નેશનલસ્પોર્ટસ

હરિયાણાના યશવર્ધને કર્યો રેકોર્ડ-બ્રેક રનનો ઢગલો, 428 રન ખડકી દીધા

465 બૉલની મૅરથોન ઇનિંગ્સમાં 12 છગ્ગા અને 46 ચોક્કાની રમઝટ બોલાવી

સુલતાનપુર: હરિયાણાનો યશવર્ધન દલાલ નામનો ઓપનિંગ બૅટર અન્ડર-23 સી. કે. નાયુડુ ટૂર્નામેન્ટમાં એક દાવમાં 400 રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે. તેણે મુંબઈ સામેની મેચમાં 465 બૉલમાં 12 છગ્ગા અને 46 ચોક્કાની મદદથી 428 રન બનાવ્યા હતા અને અણનમ રહ્યો હતો.

કર્નલ સી. કે. નાયુડુ ટ્રોફીની ચાર દિવસીય મેચમાં આ અગાઉ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર ઉત્તર પ્રદેશના સમીર રિઝવીના નામે હતો. ગઈ સિઝનમાં રિઝવીએ સૌરાષ્ટ્ર સામે 266 બૉલમાં 312 રન બનાવ્યા હતા. જોકે યશવર્ધને હવે રિઝવીના એ રેકોર્ડને ભૂતકાળ બનાવી દીધો છે.

https://twitter.com/i/status/1855572020370776281

સી. કે. નાયુડુ ટ્રોફી 1973ની સાલથી રમાય છે. જોકે આ ટૂર્નામેન્ટના 51 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ બૅટર 400 રનના આંક સુધી નહોતો પહોંચી શક્યો. જોકે યશવર્ધન 400 રન પાર કર્યા પછી પણ 428 રનના સ્કોર પર અણનમ રહ્યો હતો.
આ મૅચ અગાઉની બે મેચમાં 4, 23 અને 67 રન બનાવનાર યશવર્ધનને મુંબઈ સામેની મેચમાં ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. તેણે સાથી ઓપનર અર્શ રંગા સાથે પ્રથમ વિકેટ માટે 410 રનની ભાગીદારી કરી હતી. રંગાએ 151 રન બનાવ્યા હતા.

હરિયાણાએ ચાર દિવસની આ મેચમાં ત્રીજા દિવસની સવારે (રવિવારે) 742/8ના સ્કોર પર પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો.
મુંબઈના બોલર અથર્વ ભોંસલેએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો…..Stock Market : જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીને મળ્યો રુપિયા 4,559 કરોડનો ઓર્ડર, શેર ફોકસમાં

રવિવારના ત્રીજા દિવસે મુંબઈની ટીમ પ્રથમ દાવમાં 162 રનમાં ઑલઆઉટ થઈ ગયા બાદ બીજા દાવમાં ફૉલો ઓન પછી મુંબઈએ 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એ સમયે મુંબઈની ટીમ હરિયાણાથી હજી 542 રન પાછળ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button