શેખ હસીના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ ભારતને ‘રેડ નોટિસ’ પાઠવશે! બાંગ્લાદેશમાં નોંધાયા છે ગંભીર કેસ
ઢાકા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ શરુ થયેલી વ્યાપક હિંસા દરમિયાન શેખ હસીના(Sheikh Hasina)ને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું અને પરિવાર સાથે દેશ છોડી જવાની ફરજ પડી હતી. અહેવાલો મુજબ શેખ હસીના પરિવાર સાથે ભારતમાં આશ્રય લઇ રહ્યા છે, એવામાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ મોકલવા માટે ભારતને રેડ નોટીસ પાઠવી શકે છે.
એક અહેવાલ મુજબ રવિવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ભાગેડુઓને ભારતથી પરત લાવવા માટે તેઓ ઇન્ટરપોલ(Interpol)ની મદદ લેશે, જેથી માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે હસીના અને અન્યો સામે કાર્યવાહી કરી શકાય. હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર સરકાર વિરોધી વિદ્યાર્થી આંદોલનને હિંસા વડે દબાવવા માટે આદેશ આપવાનો આરોપ છે. જુલાઈથી ઓગસ્ટ મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકોના મોત થયા હતા.
બાંગ્લાદેશના કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નઝરુલે પુષ્ટિ કરી હતી કે બાંગ્લાદેશે હસીના માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, જે તેના મહેલ પર પ્રદર્શનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા ભારત ભાગી ગઈ હતી. જો કે ભારત સરકારે હસીના ભારતમાં આશ્રય લઇ રહ્યા હોવા અંગે પુષ્ટિ કરી નથી.
વિદ્યાર્થીઓના આંદોલનથી શરુ થયેલી ચળવળ મોટા પાયે વિદ્રોહમાં ફેરવાઈ હતી, જેના કારણે હસીનાને 5 ઓગસ્ટના રોજ છુપી રીતે ભાગીને ભારત આવી જવું પડ્યું હતું. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે આપેલા આંકડા અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન 753 લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ થયા. યુનુસ સરકારે આ ઘટનાને નરસંહાર અને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો હતો.
ઑક્ટોબર સુધીમાં, શેખ હસીના અને તેના પક્ષના નેતાઓ વિરુદ્ધ માનવતા અને નરસંહારની 60 થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. બાંગ્લાદેશ પર 15 વર્ષ સુધી શાસન કરનાર હસીના પર હત્યાઓ અને રાજકીય વિરોધીઓની સામૂહિક અટકાયત સહિત વ્યાપક માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ છે.
આ પણ વાંચો…..ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી
શું છે રેડ નોટીસ:
રેડ નોટિસ એ કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેશનલ અરેસ્ટ વોરંટ નથી પરંતુ દુનિયાની 196 લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીઓને પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા કાયદાકીય કાર્યવાહી બાકી હોય તેવા લોકોને શોધી કાઢવા અને અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે વિનંતી છે. ઇન્ટરપોલના સભ્ય દેશો તેમના રાષ્ટ્રીય કાયદા અનુસાર રેડ નોટિસ લાગુ કરે છે અને વ્યક્તિની ધરપકડ કરવી કે નહીં તે નક્કી કરે છે.