાસંગિક છે. આજે સમગ્ર વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈ પોલીસ સ્ટેશન એવું હશે કે જ્યાં વર્તમાનમાં ગુનાખોરીનો આંક પૂર્વે કરતાં ઓછો હશે. કદાચ જ કોઈ એવી કોર્ટ હશે કે જ્યાં કેસ દાખલ થવાનો ગ્રાફ ઘટ્યો હશે.

હા, સવારે છાપું ખૂલે છે અને ચાની ચૂસ્કી સાથે ચોરીના સમાચાર નજરે ચઢે છે. લૂંટફાટ કે ખૂનખરાબાના સમાચાર તો ક્યારેક છેતરપિંડીના સમાચાર ! તો વળી ક્યારેક આતંકવાદ કે અકસ્માતની દયનીય છબીઓ…

મહંતસ્વામી મહારાજ જણાવે છે કે નિત્ય કથાવાર્તા, તપ, વ્રત અને આત્મવિચારથી કામનાઓ ઉપર કાબૂ મેળવી શકાય છે. શરીર કેવળ ઈન્દ્રિયજન્ય આનંદ ભોગવવાનું સાધન ન બની રહે, એ શાસ્ત્રોનો સાર છે. સંયમ જ પરમાત્મા સુધી પહોંચવામાં પ્રથમ પગથિયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker